________________
યાત્રા કર્યા પછી સર્વવિરતિ અંગીકાર કરી આત્મસ્વરૂપમાં લીન બની એ મુનિ સાથે તું ત્યાં ઉત્તમ તપ કરજે. હે રાજા ! શ્રી શત્રુંજય તીર્થનાં સ્મરણમાત્રથી કર્મરૂપી કાદવ ગળી જાય છે, દુષ્કર્મ નાશ પામે છે, સર્વ અજ્ઞાન નાશ પામે છે.”
આ રીતે કેવલી ભગવંતે કહેલો ઉપદેશ હૃદયમાં ધારણ કરીને તે ત્રિવિક્રમ મુનિ અને મહાબાહુ રાજા પ્રસન્ન થઈ, ભક્તિથી તેમને નમસ્કાર કરી, સંઘમાં અનેક લોકોને સાથે લઈ શત્રુંજય તીર્થની યાત્રા કરવા ગયા. ત્યાં નવા નવા મહોત્સવપૂર્વક પ્રભુની ભક્તિ કરી, સંયમ લીધું. સંયમપાલન સાથે તીવ્ર તપ તપી, સર્વે કર્યો ખપાવીને તેઓ મુક્તિસુખ પામ્યા.
આ પ્રમાણે રાજકુમાર મહીપાલને તે મુનિરાજે ઉપદેશ આપીને કહ્યું, “હે મહીપાલ ! તે રીતે આ શત્રુંજય તીર્થમાં મોટા હત્યાદિ પાપો પણ જલ્દી વિલીન થઇ જાય છે. ગુરુમહારાજના મુખેથી ધર્મ સાંભળી પોતાના આત્માને કૃતાર્થ માનતા રાજકુમારે વિદ્યાધરની સાથે શાશ્વત ચૈત્યોનાં વંદન-પૂજન કર્યા અને સાધુઓની સેવામાં કેટલોક કાળ પસાર કર્યો. વિદ્યારે પણ તેની ઘણા પ્રકારે ભક્તિ કરી. થોડા સમય પછી વિદ્યાધરની રજા લઈ, મહીપાલકુમાર આગળ ચાલ્યો. માર્ગમાં કૌતુક જોતો કલ્યાણકટક નગર તરફ ચાલ્યો. આકાશગામિની વિદ્યા વડે આકાશમાં ચાલતો તે સ્વયંવર જોવાની ઇચ્છાથી તત્કાળ તે નગરે આવી પહોંચ્યો. કુમારે ત્યાં જુદી જુદી ભાષાઓને જાણનારા અને જુદા જુદા વેષને ધરનારા, અનેક દેશોથી આવેલા રાજાઓને જોયા. તેઓને બેસવા માટે કરેલી ઊંચી માંચાની શ્રેણીઓ જોઇ.
નગરમાં આમતેમ ફરતાં સૈન્યથી પરિવરેલા પોતાના જયેષ્ઠબંધુ દેવપાલને ત્યાં આવેલો જોયો. એટલે તરત વેષ પરિવર્તન કરી કુમાર પોતાના બંધુ પાસે આવી અજાણ્યો થઈ તેને પૂછવા લાગ્યો કે, “હે મિત્ર ! અહીં ઘણા રાજાઓનાં સૈન્યો કેમ એકઠા થયા છે ? આ ઊંચા માંચડાઓ કેમ માંડ્યા છે ? અને આ તરફ લોકો ઉત્સુક થઈ કેમ દોડાદોડ કરે છે ? હું પરદેશી છું, એટલે આ નગરનું વૃત્તાંત મને કહો.”
આ સાંભળી દેવપાલે કહ્યું, “હે મહાસત્ત્વ ! આનું સર્વવૃત્તાંત તમે સાંભળો. આ કલ્યાણકટક નામે સમૃદ્ધિવાળું નગર છે. કલ્યાણસુંદર રાજા છે, તેને ગુણસુંદરી નામે કુમારી છે. તેનો આવતીકાલે સ્વયંવર મહોત્સવ થવાનો છે. જુઓ, આ અગ્નિકુંડ દેખાય છે, તેમાં ઘણી શાખાઓવાળું એક અગ્નિવૃક્ષ છે. તે વૃક્ષની શિખા, શાખા અને ફળોને જે ગ્રહણ કરશે, તે સાહસિક પુરુષને આ કન્યા પરણશે. પોતાના બંધુ દેવપાલના વચનો સાંભળી, ચિત્તમાં કુંવરી પરણવાનો નિશ્ચય કરી મહીપાલકુમાર મંચના કોઈ એક ભાગમાં જઈને બેઠો.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૭