________________
વર્ષાઋતુ વીત્યા પછી શરદઋતુ આવી. ત્યારે દ્વાવિડના મંત્રી વિમળબુદ્ધિ એ દ્રાવિડ રાજાને વિનંતી કરી, હે મહારાજ ! અહીંથી નજીકના શ્રીવિલાસ નામના વન પાસે કેટલાક તાપસો તપસ્યા કરે છે. તેઓ જીર્ણ વલ્કલનાં વસ્ત્રો પહેરે છે અને કંદમૂળ ફળાદિ ખાય છે. જો આપનો આદેશ હોય તો આપણે તેમને વંદન કરવા જઇએ. આ સાંભળી દ્રાવિડ રાજા સૈન્ય સહિત તે તાપસો પાસે ગયાં.
તેમાં મુખ્ય તાપસ પર્યંકાસને બેઠેલા જપમાળા ફેરવતા હતા. વલ્કલના વસ્ત્રો પહેર્યાં હતાં, ગંગાજીની માટીથી સર્વ અંગ પર વિલેપન કર્યું હતું, જટાથી શોભી રહ્યા હતા અને શ્રી આદિનાથ પ્રભુના ધ્યાનમાં મગ્ન હતા. અન્ય તપસ્વીઓ તથા બીજા ધર્માર્થી લોકો તેમની સેવા કરતા હતા. યોગ્ય સમયે હાથરૂપી પાત્રમાં ફળ-ફળાદિનો આહાર કરતા, એવા તે સુવલ્લુ નામના તપસ્વીને દ્રાવિડ રાજાએ પ્રણામ કર્યા, સુવલ્ગુ ઋષિએ પણ ધ્યાન મૂકી રાજાને આશીર્વાદ આપ્યા. પછી રાજા પરિવાર સહિત તેમની પાસે યોગ્ય સ્થાને બેઠા. ત્યારે સુવલ્ગુ ઋષિ નિર્મળ વાણીમાં દ્રાવિડ રાજાને ઉદ્દેશીને બોલ્યા :
સુવલ્ગુ તાપસ દ્વારા દ્રાવિડનો ટર્નીંગ પોઇન્ટ :
હે રાજન્ ! આ સંસાર, સાગરની ઊર્મિઓ જેવો અતિ ચંચળ છે. તેમાં વિષયના વમળોમાં અટવાઇ પ્રાણીઓ ડૂબી જાય છે. સન્માર્ગે ચાલનારા પ્રાણીને પણ વિષયો દગો દે છે. વિષયોને વશ થયેલ જીવ સંસારમાં તીવ્ર દુઃખોને ભોગવે છે. વિષયોથી પણ અતિદારૂણ કષાયો છે. ક્રોધ આત્માનાં સર્વ પુણ્યકર્મોને બાળી નાંખે છે.
ધર્મરૂપી વૃક્ષનું બીજ દયા છે. ક્રોધથી દયાનો નાશ થાય છે. એટલે ક્રોધીને દયા હોતી નથી. પ્રમાદથી પણ જીવોની હિંસા થાય તો કુયોનિઓમાં જન્મ લેવો પડે છે અને ક્રોધથી કરેલી હિંસા તો નરકનું કારણ બને છે. તેથી બુદ્ધિમાન આત્માઓએ એકેન્દ્રિય જીવોની હિંસા પણ ત્યજવી જોઇએ. જે મનુષ્યો રાજ્યાદિનાં સુખોમાં મૂંઝાઇને અશ્વો, હાથીઓ અને મનુષ્યોને હણે છે, તેઓ અજવાળું કરવાની બુદ્ધિએ પોતાનું ઘર બાળે છે. તો હે રાજન્ ! પરિણામે નરકને જ આપનાર રાજ્ય ખાતર તું ભાઇની સાથે વૈર બાંધીને કરોડો જીવોનો સંહાર કેમ કરે છે ? આ શરીર ક્ષણભંગુર છે, લક્ષ્મી જળના પરપોટા સમાન છે. તેની ખાતર તું હવે પાપનો ત્યાગ કર. તેમાં પણ ભાઇની સાથે વૈર બાંધવું એ તો પોતાની જ એક આંખ ફોડવા જેવું છે. ગુણહીન, દરિદ્ર, કંજૂસ અને અતિ દુઃખ આપનારો એવો પણ બંધુ હોય તો તે ઉત્તમ છે. માટે હજી પણ તું યુદ્ધથી અટકી જા.
આ પ્રમાણે ઉપદેશ સાંભળીને દયાથી આર્દ્રહૃદયવાળો રાજા બોલ્યો : હે મહાત્મન્ ! ભરત ચક્રવર્તી, આદિત્યયશા તથા બાહુબલિ આદિ ભગવાન શ્રી શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૧૩૦