________________
‘ભગવન્ ! આપે સંઘપતિના પદનું બહુ વર્ણન કરેલું છે, તો તે પદ કેવી રીતે પ્રાપ્ત થાય ? અને તેનાથી કયું શુભ ફળ પ્રાપ્ત થાય ? તે કૃપા કરીને ફરમાવો.’ તે સાંભળી પ્રભુએ કહ્યું : ‘રાજન્ ! જેવું તીર્થંકર પદ છે, તેવું સંઘપતિ પદ છે. તે વિષે હું જે કહું, તે તું સાંભળ.'
જેમ સંપત્તિ હોય છતાં પણ ભાગ્ય વિના પુંડરીક ગિરિરાજનાં દર્શન પ્રાપ્ત થતાં નથી, તેમ ભાગ્ય વિના સંઘપતિ પદ પણ પ્રાપ્ત થતું નથી. ઇન્દ્ર અને ચક્રવર્તીપદ વખાણવા લાયક છે. પરંતુ તે બંનેથી પણ વિશેષ સુકૃતથી પ્રાપ્ત થતું સંઘપતિનું પદ અતિશય વખાણવાલાયક છે. સંઘપતિ ઉત્તમ દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરીને અતિ દુર્લભ એવા તીર્થંકર નામગોત્રને ઉપાર્જન કરે છે. શ્રીસંઘ અરિહંતને પણ સર્વદા માન્ય અને પૂજ્ય છે. તેથી તેનો જે પતિ થાય, તે લોકોત્તર સ્થિતિવાળો થાય છે. જે ચતુર્વિધ સંઘ સાથે શુભ ભાવનાપૂર્વક ચાલીને રથમાં જિનબિંબ સહિત દેવાલય રાખીને મોટા ઉત્સવો કરતો જાય છે, કલ્પવૃક્ષની જેમ નિરંતર દાન આપતો રહે છે તથા માર્ગમાં ગામે ગામે શ્રી જિનચૈત્યોમાં ધ્વાજારોપણ કરતો રહે છે, એવો જે પુણ્યવાન આત્મા - ગુરુના આદેશમાં તત્પર થઇ શત્રુંજય, રૈવતગિરિ, વૈભાર, અષ્ટાપદ અને સમ્મેતશિખર વિગેરે સર્વ તીર્થોની અથવા તેમાંથી એક તીર્થની યાત્રા તથા પૂજા અને ઇન્દ્ર મહોત્સવાદિ ધર્મકૃત્ય કરે છે, તે સંઘપતિ કહેવાય છે.
જે પુણ્યવાન સંઘયાત્રા કરાવે, તેણે સાધર્મિકસહિત, સાધુઓની વસ્ત્રાજ્ઞ-દાન અને વંદન વગેરેથી પ્રતિવર્ષ ભક્તિ કરવી તથા સરળતાપૂર્વક પાક્ષિક વગેરે પર્વ દિવસોમાં દાનાદિક ધર્મનું આરાધન અને શ્રી સંઘપૂજા વિશેષ પ્રકારે કરવી. આ પ્રમાણે કરનાર સંઘપતિ દેવતાઓને પણ પૂજ્ય થાય છે અને કોઇ સંઘપતિ તે ભવમાં તો કોઇ ત્રીજે ભવે સિદ્ધ થાય છે.
શ્રી ઋષભદેવ પરમાત્માના શ્રીમુખેથી સંઘપતિનો આવો અપાર મહિમા સાંભળીને ભરતેશ્વરે નમસ્કાર કરી, ભક્તિપૂર્વક કહ્યું કે, ‘હે સ્વામી ! આપ મારી ઉપર પ્રસન્ન થાઓ કે જેથી હું સંઘપતિનું નિર્મલપદ પ્રાપ્ત કરું.' તે સાંભળીને પ્રભુએ ઇન્દ્રાદિકદેવ અને સંઘ સાથે ઉઠીને ભરતનરેશ્વર ઉપર અક્ષત સહિત વાસચૂર્ણનો નિક્ષેપ કર્યો. શક્રેન્દ્રે દિવ્યમાળા મંગાવીને ભરતનરેશ્વર અને તેની પત્ની સુભદ્રાને પહેરાવી, પછી ભરત મહારાજા સર્વ સામંતોની સાથે માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા અયોધ્યાનગરીમાં પાછા આવ્યા. ત્યાં આવીને બહુમાનપૂર્વક સર્વ સ્થાનોમાં શ્રી સંઘોને ભરતનરેશ્વરે આમંત્રણ કરીને બોલાવ્યા.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૯૩