________________
સોમયશાનો પુત્ર શ્રેયાંસ થયો અને તે પછી સાર્વભૌમ, સુભ્રમ, સુઘોષ, ઘોષવર્ધન, મહાનંદી, સુનંદી, સર્વભદ્ર અને શુભંકર ઇત્યાદિ અસંખ્ય રાજાઓ થયા. તેઓ સ્વર્ગ અને મુક્તિ પામ્યા. પછી તે ચંપાનગરીમાં ચંદ્રકીર્તિ નામે રાજા થયો. તે પુત્રરહિત મરણ પામ્યો. તે સમયે સર્વ મંત્રીઓ કોઇને રાજા કરવા માટે ઉપાય ચિતવતા હતા. તેવામાં આ કિલ્બિષિક દેવે આકાશમાં રહીને આ પ્રમાણે કહ્યું, ‘હે મંત્રીઓ ! હે લોકો ! તમે મનમાં આવી ચિંતા કેમ કરો છો ? અનેક શત્રુઓને નમાવનાર આ પુરુષ તમારો રાજા થશે. તેને આ કલ્પવૃક્ષોના ફલની સાથે મદ્ય-માંસ પણ આપજો. આ તમારા સ્વામીને સ્વેચ્છાચારી તેમજ દુરાચારી થવા દેજો.'
લોકોને આવી રીતે સમજાવી, તે બંનેનું આયુષ્ય ટૂંકુ કરી અને કાયા પણ માત્ર ૧૦૦ ધનુષ્યની કરી કિલ્બિષિક દેવ કૃતાર્થ થઇને અંતર્ધાન થઇ ગયો. પછી પ્રીતિથી ભરપૂર સામંત અને મંત્રીઓએ મંગલિક શબ્દોના ઉચ્ચારપૂર્વક તીર્થોના જળ લાવી હિર રાજાનો રાજ્ય ઉપર અભિષેક કર્યો.
શ્રી શીતલનાથ પ્રભુના તીર્થમાં એ હિર રાજા થયો, તેનાથી અનેક રાજાઓને ધારણ કરનારો હરિવંશ પૃથ્વીમાં પ્રસિદ્ધ થયો. કેટલોક કાળ ગયા પછી હિર રાજાને હરિણીથી પૃથ્વીપતિ નામે પુત્ર થયો. હિર અને હરિણી અનેક પ્રકારનાં પાપ ઉપાર્જન કરીને દુર્ગતિમાં ગયા. ત્યારબાદ તેનો પુત્ર પૃથ્વીપતિ રાજા થયો. ઘણા કાળ સુધી રાજ્ય પામી છેવટે મહાગિરિ નામના પુત્રને રાજ્ય પર સ્થાપન કરી, તપશ્ચર્યા કરીને સ્વર્ગે ગયો. તેનો પુત્ર હિમગિરિ, તેનો પુત્ર વસુગિરિ, તેનો પુત્ર ગિરિ, તેનો પુત્ર મિત્રગિરિ, તેનો પુત્ર સુયશા થયો. શ્રી ચંદ્રવંશના (હરિવંશના) એ સર્વ રાજાઓ જિનધર્મના ધુરંધર, ત્રિખંડ ભોક્તા અને સંઘના અધિપતિ થયા.
આ રીતે અનુક્રમે હરિવંશમાં અસંખ્ય રાજાઓ થયા. તેઓમાં કેટલાક તપ તપીને સ્વર્ગે ગયા, કેટલાક મોક્ષે ગયા. હવે, આ હરિવંશમાં થયેલ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું શ્રેષ્ઠ સંપત્તિયુક્ત ચરિત્ર પાંચ કલ્યાણકના વર્ણન પૂર્વક કહેવામાં આવે છે.
મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચારિત્ર :
આ ભરતક્ષેત્રમાં મગધ દેશના મંડનરૂપ રાજગૃહ નામે નગર છે. તે નગરમાં હરિવંશમાં સુમિત્ર નામે રાજા હતો. તે રાજાને પદ્માદેવી નામે નિર્વિકારી રાણી હતી. પ્રાણત દેવલોકમાં દેવનો ભવ પૂર્ણ કરી, શ્રાવણ માસની પૂર્ણિમાની રાત્રિએ પ્રભુ શ્રી મુનિસુવ્રતસ્વામીનો આત્મા પદ્માદેવીની કુક્ષીમાં અવતર્યો. તે સમયે સુખે સૂતેલા પદ્માદેવીએ તીર્થંકરના જન્મને સૂચવનારાં ચૌદ મહાસ્વપ્નો રાત્રિના શેષભાગે જોયા. શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૨૦૦