________________
બહુમાનપૂર્વક પૂજવા. તે દિવસે સર્વ સંઘવાસીઓએ મિષ્ટભોજન જમી ધર્મસંબંધી કથા અને ગુરુસેવા કરતાં ત્યાં જ રહેવું.'
ગિરિરાજની પ્રથમ ભક્તિ :
આ પ્રમાણે સાંભળી આનંદ પામેલા ભરતેશ્વરે ગિરિરાજની નજીક સંઘનો પડાવ કરાવ્યો. પછી પત્ની સહિત સ્નાનથી શુદ્ધ થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી દેવાલયમાં આવ્યા. ત્યાં ગણધર ભગવંતની સાક્ષીએ પુષ્પો, અક્ષત તથા સ્તુતિ વડે પ્રભુની પૂજા કરી, સંગીત-નૃત્ય કર્યું.
ત્યારબાદ ગણધર ભગવંતે કહેલ વિધિ પ્રમાણે એક પવિત્ર સ્થાન ઉપર મંડલ કરી, મોતીનો સ્વસ્તિક કર્યો. નૈવેદ્યો મૂક્યા. પછી પંચાંગ પ્રણામ કરી, તીર્થની આ પ્રમાણે સ્તુતિ કરી :
ત્રણે લોકમાં રહેલા નાગકુમારાદિક ચારે પ્રકારના દેવો અને મનુષ્યો જે તીર્થરાજને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો !
જે તીર્થ અનાદિકાલથી અનંત, અક્ષય, નિત્ય અને અનંત ફળ આપનારું છે, તે તીર્થને નમસ્કાર હો !
જ્યાં અનંત તીર્થકરો સિદ્ધ થયા અને થશે, તેમજ જે મુક્તિનું ક્રીડાગૃહ છે, તે તીર્થરાજને નમસ્કાર હો !
ગિરિરાજની આ પ્રમાણે સ્તુતિ કરીને શ્રી નાભગણધરને પણ નમસ્કાર કર્યો. નમન કરતાં ભરતનરેશ્વરની પીઠ ઉપર ગણધરે પોતાનો હાથ મૂક્યો. તેથી મનમાં સંતોષ પામીને ભરતેશ્વરે ધર્મધ્યાનમાં રહી, તે દિવસ ત્યાં જ પૂર્ણ કર્યો.
બીજે દિવસે પ્રાતઃકાલે સંઘસહિત ચૈત્યમાં જઈ તીર્થકર ભગવંતને, ત્યારબાદ ગણધર ભગવંતને વંદન કરીને ભરતેશ્વરે પારણું કર્યું. પછી પુંડરીકગિરિની નજીક વિનીતાનગરી જેવું એક નગર રચાવ્યું. તે નગરમાં સ્થાને સ્થાને વાવડી, કૂવા, સરોવર, હોજ વિગેરે જળાશયો, મનોહર ઉદ્યાનો, દેવમંદિરો વિગેરે શોભી રહ્યા હતા. આવા નગરને જોવાથી ખૂબ આનંદ થતો હતો. તેથી ભરતેશ્વરે તેનું નામ આનંદપુર રાખ્યું અને સૌરાષ્ટ્ર દેશમાં આવેલું હોવાથી એ નગર શક્તિસિંહને અર્પણ કર્યું.
ત્યારબાદ તીર્થયાત્રા કરવામાં ઉત્સુક એવા ભરતનરેશ્વર શ્રીનાભગણધર પાસે આવ્યા, એટલે ગણધર મહારાજ સર્વ મુનિઓની સાથે આગળ ચાલ્યા. એમની પાછળ ભરત રાજા ચાલ્યા. તેમની પાછળ ગિરિરાજને જોતો સકળ સંઘ ચાલ્યો અને બધા સાથે ગિરિરાજ ચડવા લાગ્યાં. તેમાં ભરત મહારાજા ઉત્તર બાજુના માર્ગે ચડતા હતા અને બીજા સર્વે પોતપોતાની શક્તિ પ્રમાણે જુદે જુદે માર્ગે ચડતા હતા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૯૬