________________
આ રીતે રાજાના વચન સાંભળી ઉર્વશી મોહપૂર્વક માયા કરતી ફરીથી રાજાને કહેવા લાગી, “હે સ્વામી ! પ્રેમરસમાં અતિશય મગ્ન એવી મેં તમને જે કાંઇ કહ્યું છે, તે કેવલ તમારા શરીરને ક્લેશ ન થાઓ એમ માનીને કહ્યું છે. તેમાં આ રીતે ક્રોધ કરવાનો અવસર નથી. સંસારમાં આવા પ્રકારની વિડંબનાના કારણથી જ અત્યાર સુધી અમે સ્વચ્છંદાચારી પતિની સાથે પાણીગ્રહણ નહોતું કર્યું. તે છતાં પૂર્વકર્મના દોષથી હમણાં તમને અમે પરણ્યા અને અમારું સંસારસુખ, શીલ બધુ ત્યારથી એક સાથે ચાલ્યું ગયું. વળી તે સ્વામી ! તમે શ્રી ઋષભદેવ સ્વામીની સમક્ષ - અમારું કહેલું કરવાની હા પાડી છે. તેની એક વખત પરીક્ષા કરવા તમારી પાસે આ યાચના કરી, તેટલામાં તો આવા નાના કામમાં તમે ક્રોધને આધીન બન્યા. હા ! હું તો શીલથી અને સુખથી - બંને રીતે ભ્રષ્ટ થઈ. હવે તો ચિતામાં પડીને મરવું જ મારે કલ્યાણકર છે.
સૂર્યયશા આ સાંભળી પોતાનાં વચનને યાદ કરતો કહેવા લાગ્યો, હે માનિની ! મારા દાદાએ જે ફરમાવ્યું છે અને મારા પિતાએ જે આચર્યું છે, તેને હું તેઓનો પુત્ર થઈને કંઈ રીતે લોખું ?
તેથી કાંઇક હસીને કોમલ વાણીથી તે બોલી, હે રાજન્ ! તમારા જેવા માટે તો સત્ય બોલવું એ મોટું વ્રત છે. જેઓ પોતે અંગીકાર કરેલાનો નાશ કરે છે, તે અપવિત્ર છે. હે નાથ ! તમારાથી આટલું પણ થઇ શકતું નથી. જો પર્વભંગ કરવા ઇચ્છતા ન હો તો મારી સમક્ષ શ્રી ઋષભદેવનાં જિનાલયને ભાંગી નાંખો ! આ સાંભળતાં જ જાણે વજથી હણાયો હોય તેમ તે રાજા મૂચ્છિત થઈને પૃથ્વી પર ઢળી પડ્યો.
ત્યારે તરત પરિજનોએ શીતલ ચંદનરસનો લેપ કરીને રાજાને ચૈતન્યયુક્ત કર્યા. એટલે ચેતના પામેલા ક્રોધથી લાલ થયેલા રાજાએ ઉર્વશીને કહ્યું, “રે અધમ ! તું વિદ્યાધરની પુત્રી નહીં, પણ ચાંડાલની પુત્રી લાગે છે. તો પણ વચનથી બંધાયેલા મને ઋણમુક્ત કરવા - ધર્મના લોપ સિવાય મારી પાસે જે માંગવું હોય તે માંગી લે.”
હસીને ઉર્વશી બોલી, ‘આ નહીં, આ નહીં, એમ કહીને તમે તમારા વચનને પાછું ઠેલો છો. જો આ પણ કરવા તૈયાર ન હો અને અંગીકાર કરેલા વચનને પાળવા ઇચ્છતા હો, તો તમે તમારા પુત્રનું માથું છેદીને મને જલ્દી આપો.'
જવાબમાં રાજાએ કહ્યું, “પુત્ર પણ મારો છે, તો પુત્ર કરતાં હું તને મારું જ મસ્તક છેદીને સોંપું છું. એમ કહીને રાજા જેટલામાં પોતાના હાથે પોતાના મસ્તકને છેદવા તલવારને મ્યાનમાંથી બહાર કાઢે છે, તેટલામાં ઉર્વશીએ રાજાની તલવારની ધાર બાંધી લીધી.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૧૨૭