________________
કમલદ્રહનો મહિમા સૌરાષ્ટ્ર દેશમાં અત્યંત મહિમાવાળુ, અનંત સુકૃતના સ્થાનરૂપ “શત્રુંજય' નામે મહાતીર્થ છે. તે વિવિધ રત્નો, ઔષધિઓ, કુંડો તથા રસકૂપિકાઓ વગેરેથી સમૃદ્ધિવાળું છે. તેના દર્શનથી, શ્રવણથી, સ્પર્શથી અને કીર્તનથી પણ પાપનો નાશ થાય છે. તે ક્ષણવારમાં પ્રાણીઓને સ્વર્ગ અને મોક્ષનાં સુખ આપે છે. અન્ય તીર્થોમાં સેંકડો યાત્રા કરવાથી જેટલું પુન્ય થાય છે, તેટલું પુન્ય આ તીર્થમાં માત્ર એકવાર યાત્રા કરવાથી થાય છે.
શત્રુંજયની દક્ષિણ દિશામાં શત્રુંજયા નામે એક પવિત્ર નદી છે. એ નદી આ મહાતીર્થની નિશ્રામાં રહેલી હોવાથી વિશેષ પવિત્ર છે તથા ગંગા તેમજ સિંધુ નદીનાં દિવ્યજલથી પણ અધિક ફળ આપનારી છે. તેમાં સ્નાન કરનારના સર્વ પાપો દૂર થાય છે. તે નદી શત્રુંજયા, જાહ્નવી, પુંડરીકિણી, પાપંકષા, તીર્થભૂમિ, હંસી આવા વિવિધ નામથી પ્રખ્યાત છે. ત્યાં કદંબગિરિ અને પુંડરીકગિરિ આ બે શિખરની મધ્યમાં કમલ' નામે એક મહાપ્રભાવિક દ્રહ છે. શત્રુંજયના જલથી આ દ્રહની માટીનો પીંડ કરીને જો નેત્ર ઉપર બાંધવામાં આવે તો તે રાત્રીઅંધત્વ, નીલિકા (મોતીયો) વગેરે નેત્રરોગોનો નાશ કરે છે. તે દ્રહનું જળ કીર્તિ અને કાંતિ આપનારું છે. તે જલના પ્રભાવથી શાકિની, ભૂત, પ્રેત, વેતાલ, વાતપિત્તાદિ દોષ વિનાશ પામે છે. તેમાં જીવની ઉત્પત્તિ થતી નથી.
એ પુંડરીક તીર્થમાં હું દર વર્ષે જાઉં છું અને મારા ઘરદેરાસરમાં રહેલા પ્રભુની સ્નાત્રપૂજા કરવા માટે તે દ્રહમાંથી જળ હું લાવું છું. સર્વ શત્રુઓને દૂર કરવામાં સમર્થ એવું આ જલ મેં રાખ્યું હતું, પણ “જે વસ્તુ વિશેષ પ્રીતિકારી હોય તે સ્વામીને આપવી જોઇએ.” એમ વિચારી આ જલ આપને ભેટ આપવા હું લાવ્યો છું. તેને આપ યતનાથી રાખો. સર્વ દોષને હરનારું આ જળ આપને દિગ્વિજય યાત્રામાં ઉપકારક થશે.
આ પ્રમાણે પ્રભાસપતિના વચનો સાંભળીને શત્રુંજય તીર્થની યાત્રા માટે ઉત્સુક થયેલા ભરત ચક્રવર્તી, પ્રભાસદેવે રચેલા વિમાનમાં બેસીને શત્રુંજયગિરિની યાત્રાએ આવ્યા. ત્યાં શત્રુંજયા નદીમાં સ્નાન કરી, તીર્થનો સ્પર્શ કરીને તરત જ પાછા વિમાનમાં બેસી પોતાની છાવણીમાં આવ્યા. ત્યાર પછી પ્રીતિથી પ્રભાસપતિને પોતાને સ્થાને સ્થાપિત કર્યો. પછી અટ્ટમનું પારણું કર્યું. ત્યાં અઢાઈ ઉત્સવ કરી, ચક્રને અનુસરતા ત્યાંથી આગળ ચાલ્યા.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૫૯