________________
સંઘયાત્રાના પ્રારંભમાં અયોધ્યાનગરીના જિનચૈત્યોમાં અષ્ટાદ્રિકા મહોત્સવ કરાવ્યો. ગણધર ભગવંતોને પોતાના ઘરે ભક્તિપૂર્વક આમંત્રણ આપીને ભાવપૂર્વક સન્માન – વંદન કર્યું તથા સર્વ વિઘ્નોના નાશ માટે શાંતિકર્મ કરાવ્યું. ગણધરદેવોના મંત્રોથી નિર્વિઘ્ન યાત્રા કરાવવા દેવતાઓ પ્રત્યક્ષ થયા. ઇન્દ્ર સુવર્ણના દેવાલય સાથે શ્રી આદિનાથ પ્રભુની પ્રતિમા ભરતને અર્પણ કરી.
આ અવસરે ભરતનરેશ્વરે શક્રેન્દ્રને પૂછ્યું કે, “શ્રી આદિનાથ પ્રભુ પોતે સાવદ્યરહિત છે, છતાં તેમણે સાવદ્ય ક્રિયાવાળા સંઘપતિના પદનો મને કેમ ઉપદેશ કર્યો? આરંભ કરવામાં પુણ્યસિદ્ધિ કેવી રીતે થાય ? તેનું સમાધાન તમે મને કહો.” ત્યારે શક્રેન્દ્ર બોલ્યા, ‘ભરતેશ્વર ! જે કર્મ અતિશય શુદ્ધભાવનું કારણ હોય, વળી બહુ પુણ્યવાળું અને અલ્પ સાવઘવાળું હોય તે કર્મ ગૃહસ્થને આદરવા યોગ્ય છે. કારણ કે પ્રાયઃ ગૃહસ્થોને પૂજાદિક સર્વ ધર્મકાર્ય સાવઘવાળું હોય છે અને સ્વાદમાં કડવાં પણ પરિણામે હિતકારી ઔષધની જેમ સાવદ્ય ક્રિયાવાળા ધર્મકૃત્યોથી પરિણામે આત્માને મહાન લાભ પ્રાપ્ત થાય છે. કેમકે, તેમાં પાપ તો લવમાત્ર હોય છે. પરંતુ દાન, શીલ, અભય, પ્રભાવના - ભાવના વગેરેથી મહાપુણ્ય થાય છે. આ રીતે શાસનની પ્રભાવના જે આત્મા સરલતાપૂર્વક સર્વ પ્રકારનાં સાધનોથી કરે છે, તે આત્મા પણ સ્વર્ગ અને મોક્ષનું સુખ ઉપાર્જન કરે છે. માટે તીર્થયાત્રા અને પ્રતિષ્ઠાદિ કર્મ સાવઘથી થતાં હોવા છતાં તે સાવધનો લેશ પણ બહુ પુણ્યને આપનાર હોવાથી આદરવા યોગ્ય છે. • આ અવસર્પિણીમાં પ્રથમ તીર્થયાત્રા માટે સંઘ સહિત ભરતેશ્વરનું પ્રયાણ:
આ પ્રમાણે શંકાનું નિવારણ કરી, ઇન્દ્ર મહારાજા અનુજ્ઞા લઈ પોતાના સ્થાનકે ગયા. પછી ભરત ચક્રવર્તીએ શુભ દિવસે પ્રયાણ કર્યું. પહેલા મુકામે પહોંચ્યા. ત્યાં વદ્ધકિર કરેલા મણિરત્ન અને સુવર્ણમય બહારના આવાસમાં સંઘ સાથે નિવાસ કર્યો. મધ્યમાં પ્રભુનું સુવર્ણમય દેવાલય, દક્ષિણ બાજુએ પૌષધાગારમાં વિશાલ મુનિગણ સહિત ગણધર ભગવંતો, ડાબી તરફ ભરત ચક્રવર્તીનું નિવાસસ્થાન હતું. તેની આસપાસ બીજા યાત્રિકોના આવાસો. આ રીતે માર્ગમાં દરેક મુકામે સંઘનો પડાવ થતો.
ચારણ તથા બંદીજનોની જેમ દેવતાઓ - “હે ભરત રાજા ! જય પામો, ઘણું જીવો અને આનંદ પામો.” એવી આશિષ આપી હર્ષપૂર્વક સ્તુતિ કરતા હતા.
ભરત રાજા સ્થાને સ્થાને અને નગરે નગરે દેવગુરુની પૂજા અને શ્રીજિનચૈત્યોનો ઉદ્ધાર કરતા, દેશદેશના રાજાઓના વિવિધ ભેટાને ગ્રહણ કરતા, એક એક યોજના પ્રમાણ પ્રયાણ કરતા, અનેક દેશોને ઓળંગતા અનુક્રમે સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૯૪