________________
ભરતેશ્વરે પણ પ્રાત:કાળે ઋષભદેવ પ્રભુની ભાવથી ભક્તિ કરી. “સપુરુષો ક્યારે પણ સાંસારિક કાર્યમાં મોહ પામી ધર્મકાર્યને ભૂલી જતા નથી.” ચૈત્યમાંથી નીકળી કવચ, મુગટ, ભાથાને ધારણ કર્યા અને ઐરાવણ હાથી જેવા મદ ઝરતા સુરગિરિ નામના હાથી ઉપર આરૂઢ થયા. સુષેણ સેનાપતિ પવનંજય નામના રથ ઉપર બેઠો તથા સવા કરોડ કુમારો અને અનેક રાજાઓ સજ્જ થઇને રણભૂમિમાં આવ્યા. • ભરત - બાહુબલિનું યુદ્ધ :
ઘોડેસવારો ઘોડેસવાર સાથે, ગજસવારે ગજસવાર, રથીએ રથી, પાયદળે પાયદળ, ખેચરે ખેચર, રાજાએ રાજા, સુભટે સુભટ, સામંતે સામંત અને ભીલેભીલ એમ સર્વ સૈનિકો સમાનપણે એકબીજાને સામસામાં મળ્યા અને યુદ્ધ શરૂ થયું.
ભરત ચક્રવર્તી અને બાહુબલિના વીરો રણભૂમિમાં પરસ્પર ઘોર યુદ્ધ કરવા લાગ્યા અને સામ-સામા યુદ્ધ કરતાં જય-પરાજય પામવા લાગ્યા. યુદ્ધ કરતાં તેઓના રથના ચિત્કારોથી પૃથ્વી કંપાયમાન થઇ, બાણના પ્રહારોથી આકાશમાં રહેલા દેવતાઓ પણ ત્રાસ પામ્યા, તેમના સિંહનાદથી સિંહાદિ પ્રાણીઓ પણ મૃગની જેમ ત્રાસથી દૂર થઈ ગયા, તેમના ભુજાના આસ્ફોટથી પર્વતો પણ ફાટી ગયા. સેનાનો સંહાર થતા પૃથ્વી વીરજનોના ક્લેવરથી વ્યાપ્ત થઇ, આકાશ અસ્ત્રમય બન્યું અને દિચક્ર રુધિરમય બની ગયું. આમ ભરતેશ્વર તથા બાહુબલિના સૈન્ય વચ્ચે બાર વર્ષ સુધી મહાભયંકર યુદ્ધ ચાલ્યું.
તે વખતે ત્રણ લોકના પ્રલયની શંકા કરાવતો ઘોર સંગ્રામ ચાલતો જોઇને દેવોએ વિચાર કર્યો કે, “શ્રી ઋષભસ્વામીના પુત્રોનું જ સામ-સામું ઘોર યુદ્ધ થઈ રહ્યું છે, તે યોગ્ય ન ગણાય.” તેથી તેઓ નીચે આવી બંને સૈન્યોના સુભટોને કહેવા લાગ્યા કે, “અરે સુભટો ! અમે જઇને તમારા બંનેના સ્વામીને સમજાવીએ, ત્યાં સુધી જે કોઇ યુદ્ધ કરે તેને શ્રી યુગાદિપ્રભુની આણ છે.' આ રીતે દેવો તરફથી પ્રભુની આણ થતાં સર્વ યોદ્ધાઓ સ્થિર થઈને ત્યાં યુદ્ધભૂમિ પર ઉભા રહ્યા. • ભરત - બાહુબલિને યુદ્ધવિરામ માટે દેવોની વિનંતી :
દેવતાઓ ભરત ચક્રવર્તી પાસે આવ્યા અને “ચક્રવર્તીઓમાં શિરોમણિ, હે ભરત રાજા ! તમારો જય થાઓ.” એવી આશિષ આપીને કહ્યું કે, “હે રાજેન્દ્ર ! તમે પખંડ પૃથ્વીનો જય કર્યો, તે સારું કર્યું. પણ ઋષભદેવના પુત્ર થઇ, આવા યુદ્ધનો પ્રારંભ કેમ કર્યો છે ? તમારા પિતાએ આ સૃષ્ટિ નિર્માણ કરી છે અને તેમના પુત્ર થઇને તમે તેનો સંહાર કરો છો, તે તમને શોભે છે ? માટે હે ક્ષિતિપતિ ! જગતનો અકાળે સંહાર કરનારા આ રણસંગ્રામથી તમે પાછા હઠો !
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૯