________________
સૈન્ય જોઇ અહીં ઉતર્યા. હવે અહીંથી આગળ જઇશું.' ચક્રવર્તીએ તેમને સંમતિ આપી તેથી તેઓ અન્ય સ્થાને ગયા.
ચક્રવર્તીને નવનિધિની પ્રાપ્તિ :
તે સમયે ચક્રવર્તી મનમાં વિચારવા લાગ્યા, ‘તે ધન્ય દિવસ ક્યારે આવશે કે જ્યારે હું સંઘસહિત શત્રુંજય તીર્થની યાત્રા કરીશ ?' આમ શુભ મનોરથ કરતા ભરતેશ્વરે ગંગાદેવીને સમજાવી તેની અનુમતિ લઇ ખંડપ્રપાતા ગુફા તરફ સૈન્યસહિત પ્રયાણ કર્યું. ગુફાના દ્વાર પાસે અક્રમનો તપ કર્યો. તેથી આસનકંપ થતાં ત્યાંનો અધિષ્ઠાયક નાટ્યમાલ દેવ ભેટ લઇને ત્યાં આવ્યો. અનેક પ્રકારના આભૂષણો ભેટ ધર્યા. ભરતેશ્વરે બહુમાનથી તેને વિદાય કર્યો. પછી ચક્રવર્તીની આજ્ઞાથી સુષેણ સેનાપતિએ તમિસ્ત્રાની જેમ ખંડપ્રપાતાના દ્વાર ઉઘાડ્યા. એટલે ચક્રવર્તી હસ્તી ઉપર આરૂઢ થઇ ગુફામાં પ્રવેશ્યા અને પૂર્વની જેમ જ કાકિણીરત્નથી મંડલ કર્યા. સૈન્યસહિત ઉન્નિમ્નગા અને નિમ્નગા નદીઓ ઉતરી ગુફાને છેડે આવ્યા એટલે ગુફાનું દક્ષિણ દ્વાર પોતાની મેળે જ ઉઘડી ગયું. ચક્રવર્તીએ તે ગુફા દ્વારમાંથી નીકળીને ગંગાના પશ્ચિમ તીરે સૈન્યનો પડાવ કરાવ્યો. ત્યાં નવનિધિને ઉદ્દેશીને ચક્રીએ અક્રમનો તપ કર્યો. તપને અંતે નવનિધિ પ્રત્યક્ષ થયા : ૧. નૈસર્પ, ૨. પાંડુક, ૩. પિંગલ, ૪. સર્વરત્નક, ૫. મહાપદ્મ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણવ અને ૯. શંખક. આ નવે નિધિ આઠ યોજન ઉંચા, નવ યોજન પહોળા અને બાર યોજન લાંબા છે. તે દરેક એક એક હજાર યક્ષો વડે રક્ષણ કરાયેલા છે અને દરેક નામ પ્રમાણે નામવાળા, એક પલ્યોપમ આયુષ્યવાળા નાગકુમાર દેવોથી અધિષ્ઠિત છે. તેઓએ ત્યાં આવીને, ચક્રીને પ્રણામ કરીને કહ્યું, ‘હે મહાભાગ ! અમે ગંગા કિનારે માગધ તીર્થમાં રહીએ છીએ. તમારા ભાગ્યથી વશ થઇને તમારી પાસે આવ્યા છીએ. અમારો કદી ક્ષય થતો નથી. માટે ઇચ્છા પ્રમાણે દાન કરો, અમારો ઉપભોગ કરો.' આ પ્રમાણે નવનિધિ વશ થયા પછી ચક્રવર્તીએ અઠ્ઠાઇ ઉત્સવ કર્યો અને ઇચ્છા પ્રમાણે દાન આપ્યું. ભરતેશ્વરનું અયોધ્યામાં પુનરાગમન :
·
ત્યારબાદ ચક્રવર્તીની આજ્ઞાથી સુષેણ સેનાપતિ ગંગા નદીનું દક્ષિણ નિષ્કુટ સાધીને પોતાના સ્થાને પાછો આવ્યો. એટલે ચક્રવર્તી હર્ષપૂર્વક કેટલોક કાળ ત્યાં રહ્યા. ત્યાર પછી ચક્રરત્ન અયોધ્યા તરફ ચાલ્યું. સુર-અસુર અને મનુષ્યોથી પરિવરેલા ભરતેશ્વર પ્રથમ પ્રયાણના દિવસથી સાઠ હજાર વર્ષે પોતાના નગરમાં પાછા આવ્યા. નગરની નજીક પોતાનો પડાવ કર્યો. ત્યાં નગરીની અધિષ્ઠાયક દેવીને ઉદ્દેશીને અક્રમનો તપ કર્યો.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સાર ૦ ૬૭