________________
અન્યનાં ચૈત્ય, ગૃહ, ઉદ્યાન, પુસ્તક અને પ્રતિમા વગેરેમાં પોતાનું નામ નાખી, આ મારું છે એવું વિચારનાર પુરુષ આ પવિત્ર તીર્થક્ષેત્રમાં શુભ આશયવાળો થઈ છ માસના સામાયિકથી પવિત્ર તપ વડે તે પાપોથી શુદ્ધ થાય છે. આ રીતે જગતમાં તેવું કોઇ પાપ નથી કે જે અહીં અરિહંતનું ધ્યાન કરવાથી ન જાય.
આ તીર્થમાં જે કોઈ આત્માએ ઉત્તમ પુણ્યકાર્યો ન કર્યા હોય પણ પોતાના ચિત્તમાં શુભ ભાવથી ચિંતવ્યા હોય તો પણ તે આત્માને શુભ ભાવનાના યોગે આ ક્ષેત્રના પ્રભાવથી લાભ પ્રાપ્ત થાય છે. માટે અહીં સદા શુભધ્યાન કરવું.
સૂક્ષ્મજીવોનો પણ મન, વચનથી આ તીર્થક્ષેત્રમાં દ્રોહ કરવો નહીં. કારણ કે જીવહિંસા ધર્મરૂપી વૃક્ષમાં દાવાનળરૂપ છે. પરને પીડા કરનાર પુરુષની પાસે ધર્મરાજ આવતો જ નથી.
સબુદ્ધિવાળા પુરુષે આ પવિત્ર ગિરિરાજ પર પ્રાણાંતે પણ અસત્ય બોલવું નહીં. જે અસત્ય બોલે છે, તે ખરેખરો અપવિત્રથી પણ અપવિત્ર છે. અસત્ય બોલનાર પુરુષના મુખમાં ફોડલી, પરુ અને જીવડાવાળી વ્યાધિઓ તથા બીજી પણ અતિદારુણ વ્યાધિઓ ઉત્પન્ન થાય છે.
વળી એક ખોબા જેટલી પણ નહીં આપેલી (અદત્ત) વસ્તુ અહીં લેવી નહીં. અદત્તાદાનથી જીવો નિર્ધન થાય છે.
આ તીર્થમાં સત્પરુષોએ પોતાની સ્ત્રી પણ સેવાય નહીં. તો પછી બંને લોકનો ઘાત કરનાર પરસ્ત્રીસેવનનું પાપ તો કઈ રીતે આચરાય ? પરદ્રવ્યની ચોરી, પરસ્ત્રીસેવન, પારકી ચાડી અને પારકો દ્વેષ તે ઘણા પાપ માટે થાય છે.
તથા આ સંસારરૂપ ઘોર સાગરમાં પરિગ્રહનો ભાર વિશેષ થવાથી ભારે વહાણની જેમ પ્રાણી ડૂબી જાય છે. તેથી પરિગ્રહ હંમેશા અલ્પ રાખવો. તેમજ અનુક્રમે અલ્પથી પણ અલ્પ કરવો.
પોતાના આત્માની જેમ સર્વ પ્રાણીઓ ઉપર સમભાવ રાખવો. સામાયિક (સમભાવ) વિના સર્વ ક્રિયા નિષ્ફળ થાય છે અને જો સામાયિકમાં તત્પર રહે તો તેને ગૈલોક્ય વશ થાય છે. દેવતા પણ તેનો પરાભવ કરવા જરાપણ સમર્થ થતા નથી અને ચારિત્રધારીની જેમ તે દેવ અને મનુષ્યોને વંદનીય થાય છે.
આ તીર્થમાં જેઓ પૌષધ કરે છે, તેમને માસક્ષમણનું પુણ્ય અને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૯