________________
• દશમા ઉદ્ધારક : ચક્રધર રાજા -
ચક્રધર રાજવીએ કરેલ દશમો તીર્થોદ્ધાર અને વિવિધ તીર્થોની યાત્રા ઃ રાજા ચક્રધરને તે તીર્થ જોઇ આનંદ પામેલા જાણી ઇન્દ્ર બોલ્યા, ‘હે રાજા ! તમારા પૂર્વજોનું આ તીર્થ કાળયોગથી જીર્ણ થઇ ગયું છે અને તમે પ્રભુના પુત્ર છો, તો આ તીર્થનો તમારે ઉદ્ધાર કરવો જોઇએ.’ તે સાંભળી ચક્રધરે જીર્ણ થયેલા પ્રાસાદોને નવીન કર્યા. ‘તમે આ તીર્થનો જીર્ણોદ્ધાર કરનાર થયા' એમ કહી ઇન્દ્રે સોના રૂપાની પુષ્પવૃષ્ટિ સહિત તેમને હર્ષપૂર્વક વધાવ્યા. પછી સમુદ્રની પાસે આવેલા ચંદ્રપ્રભાસ તીર્થમાં આવી શ્રી ચંદ્રપ્રભ પ્રભુનો અઠ્ઠાઇ ઉત્સવ કર્યો. ત્યાંથી સંઘ સાથે રૈવતગિરિ પર ચડ્યા. ત્યાં પણ જિનપ્રાસાદોનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને બીજા કેટલાક નવા ચૈત્યો પણ કરાવ્યા. ત્યાંથી નંદીવર્ધનગિરિ પર સંઘ સહિત ચડ્યા. ત્યાં પણ વિધિપૂર્વક પૂજા, અન્નદાન, સંઘભક્તિ અને જીર્ણોદ્વાર ઇત્યાદિ સત્કર્મો કર્યા. પછી સમેતિશખર વગેરે તીર્થોની ભક્તિથી યાત્રા કરી ચક્રધર રાજા ઉત્સવપૂર્વક હસ્તિનાપુરમાં આવ્યા.
આ બાજુ શાંતિનાથ પ્રભુ અનેક મુનિઓ સાથે સમેતશિખરગિરિએ પધાર્યા. ત્યાં એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નવસો મુનિઓ સાથે અનશન વ્રત ગ્રહણ કર્યું. અનુક્રમે વૈશાખ માસની કૃષ્ણ ત્રયોદશીએ અપરાષ્ઠ કાલે તે મુનિઓ સાથે પ્રભુ મુક્તિપદ પામ્યા. સર્વ દેવતાઓએ પૂર્વની જેમ ત્યાં પ્રભુનો નિર્વાણ મહિમા કર્યો અને એક મણિમય જિનચૈત્ય કર્યું.
શ્રી શાંતિનાથ પ્રભુનું નિર્વાણ સાંભળી ચક્રધર રાજાએ વૈરાગ્યથી ગુરુમહારાજની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. દશ હજાર વર્ષ સુધી ખડ્ગધારા જેવું વ્રત પાળી કેવળજ્ઞાન પામ્યા. શુભધ્યાનથી બાહ્ય અને અત્યંતર સર્વ અંધકારને દૂર કરતા શ્રી ચક્રધર મુનિ પ્રાંતે સમેતશિખર ઉપર આવીને મોક્ષે ગયા.
(આ દશમો ઉદ્ધાર થયો.)
દેવ આવો જગતમાં નહિ મળે રે...
સિદ્ધાચલ તીર્થરાજ ભગવાન શ્રી આદિનાથનો જે માણસ ૧૦૮ પાણીના ઘડા ભરીને સ્નાત્ર મહોત્સવ કરે છે તે જીવનો જો ખરાબ નક્ષત્રમાં જન્મ થયો હોય તો પણ તેના તમામ દોષો ટળી જાય છે.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૬૫