________________
જરાસંઘના કહેવાથી કંસે પિતા ઉપરના વૈરથી મથુરાની માંગણી કરી અને તે મેળવી કંસે પોતાના પિતા ઉગ્રસેનને કારાગૃહમાં પૂર્યા. કંસના નાના ભાઇ અતિમુક્તે પિતાના દુ:ખથી દીક્ષા લીધી. પછી બળથી ઉગ્ર એવો કંસ મથુરાનું રાજ્ય કરવા લાગ્યો.
જરાસંઘની આજ્ઞાથી તે દશે દશાર્હ પાછા પોતાની નગરીમાં આવ્યા. મનસ્વી વસુદેવકુમાર કાંઇક નિમિત્ત પામી રોષથી દેશાંતરમાં ચાલ્યા ગયા. તેઓ પૂર્વે કરેલા નિયાણાના પ્રભાવે પ્રબળ ભોગકર્મનો ઉદય થતાં સ્થાને - સ્થાને કોઇ કલાથી, કોઇ રૂપથી અને કોઇ સ્વેચ્છાએ આવેલી વિદ્યાધરોની, રાજાઓની, સામાન્ય વ્યવહા૨ીઓની તથા સાર્થવાહ વગેરેની સેંકડો કન્યાઓ પરણ્યા. ‘તપનું નિદાન (નિયાણું) અન્યથા થતું નથી.'
ત્યાંથી વસુદેવકુમાર રોહિણીના સ્વયંવર મંડપમાં ગયા, ત્યાં સમુદ્રવિજયને યુદ્ધમાં મળ્યા અને રોહિણીને પરણીને સમુદ્રવિજયની સાથે પોતાના નગરમાં પાછા આવ્યા. એક વખત રાત્રિએ રોહિણીએ બલભદ્રના જન્મને સૂચવનારા ચાર સ્વપ્નો જોયા. તેના પ્રભાવથી સમય આવતાં તેણે બલરામ પુત્રને જન્મ આપ્યો. કંસના આગ્રહથી વસુદેવકુમાર હર્ષથી દેવક રાજા (ઉગ્રસેનના ભાઇ)ની પુત્રી દેવકીને પરણ્યા.
તેના વિવાહનો ઉત્સવ ચાલતો હતો. તેવામાં કંસના અનુજબંધુ અતિમુક્તમુનિ ત્યાં આવ્યા. મદોન્મત થયેલી કંસપત્ની જીવયશાએ તેને કહ્યું, ‘હે દીયરજી ! આવો, આ વિવાહ ઉત્સવમાં તમે મારી સાથે ખાઓ, પીઓ અને સ્વેચ્છાએ ૨મો. દેહ ઉ૫૨ વૈર શા માટે કરો છો ?’ એમ કહી તેણે સમીપ આવી ઉપહાસ કરતાં અતિમુક્તમુનિના કંઠમાં આલિંગન કર્યું.
તે વખતે મુનિએ કોપથી કહ્યું, ‘હે જીવયશા ! તું જેના વિવાહ ઉત્સવમાં મહાલે છે તે દેવકીનો જ સાતમો ગર્ભ તારા પિતાને અને પતિને હણનારો થશે.' તે સાંભળીને મદરહિત થઇ ગયેલી જીવયશાએ અતિમુક્તમુનિને છોડી દીધા અને તે સર્વ વૃત્તાંત એકાંતે જઇને કંસને કહ્યો. પછી કંસે ઉપાયપૂર્વક કપટ કરી વસુદેવની પાસે દેવકીના સાતે ગર્ભની માંગણી કરી. વસુદેવે તેમ કરવા કબૂલ કર્યું.
કૃષ્ણ વાસુદેવ તથા નેમનાથ ભગવાનનો જન્મ :
અનુક્રમે ઇન્દ્રના ગમેષી દેવે દેવકીના છ ગર્ભને જન્મતા જ હરી લીધા અને સુલસાને આપ્યા અને સુલસાના જન્મતા જ મરણ પામતા છ ગર્ભો દેવકીને આપ્યા. નિર્દય કંસે તે છએ ગર્ભને પોતાના ઘરમાં શિલા પર પછાડી મારી નાંખ્યા અને દેવકીના તે પુત્રો અનુક્રમે સુલસાને ઘેર મોટા થયા. તેમના અનિકયશા, અનંતસેન, અજિતસેન, નિહતારિ, દેવયશા અને શત્રુસેન એવા નામ પાડ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૧૫