________________
'येनामी निहताः कोपात्स कथं भविता हहा !' અર્થ : જેણે આ બધાયને કોપથી માર્યા છે, અહો ! તેનું શું થશે ?
મુનિએ પૂર્ણ કરેલી એ સમસ્યા તે પુરુષે રાજાની પાસે જઈને કહી. રાજાને શંકા પડી કે આ માણસ શું શ્લોક રચના કરી શકે ? માટે ખાત્રી કરવા પૂછ્યું કે આ શ્લોક પૂર્તિ કોણે કરી ? શરૂઆતમાં તો ઈનામની લાલચે પેલા ભાઈએ કહ્યું કે મેં કરી છે. પણ રાજાએ કડકાઇથી પૂછતાં સત્ય હકીકત જણાવી કે આપણા નગરમાં એક જૈનમુનિ પધાર્યા છે, તેમણે આ શ્લોક પૂર્ણ કર્યો છે.
આ સાંભળતાં રાજાને વિશ્વાસ થયો કે નક્કી તે જ મુનિ અહીં પધાર્યા હશે. આથી ચતુરંગી સેના, પ્રધાન, પુરોહિત, અંતઃપુર આદિ વિસ્તૃત રસાલાપૂર્વક મુનિના વંદનાર્થે વનમાં આવ્યો અને જાતિસ્મરણથી એ મુનિને ઓળખીને કહ્યું કે, “હે મુનિરાજ ! મારા તે સર્વ અપરાધોની આપ ક્ષમા કરો. મને ધિક્કાર છે, કે જેથી તે તે ભવોમાં, દર્શન માત્રથી આવા રાજ્યને આપવાનું સામર્થ્ય ધરાવનારા મહાઉપકારી એવા આપને મેં દુઃખી કર્યા.
હે યતિવર્ય ! અજ્ઞાનતાના કારણે મેં વારંવાર આપના તપનો નાશ કર્યો. પરંતુ હવે મારા નિમિત્તે થતો ક્રોધ તમે છોડી દો.”
રાજાના આવા નમ્ર વચનથી જાગૃત થયેલા તે મુનિ પણ ઉપશમભાવ પામ્યા અને બોલ્યા કે, “રાજન્ ! મને ધિક્કાર છે, હું ક્ષમાશ્રમણ હોવા છતાં પાપી એવા મેં તે તે જન્મમાં તને મારી નાંખ્યો. અજ્ઞાનથી કરેલા મારા તે અતિદુઃસહ અપરાધની તું ક્ષમા કર !”
આ રીતે તે બંને પરસ્પર ક્ષમાપના કરતા હતા, તેટલામાં આકાશમાં દુંદુભિનો અવાજ સંભળાયો અને આકાશમાર્ગે જતા દેવો દ્વારા જાણવા મળ્યું કે, વનમાં એક કેવળજ્ઞાની મુનિ પધાર્યા છે. તેમના દર્શનની ઇચ્છાથી આદર સહિત ત્રિવિક્રમ રાજર્ષિ તથા મહાબાહુ રાજા ત્યાં ગયા અને કેવલી ભગવંતને પ્રણામ કર્યા. કેવલી ભગવાને પણ તે બંનેના હૃદયના ભાવ જાણીને પાપનો નાશ કરનાર જીવદયામય ધર્મનો ઉપદેશ આપ્યો અને કહ્યું કે, “હે રાજા ! તે પૂર્વભવમાં આ મુનિને કોપ કરાવ્યો છે અને મુનિએ પણ ક્રોધ કરીને હિંસા કરી છે. તેથી તમે બંનેએ ઘણું પાપ બાંધ્યું છે. તે પાપથી મુક્ત થવા સર્વ પાપનો નાશ કરનારા શત્રુંજય તીર્થે તમે જાવ. ત્યાં તપશ્ચર્યા કરવાથી અને શ્રી અરિહંત પરમાત્માના ધ્યાનથી તમને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે.
ઘણું દાન, શીલપાલન વગેરે ધર્મ સેવ્યા છતાં પણ શત્રુંજય તીર્થની સ્પર્શના વિના તમારું પાપ નિર્જરા પામશે નહીં. માટે હે રાજા ! આ ત્રિવિક્રમ રાજર્ષિને આગળ કરી અનેક લોકોની સાથે શત્રુંજયાદિ તીર્થોની સમાધિપૂર્વક તું યાત્રા કર.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૩૬