________________
ત્યાં રાયણ વૃક્ષની નીચે સમવસર્યા. આસનકંપથી પ્રભુનાં આગમનને જાણી દેવતાઓએ ત્યાં આવી સમવસરણ રચ્યું. તેમાં બેસી પ્રભુએ એક પોરસી સુધી દેશના ફરમાવી. પછી પ્રભુનાં ચરણપીઠ પર બેસી, શ્રી પુંડરીક ગણધરે દેશમાં ફરમાવી.
ત્યારબાદ પ્રભુ શ્રી ઋષભદેવ ભગવંતે પુંડરીક ગણધરને કહ્યું કે, આ તીર્થરાજ શત્રુંજયગિરિ મોક્ષનો નિવાસ છે. આ ગિરિરાજ પર આરોહણ કરનારા પ્રાણીઓ અતિદુર્લભ મુક્તિસુખને પણ સત્વર મેળવી શકે છે. તેથી આ ગિરિરાજ શાશ્વત તીર્થેશ્વર છે. આ અનાદિ તીર્થ ઉપર અનંત તીર્થકરો અને અનંત મુનિવરો સિદ્ધ થયા છે. અહીં જે ક્ષુદ્ર અને હિંસક પ્રાણીઓ છે, તે પણ ત્રણ ભવમાં ઉત્તમ સિદ્ધિપદને પામે છે. જે અભવ્ય અને પાપી જીવો છે, તે આ પર્વતને જોઈ શકતા નથી. જ્યારે દુષમકાળ આવશે, કેવલજ્ઞાન ચાલ્યું જશે અને ધર્મ શિથિલ થશે તે સમયે પણ આ તીર્થ જગતને હિતકારી થશે. તેથી સર્વ તીર્થોમાં આ તીર્થ મુખ્ય છે. ભૂતકાળમાં થયેલા જે જે તીર્થકરો આ ગિરિરાજ પર આવ્યા છે, તેઓ આ રાયણ વૃક્ષની નીચે જ સમવસર્યા છે અને આગામી કાળે જેઓ આવશે તેઓ અહીં જ સમવસરશે. • શ્રી શત્રુંજય તીર્થાધિરાજની નિશ્રામાં થતાં ધર્મકાર્યનું મહાફલ :
આ તીર્થમાં શ્રી અરિહંત પ્રભુની પુષ્પ અને અક્ષતાદિકથી પૂજા અને સ્તુતિ કરી હોય તો તે પૂજક પ્રાણીનાં સર્વ પાપો નાશ પામે છે.
અન્ય તીર્થમાં કરેલી પ્રભુની પૂજા કરતાં અહીં કરેલી શ્રી જિનેશ્વરદેવની પૂજા અનંતગુણી થાય છે.
અહીં એક પુષ્પમાત્રથી પણ જિનપૂજન કર્યું હોય તો તેથી સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત થાય છે અને જે અષ્ટપ્રકારી પૂજા કરે છે, તે આ લોકમાં નવનિધાનને પ્રાપ્ત કરીને શ્રી અરિહંત સમાન થાય છે.
મન, વચન, કાયાથી આ તીર્થમાં જો ગુરુની આરાધના થાય, તો તે તીર્થકર પદની પ્રાપ્તિનું કારણ બને છે.
આ તીર્થમાં જો સામાન્ય મુનિઓની આરાધના કરી હોય, તો પણ તેને ચક્રવર્તીની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકરોને પણ પૂર્વભવે બોધિબીજના હેતુભૂત ગુરુમહારાજ છે. તેથી આ મહાતીર્થમાં ધર્મસંબંધી સર્વ ક્રિયા ગુરુની સાથે કરવી અને ગુરુના ઉપકારથી અનૃણી થવા ઇચ્છતા પુરુષે આ પવિત્ર તીર્થમાં વસ્ત્ર, અન્ન, પાન વગેરેનાં દાનથી વિશેષ પ્રકારે ગુરુમહારાજની સેવાભક્તિ કરવી.
અભયદાન, અનુકંપાદાન, પાત્રદાન, ઉચિતદાન, કીર્તિદાન, અન્નદાન, જ્ઞાનદાન, ઔષધદાન અને જલદાન એ સર્વ દાનો આ મહાતીર્થમાં વિશેષ રીતે ફળદાયક છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૭