________________
બીજો પ્રસ્તાવ
I અજિતનાથ ભગવાનનું ચરિત્ર આદિનાથ પ્રભુના વંશમાં અસંખ્ય પુરુષો મોક્ષે જાય ત્યારે એક સર્વાર્થસિદ્ધ જાય. એમ યાવતુ બીજા તીર્થકર થયા ત્યાં સુધી ભગવાન ઋષભદેવની પાટે મોક્ષમાર્ગ ચાલ્યો. આવા ઋષભદેવપ્રભુના ઇક્વાકુ વંશમાં “અયોધ્યા નગરીમાં “જિતશત્રુ” નામે રાજા થયા. તે રાજાને “વિજયા” નામે પટ્ટરાણી હતી અને ગુણથી શ્રેષ્ઠ, બલવાન સુમિત્ર' નામે નાનો ભાઈ હતો. તેને “યશોમતી' નામે પ્રિયા હતી.
એક વખતે ચન્દ્રશાળામાં કાંઇક જાગતી અને કાંઇક ઊંઘતી અવસ્થામાં સૂતેલી વિજયા દેવીએ રાત્રિના પાછલા પહોરે ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશ કરતાં જોયા. તે જ વખતે વૈશાખ માસની શુક્લ ત્રયોદશીએ, ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દેવસંબંધી આયુષ્યનો ક્ષય કરી વિજય નામના અનુત્તર વિમાનથી ચ્યવીને બીજા તીર્થકરનો જીવ વિજયાદેવીના ઉદરમાં ઉત્પન્ન થયો. તે સમયે મહાઉદ્યોત થયો અને નારકીઓને પણ સુખ થયું. • શ્રી અજિતનાથ પરમાત્માનો જન્મ :
આ બાજુ તે જ રાત્રિએ સુમિત્ર યુવરાજની પ્રિયા યશોમતીએ પણ તે જ ચૌદ સ્વપ્નો કાંઇક ઝાંખા જોયાં. પ્રાતઃકાલે હર્ષ પામી વિજયા અને યશોમતીએ પોતપોતાના પતિને સ્વપ્નની વાત કહી. તેમણે પણ સ્વપ્નપાઠકોને પૂછ્યું. તેઓએ વિજયાદેવીથી તીર્થકરનો જન્મ અને યશોમતીથી ચક્રવર્તીનો જન્મ થશે એમ કહ્યું. તેથી હર્ષ પામેલા રાજાએ અને યુવરાજે તેઓને ઘણું ધન આપીને ખુશ કર્યા. ત્યાર પછી ઉત્તમ દોહદવાળી વિજયાદેવીએ નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં માઘ માસની શુક્લ અષ્ટમીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં અર્ધરાત્રિએ ગજના ચિહ્નથી લાંછિત, કનકવર્ણી, જગતમાં ઉદ્યોત કરનાર પવિત્ર તીર્થકર રૂપ પુત્રને જન્મ આપ્યો.
તે સમયે આસનકંપથી જિનજન્મ જાણી છપ્પન દિકુમારીઓએ ત્યાં આવી ભક્તિપૂર્વક સૂતિકકર્મ કર્યું. પછી ચોસઠ ઇન્દ્રો આસનકંપથી પ્રભુનો જન્મ જાણી હર્ષોલ્લાસથી પ્રભુને મેરુગિરિ ઉપર લાવ્યા. ત્યાં પાંડુક વનમાં અતિપાંડુકંબલા નામે અર્ધચન્દ્રાકાર સ્ફટિકમય શાશ્વતી શ્રેષ્ઠ શિલા ઉપર રહેલા સિંહાસન ઉપર બેસી સૌધર્મેન્દ્ર પ્રભુને ખોળામાં બેસાડ્યા. ભાવનાથી ભરેલા બીજા ઇન્દ્રોએ તીર્થજલથી ભરેલા એક હજાર આઠ નિર્મલ કલશાઓથી પ્રભુનું સ્નાત્ર કર્યું. ચંદન, પુષ્પ, ફલ આદિથી પૂજા કરી.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૦