________________
રોગથી પીડાતી સુંદરી કાંઇ ભોજન કરતી નથી ? અને રોગની પીડા દૂર કરનાર કોઈ કુશળ વૈદ્ય નથી ? આ સુંદરી આ રીતે ગ્લાનિ કેમ પામી છે ?'
આ પ્રમાણે બોલતા ચક્રવર્તીને પ્રણામ કરીને સેવકોએ કહ્યું, “હે નાથ ! આપણા મંદિરમાં સર્વ પ્રકારની સામગ્રી ભરપૂર છે. તેમજ આ સુંદરી દેવી અમારે મન કુલદેવતાની જેમ સદા પૂજય છે. ઘણા રાજવૈદ્યો પણ હાજર છે. પરંતુ... જે દિવસથી આપે દિગ્વિજય કરવા માટે અહીંથી પ્રયાણ કર્યું, તે દિવસથી કેવળ પ્રાણ માત્રને ધારણ કરનારી આ સુંદરીદેવી આયંબિલનો તપ કરે છે. તે વખતે વ્રતની ઇચ્છાવાળી સુંદરીને તમે અટકાવી હતી, તેથી તે માત્ર ગૃહસ્થપણાનો વેષ જ રાખીને ભાવસાધ્વીપણું ગ્રહણ કરીને અહીં રહેલ છે.
સેવકોની વાત સાંભળીને ભરત રાજાએ આદરપૂર્વક સુંદરીને પૂછ્યું કે, “તારી વ્રત ગ્રહણ કરવાની ઇચ્છા છે ?” સુંદરીએ હા કહી. એટલે ભરતેશ્વર બોલ્યા, “હે સુંદરી ! તને ધન્ય છે કે જેથી તું આ સંસારથી વિમુખ થઈ છો. ભગવાન શ્રી ઋષભદેવ જેવા પિતાના સંતાનોએ આમ કરવું એ જ ઉચિત છે. હું તે પિતાનો સંતાન હોવા છતાં આ તુચ્છ સુખવાળા રાજયમાં સ્પૃહા રાખું છું. માટે હે મહાસત્તા ! તમે સુખેથી આત્મકલ્યાણ કરો.' આ પ્રમાણે ચક્રવર્તીએ અનુમતી આપવાથી સુંદરી અત્યંત ઉલ્લાસ પામી.
તે અવસરે ઋષભદેવ ભગવાન ભવ્યજીવો ઉપર ઉપકાર કરતા અષ્ટાપદગિરિ પર પધાર્યા. ત્યાં સર્વ ઇન્દ્રોએ ભેગા થઈ પ્રભુનું સમવસરણ રચ્યું. આ વધામણી લઇ, ઉદ્યાનપાળ જલ્દીથી ભરતેશ્વર પાસે આવ્યો અને કહ્યું, “હે દેવ ! આપના પૂજય પિતાજી અત્યારે અષ્ટાપદ પર્વતને પવિત્ર કરે છે અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું છે.'
આ આનંદજનક સમાચાર સાંભળી ચક્રવર્તીએ હર્ષથી વધામણી આપનાર વનપાલકને સાડાબાર કરોડ સુવર્ણ આપ્યું અને સુંદરીને કહ્યું, “બહેન ! તમારો મનોરથ હવે પૂર્ણ થયો છે. ત્યારબાદ તીર્થજલ વડે સ્નાન કરાવી, ઉજ્જવલ વસ્ત્રો પહેરાવી, છત્ર-ચામર સહિત શિબિકામાં સુંદરીને બેસાડી, પરિવાર સહિત ભરત મહારાજા અષ્ટાપદગિરિ પર આવ્યા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, ભક્તિથી પ્રણામ કર્યા. પછી અંતરમાં થયેલા આનંદનો ઓડકાર હોય એવી સુંદર પ્રભુની સ્તુતિ કરી.
“હે પ્રભુ ! આપ સર્વને ધ્યાન કરવા યોગ્ય છો. આપ દેવેન્દ્રોને પણ પૂજય છો. આપ સર્વને શરણ કરવા યોગ્ય છો. આપ સર્વ વિશ્વના સ્વામી છો. આપ અનાદિ અનંત છો. આ સંસારરૂપ સમુદ્રમાં વહાણરૂપ આપને અમારા નમસ્કાર છે. હે ભક્ત વત્સલ ! આપની પાસેથી હું મોક્ષસુખના આનંદની જ પ્રાર્થના કરું છું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૦