________________
હે મહારાજ ! લાખ્ખો યક્ષો, રાજાઓ, વિદ્યાધરો અને દેવતાઓથી તે ભરતેશ્વર હંમેશા સેવાય છે. તો પણ પોતાના બાંધવ બાહુબલિ વિના તેઓને આનંદ નથી. તેઓ દિગ્વિજયમાં અને બાર વર્ષ સુધી થયેલા રાજ્યાભિષેક મહોત્સવમાં નહીં આવેલા પોતાના બંધુઓને મળવા ઘણી ઈચ્છા કરતા હતા. પરંતુ બીજા ભાઇઓએ તો વ્રત ગ્રહણ કર્યું. તેથી હવે કેવળ તમને મળવાની ઉત્કંઠા ધરીને મને અહીં મોકલ્યો છે. કારણ કે બંધુ વગરનું રાજસુખ દુઃખ જેવું છે. તેમજ કુલીન પુરુષોને પોતાના જ્યેષ્ઠ બંધુ પિતા સમાન પૂજ્ય છે. વળી તમારા સમાગમના સુખથી અને તમારી ઉપરના વાત્સલ્યભાવથી તમને વિશેષ રાજયસમૃદ્ધિ આપશે અને ઇન્દ્ર પણ જેને પોતાનું અર્ધ આસન આપે છે, એવા મોટાભાઈ ભરતને નમન કરતાં તમને શી લજ્જા ? વધારે તો શું કહું ? પણ જો તમારે રાજય અને જીવિતની ઇચ્છા હોય તો ત્યાં આવી ભરત રાજાના ચરણોની સેવા તમે સ્વીકારો.” • બાહુબલિનો પ્રત્યુત્તર અને યુદ્ધની તૈયારી :
સુવેગનાં આવા વચનો સાંભળી બાહુબલિ ક્રોધિત થઈ બોલ્યા, “રે દૂત ! તું વાચાળ અને પોતાના સ્વામીનું કાર્ય કરનાર છે તે સત્ય છે. કારણ કે, તું પરસ્થાને આવીને પણ આ પ્રમાણે બોલી શકે છે. તે કહે છે કે, જયેષ્ઠબંધુ પિતાની જેમ પૂજ્ય છે એવો કુલીન પુરુષોનો આચાર છે, તે સાચું. પણ જે વડીલ પોતાનાં મોભા પ્રમાણે ન વર્તે તેની સેવા કરવી યોગ્ય નથી. ભારતે છલ કરી પોતાના નાના ભાઇઓનાં રાજયો પડાવી લીધા, તે ભારતનું મોટાભાઈપણું કેવું ? તે મારા અઢાણુ ભાઇઓ કાંઈ ડરપોક નહોતા. પણ જયેષ્ઠબંધુની સાથે કજીયો કરવામાં તેઓ લજ્જા સમજતા હતા. આથી તેઓએ પૂજ્ય પિતાશ્રી ઋષભદેવ ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી છે. હું પિતાશ્રીએ આપેલા રાજયથી સંતુષ્ટ છું, તો હું તેની સેવા શા માટે કરું ? વળી, તે પિતાશ્રી ઋષભદેવ ભગવંતનો જયેષ્ઠ પુત્ર છે, એવું ધારીને ઇન્દ્ર તેને અડધું આસન આપે છે, તેમાં કાંઈ ભરતનો પ્રભાવ નથી અને જ્યારે હું રણભૂમિમાં આવું ત્યારે મારી આગળ એનું સૈન્ય, સુષેણ અને ચક્રરત્ન – એ સર્વનું બળ વ્યર્થ છે. પૂર્વે બાલ્યાવસ્થામાં અશ્વક્રીડા કરવા માટે અમે ગંગાને કાંઠે ગયા હતા. તે સમયે મેં તેને આકાશમાં ઉછાળ્યો હતો અને દયા આવવાથી પાછો ઝીલી લીધો હતો. તે બધું હમણાં રાજયમદથી કદાચ તે ભૂલી ગયો હશે. તેથી જ તે દુરાશયે તારા જેવા દૂતને મારી પાસે મોકલ્યો છે. માટે, હે દૂત ! અહીંથી જલ્દી ચાલ્યો જા ! કેમકે નીતિનાં પાલનને ઇચ્છતા રાજાઓ માટે ગમે તેવો દૂત પણ અવધ્ય છે. તે ભરત જ ભલે અહીં આવીને પોતાના દુર્નયનું ફળ ભોગવે !'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૩