________________
આમ દ્રવ્યપૂજા કર્યા બાદ ભક્તિથી ઉલ્લસિત ભરત ચક્રવર્તીએ પ્રભુ સ્તુતિ કરી :
હે ત્રણ જગતનાં આધાર ! ધર્મના ઉદ્ધારને ધારણ કરનારી અને સ્વર્ગ તથા નરકની સીમાસમાન આ પૃથ્વીને ત્યજીને આપે દુર્ગમ એવા લોકાગ્રને પ્રાપ્ત કર્યો છે. જો કે આપ તો આ ત્રિલોકને એકદમ ત્યજીને ચાલ્યા ગયા છો, છતાં તે ત્રિલોક બળાત્કારે આપને પોતાના હૃદયમાં ધારી રાખશે. આપનાં ધ્યાનરૂપ દોરીને અવલંબીને રહેલા મારા જેવા આત્માઓ આપનાથી દૂર હોવા છતાં પણ આપની પાસે જ છે, તો પછી હે નાથ ! અમને ત્યજીને આપ પહેલાં કેમ ચાલ્યા ગયા ? અશરણ એવા અમને અહીં જ મૂકીને એકદમ આપ જેમ અહીંથી ચાલ્યા ગયા, તેમ અમે જયાં સુધી આપની પાસે ન પહોંચીએ, ત્યાં સુધી અમને ત્યજીને આપ અમારા ચિત્તમાંથી ચાલ્યા ન જતા.”
આ પ્રમાણે શ્રી ઋષભદેવ સ્વામીની સ્તુતિ કરીને, ત્યાં બિરાજમાન અન્ય અરિહંત પ્રભુની પણ ભરતેશ્વરે સ્તવના કરી.
આ રીતે અષ્ટાપદ તીર્થ પર ભરતેશ્વરે જિનમંદિર બંધાવ્યા પછી વિચાર કર્યો કે, “કાલના પ્રભાવથી સત્વહીન મનુષ્યો દ્વારા આ રત્નમય જિનપ્રાસાદની આશાતના ન થાઓ.” એમ વિચારી તેમણે તે પર્વતના શિખરોને તોડી નાંખી, એક-એક યોજનના અંતે દંડરત્નથી આઠ પગથિયાઓ કર્યા. ત્યારથી તે પર્વત “અષ્ટાપદ'ના નામથી પ્રસિદ્ધ થયો. આ પ્રમાણે કરીને શ્રી ઋષભદેવ સ્વામીના નિર્વાણથી અતિશય દુઃખને ધારણ કરતા ભરતેશ્વર અષ્ટાપદ પર્વત પરથી નીચે ઉતર્યા અને અનુક્રમે વિનીતા નગરીમાં આવ્યા. તે સમયે ભરતેશ્વરનું ચિત્ત ક્યાંય લાગતું ન હતું. બેસતાં, સૂતાં, ચાલતાં તેમજ સમગ્ર કાર્યમાં પોતાના ચિત્તમાં કેવલ પ્રભુનું જ ધ્યાન ધરતાં પોતાના સ્વામી ભરત ચક્રવર્તીને સર્વ મંત્રીઓએ ત્યારે આ પ્રમાણે કહ્યું :
હે નરેશ્વર ! જે પ્રભુનો દેવોએ મેરુ પર્વત પર અભિષેક કર્યો, જેઓને આશ્રયીને ઇક્વાકુવંશ પ્રગટ થયો, જેમણે રાજાઓનો આચાર દર્શાવ્યો, જેઓએ ધર્મતીર્થની સ્થાપના કરી છે, જેમનું ચારિત્ર ઉજજવલ છે. જેમનામાં વિશુદ્ધ જ્ઞાન રહેલું હતું એવા શ્રી ઋષભદેવ પ્રભુનો શોક કરવાનો ન હોય ! હે સ્વામી ! તેઓ તો ખરેખર સ્તુતિને યોગ્ય છે. માટે રાજન્ ! પ્રભુના વિરહને યાદ કરી તમે મૂંઝાવ નહીં, તેઓ તો કૃતકૃત્ય બનીને પરમપદમાં લીન થયા છે.'
આ રીતે મંત્રીઓએ કહેલું સાંભળીને ભરત ચક્રવર્તીએ મનને સમજાવીને મુશ્કેલીથી શોક ત્યજયો, રાજયકાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્યા અને પ્રજાનું નિરંતર પાલન કરવા લાગ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૨૧