________________
એમ કહી તે બંનેએ જિનાલયમાં જઇ વિધિપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા કરી. ત્યાંથી વિદ્યાધર રાજકુમારને આગળ લઇ ગયો અને પાતાળવનમાં રહેલા મુનિભગવંતોના દર્શન કરાવ્યા. તે વખતે કોઇક મહાત્મા સ્થિર ચિત્તે ધ્યાન કરતા હતા. કોઇક અધ્યયન કરાવતા હતા, કોઇક જાપમાં, કોઇક વૈયાવચ્ચમાં લીન હતા. સાધુભગવંતોના દર્શનથી રાજકુમાર ખૂબ ખુશ થયો. બંને જણાએ બધાને વિધિપૂર્વક વંદન કર્યું અને ગુરુમહારાજ સન્મુખ જિજ્ઞાશા ભાવથી બેઠા એટલે ગુરુભગવંતે પણ બંનેને યોગ્ય જાણી દેશના શરૂ કરી. એટલામાં બે મહાચારિત્રી મહાત્મા ત્યાં પધાર્યા. એમના ચારિત્રના તેજથી આકર્ષાયેલા કુમારે પૂછ્યું, ‘આપ ક્યાંથી પધાર્યા ?'
મુનિઓએ કહ્યું, ‘અમે પુંડરીકગિરિ અને ઉજ્જયંતગિરિની યાત્રા કરીને હમણાં જ અહીં આવ્યા છીએ.' તીર્થાધિરાજની યાત્રાની વાત સાંભળીને મહીપાલકુમાર ખૂબ ખુશ થયો. તેને ધર્મ અને તીર્થમાં આદરવાળો જોઇ, ગુરુમહારાજે એ તીર્થનો મહિમા વર્ણવતાં કહ્યું.
‘હે રાજકુમાર ! જેમ સર્વ જિનોમાં આદિજિન, સર્વ ચક્રવર્તીઓમાં ભરતચક્રી, સર્વ ભવોમાં મનુષ્યભવ, સર્વ વર્ણોમાં કાર, સર્વ દેશોમાં સૌરાષ્ટ્ર અને સર્વ વ્રતોમાં શીલવ્રત મુખ્ય છે, તેમ સર્વ તીર્થોમાં મુખ્યતીર્થ શ્રી શત્રુંજય તીર્થ કહેવાય છે. તે આત્માના ભાવ દારિદ્રયનો નાશ કરે છે, એ સિદ્ધગિરિનું માહાત્મ્ય શ્રી જિનેશ્વરદેવ જ જાણે.
ત્યાં શ્રી ઋષભદેવ ભગવાન બિરાજમાન છે. એ ગિરિરાજ અને શ્રી આદિનાથ એ બંને લોકોત્તર અતિશયવાળા છે. તેમના દર્શનથી પ્રાણી, હત્યાદિક સર્વ પાપોમાંથી મુક્ત થાય છે. તે વિષે એક કથા કહું છું, તે સાંભળો !
સિદ્ધગિરિના પ્રભાવ વિષે ત્રિવિક્રમ રાજાની કથા
આ ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નગરીમાં ત્રિશંકુ રાજાનો પુત્ર ત્રિવિક્રમ રાજા હતો. તે એક વખત વડના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો હતો. ત્યાં વૃક્ષ ઉપર એક ક્રૂર શબ્દ કરતું પક્ષી તેણે જોયું. કાનને અપ્રિય લાગે એવો અવાજ હોવાથી તેને ઉડાવવા માંડ્યું. પણ તે ઊડ્યું નહીં. તેથી ક્રોધ પામી બાણથી તે પક્ષીને રાજાએ વીંધી નાખ્યું. બાણથી વીંધાયેલું પક્ષી તરફડતું રાજાની સન્મુખ નીચે પડ્યું. તેનો તરફડાટ જોઇને રાજાને કરુણા આવી, પશ્ચાત્તાપ થયો. પક્ષીના દુઃખે દુ:ખી થતો રાજા મહેલે ચાલ્યો ગયો. તરફડતું પક્ષી મૃત્યુ પામીને જંગલમાં ભીલ કુળમાં ઉત્પન્ન થયું. તે ભીલપુત્ર બાળપણથી શિકાર કરવા લાગ્યો.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૩૩