________________
જનક રાજાએ આ પ્રમાણે કબૂલ કર્યું અને પોતાની નગરીમાં આવી, એક મંડપ બનાવી તેમાં બંને ધનુષ્ય મૂક્યાં. પછી પ્રત્યેક રાજપુત્રોને આમંત્રણ આપ્યું. તેથી અનેક રાજાઓ, વિદ્યાધરો ત્યાં આવ્યા. જનકે સર્વ રાજાઓને યથાયોગ્ય માન આપ્યું અને રામાદિકના પિતા દશરથને વિશેષ માન આપ્યું. પછી શુભ દિવસે પ્રાત:કાલે સર્વ રાજાઓ મંડપમાં યથાયોગ્ય સ્થાને બેઠા. સીતા પણ સુંદર વષ પહેરી મંડપમાં આવી. પછી રાજકુમારો ધનુષ્યને ઉપાડવા લાગ્યા. પણ ઉપાડવામાં જ અસમર્થ થતાં લજજાથી મુખને નીચું કરીને રહ્યા. તે વખતે શ્રીરામે મંચ ઉપરથી ઉતરી લીલામાત્ર વડે ધનુષ્યને હાથમાં લઇ પણછ ઉપર ચડાવ્યું, ત્યારે પુષ્પની વૃષ્ટિ થઈ અને સીતાએ રામના કંઠમાં વરમાળા આરોપણ કરી. લોકોએ હર્ષધ્વનિ કર્યો. પછી બીજું ધનુષ્ય લક્ષ્મણે ચડાવ્યું. એટલે ત્યાં આવેલા વિદ્યાધરોએ તેમને પોતાની અઢાર કન્યાઓ આપી. શુભ દિવસે રામ અને સીતાનો વિવાહ થયો. ભરતકુમાર કનક રાજાની પુત્રી ભદ્રાને પરણ્યા. પછી જનકની અનુમતિ લઈને દશરથ રાજા ચારે પુત્રો સાથે પોતાનાં નગરે ગયા અને બીજા રાજાઓ પણ સ્વસ્થાને ગયા.
એક વખત દશરથ રાજાએ એક વૃદ્ધ સેવક સાથે પોતાની પટ્ટરાણી સુમિત્રાને (કૌશલ્યાને) જિનસ્નાત્રનું જળ મોકલ્યું અને બીજી રાણીઓને દાસીઓ સાથે મોકલાવ્યું. તે દાસીઓ યૌવનવયને લીધે જલ્દીથી સ્નાત્રજળ લાવી. એટલે બીજી રાણીઓને સુમિત્રાની પહેલા સ્નાત્રજળ મળ્યું. પેલો કંચુકી વૃદ્ધપણાને લીધે જલ્દી લાવી ન શક્યો. તે હકીકત જાણ્યા વગર સુમિત્રાએ પોતાનું માનભંગ થયેલું જાણીને દુઃખથી કંઠમાં પાશ નાખ્યો. તે જાણી દશરથ રાજા તેને મનાવવા આવ્યા અને તે જ વખતે કંચુકી સ્નાત્રજળ લઈને આવ્યો. ત્યારે સફેદ વાળવાળા, મોઢામાંથી લાળ પાડતા અને ધીમી ગતિથી આવતા કંપતા એવા તે વૃદ્ધ કંચુકીને જોઇને રાજાને વૈરાગ્ય થયો. તે વિચારવા લાગ્યો કે, “અહો ! આ શરીર જીર્ણ થયેલા અને પડતા ઘર જેવું છે. તેથી જયાં સુધી આ મારું શરીર જરાવસ્થાથી હણાયું નથી, ત્યાં સુધીમાં હું આત્મકલ્યાણ સાધવા પ્રયત્ન કરી લઉં.” એમ વિચારી રાજા સભામાં ગયા.
ત્યારબાદ કેટલોક કાળ પછી એક વખત દશરથ રાજા કોઇ મુનિને વાંદવા ગયા. ત્યારે ભામંડલ ફરતો ફરતો ત્યાં આવ્યો. ત્યાં મુનિએ ધર્મનું સ્વરૂપ, પુંડરીકગિરિનું માહાભ્ય સંભળાવ્યું તથા ભામંડલ સીતા સાથે યુગલરૂપે જ જન્મેલ છે એ કહ્યું. તે જાણીને ભામંડલે સીતા પાસે જઈ ક્ષમા માંગી પ્રણામ કર્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૭૧