________________
નિરંતર જિનયાત્રા અને જિનપૂજન કરવા લાગ્યો. પોતાના દેશની સર્વ પૃથ્વી જિનમંદિરોથી મંડિત કરી દીધી. આ પ્રમાણે ચોસઠ લાખ વર્ષ સુધી રાજ્યવૈભવનું સુખ ભોગવી, પરિવાર સાથે સંયમ ગ્રહણ કર્યું અને છેવટે શત્રુંજય મહાતીર્થ ઉપર અનશન કરીને કેવલજ્ઞાન પામી, સર્વ કર્મોનો ક્ષય કરીને મોક્ષે ગયા. શત્રુંજયા આદિ ૧૪ મહાનદીઓની ઉત્પત્તિ અને પ્રભાવનું વર્ણન
આ પ્રમાણે શક્રેન્દ્ર ભરત ચક્રવર્તી પાસે શત્રુંજયા નદીના પ્રભાવનું વર્ણન કરતાં શાંતન રાજાનો વૃત્તાંત જણાવીને કહ્યું કે, “આ પ્રમાણે આ શત્રુંજયા નદી અનેક પ્રભાવોથી ભરપૂર છે.
જેમ સર્વ દેવોમાં શ્રી યુગાદીશ પ્રભુ મુખ્ય છે, જેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજયગિરિ મુખ્ય તીર્થ છે, તેમ તીર્થરૂપ સર્વ નદીઓમાં આ શત્રુંજયા નદી મુખ્ય છે. માટે તેની તમે પણ અધિક આરાધના કરો.
આ બાજુ ઉત્તર દિશામાં પવિત્ર જલ વડે પૂર્ણ એવી જે આ સરિતા જણાય છે, તે એન્ટ્રી નામે નદી છે. ઇશાનેન્દ્રની સાથે સ્પર્ધાથી સૌધર્મેન્દ્ર જિનભક્તિ વડે આ નદીને પદ્મદ્રહમાંથી અહીં લાવી છે. તેથી તે શત્રુંજયા નદી જેવા પ્રભાવવાળી અને પાપીઓના દોષો હરનારી છે. જે આ નદીની માટીનો કળશ કરી, તેમાં તેનું જ જળ ભરી પરમાત્માની ભક્તિથી અભિષેક કરે, તે મુક્તિ પ્રાપ્ત કરે છે.
વળી આ પૂર્વદિશાના આભૂષણરૂપ જે નદી છે, તેને ધરણેન્દ્ર ભક્તિથી પાતાળમાંથી અહીં લાવેલી છે. આ નદી ઉત્તર દિશામાં ઉત્પન્ન થઈ દક્ષિણ દિશામાં થઈ સૂર્યોદ્યાનને મળે છે. નાગેન્દ્ર શ્રી જિનેન્દ્રનો સ્નાત્ર કરવા લાવ્યા હતા, તેથી આ નદી નાગેન્દ્રી એવા નામથી વિખ્યાત થયેલી છે.
વળી આ યમલહૃદા નામની નદી સર્વ સુર અસુરોએ શ્રી આદિનાથ પ્રભુના અભિષેક માટે ઉત્પન્ન કરેલી છે. આ નદીના જલમાં જે સ્નાન કરે છે, કે પ્રભુને સ્નાન કરાવે છે, તેનો મનુષ્ય જન્મ સફળ થાય છે.
હે ભરત ! આ રીતે શ્રી જિનેશ્વરનાં સ્નાત્ર અભિષેક માટે પવિત્ર એવી ચૌદ મહાનદીઓ આ શત્રુંજય તીર્થ સમીપે શોભે છે. માટે એ ચૌદ મહાનદીઓમાંથી, મોટા કુંડોમાંથી, ક્ષીરસમુદ્રમાંથી અને પદ્મદ્રહાદિક દ્રહોમાંથી જલ લાવીને આ તીર્થે શ્રી જિનેશ્વર ભગવંતનો અભિષેક કરવો. જે શ્રાવકો સંઘપતિ થઈને અહીં આવે છે, તેમનો આ આચાર છે અને તે આચાર ચક્રવર્તી, ઇન્દ્ર તથા તીર્થંકરપણું આપે છે. તેમજ ચંદ્ર, સૂર્ય અને વ્યંતરોએ કરેલા અન્ય પણ ઘણા જળાશયો આ તીર્થમાં રહેલા છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૦૯