________________
એક વખત ઐરવત ક્ષેત્રમાં દેવતાઓ શ્રી જિનજન્મોત્સવ કરી નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઇ મહોત્સવ કરી વિમલાચલગિરિરાજ ઉપર શ્રી આદિનાથ ભગવાનને વંદન કરવા આવ્યા. ત્યાં આઠ દિવસ પૂજા કરતાં પ્રભુના પ્રાસાદોને કાંઇક જીર્ણ થયેલા જોઇને સર્વ દેવતાઓ વડે ઉત્સાહિત કરાયેલા પાંચમાં દેવલોકના બ્રહ્મેન્દ્ર દિવ્યશક્તિથી ઉદ્ધાર કર્યો. માહેન્દ્ર કરેલા ઉદ્ધારથી દસ કરોડ સાગરોપમ ગયા પછી બ્રહ્મદેવે કરેલો પાંચમો ઉદ્ધાર થયો.
(ઇતિ પંચમ ઉદ્ધાર)
ત્યાર પછી એક વખત ચમરેન્દ્ર વગેરે ઇન્દ્રો સ્વેચ્છાથી નંદીશ્વરદ્વીપે ગયા હતા. ત્યાં બે વિદ્યાધર મુનિરાજો તીર્થયાત્રા કરવા આવ્યા હતા. તેમણે પુંડરીકગિરિનો મહિમા ચમરેન્દ્ર વગેરેને કહ્યો. આવા તીર્થની યાત્રા કરવા ઉત્કંઠીત થઇ તે બે મુનિઓ સાથે તેઓ શત્રુંજય ઉપર આવ્યા. ત્યાં ભક્તિથી યાત્રા, દાન અને પૂજા કરી, સર્વ તીર્થો પર રહેલા પ્રાસાદોનો તેમણે ઉદ્ધાર કર્યો. બ્રહ્મેન્દ્રના ઉદ્ઘાર પછી લાખ કરોડ સાગરોપમ ગયા પછી વિમલાચલગિરિ ઉપર ભવનેન્દ્રનો છઠ્ઠો ઉદ્ધાર થયો. (ઇતિ ષષ્ઠ ઉદ્ધાર)
આ પ્રમાણે આંતરે આંતરે મનુષ્ય અને દેવતાઓથી કરાયેલા ઉદ્ધારો થયા. હે ઇન્દ્ર ! હવે બીજા સર્વ ઉદ્ધારોની સ્થિતિ પણ સાંભળ.
શ્રી વર્ધમાન સ્વામીના મુખમાંથી નીકળતા સારભૂત એવા વચનો શક્રેન્દ્ર પરમ આનંદ પામતા સાંભળવા લાગ્યા.
ગૌતમસ્વામી યાને
વેગવાન વિદ્યાધરની વિધા સાધના
શ્રી ગૌતમસ્વામીજી પૂર્વના ત્રીજા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં વેગવાન નામના વિદ્યાધર હતા. ત્યાં સાધના કરવા છતાં વિદ્યાઓ સિદ્ધ થઇ નહી, એટલે સિદ્ધગિરિ આવીને સાધના કરતા તે બધી વિદ્યાઓ માત્ર બે મહિનામાં સિદ્ધ થઈ હતી.
***
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૯