________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૩૨
ગંધજે કર્મના ઉદયથી સુગંધ આદિનું નિર્માણ થાય તે ગંધ નામકર્મ. રસ– જે કર્મના ઉદયથી તિક્ત આદિ રસનું નિર્માણ થાય તે રસ નામકર્મ.
સ્પર્શ જે કર્મના ઉદયથી કર્કશ આદિ સ્પર્શનું નિર્માણ થાય તે સ્પર્શ નામકર્મ.
અગુરુલઘુ– જેના ઉદયથી શરીર ગુરુ (=ભારે) નહિ, અને લઘુ (હલકુ) નહિ, કિંતુ અગુરુલઘુ બને તે અગુરુલઘુ નામકર્મ. જો શરીર એકાંતે અગુરુલઘુ ન હોય તો એટલે કે એકાંતે ગુરુ કે લઘુ હોય તો શરીરને નીચે કે ઊંચે જવાનો પ્રસંગ આવે.
ઉપઘાત- જે કર્મના ઉદયથી શરીરના અંગોનો કે ઉપાંગોનો ઉપઘાત (Rખંડન) થાય તે ઉપઘાત નામકર્મ.
પરાઘાત– જે કર્મના ઉદયથી જીવ બીજાઓને પરાભવ કરી શકે તે પરાઘાત નામકર્મ.
આનુપૂર્વી– જે કર્મના ઉદયથી પરભવ જતા અપાંતરાલ ગતિમાં નિયત સ્થાનમાં આકાશ પ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરે તે આનુપૂર્વી નામકર્મ.
બીજાઓ કહે છે કે શરીરના અંગોની નિયત રચના થાય તે આનુપૂર્વી નામકર્મ.
ઉચ્છવાસ– જે કર્મના ઉદયથી ઉચ્છવાસ-નિઃશ્વાસ થાય તે ઉચ્છવાસ નામકર્મ.
પ્રશ્ન- જો ઉચ્છવાસ નામકર્મથી શ્વાસોશ્વાસ થતા હોય તો શ્વાસોશ્વાસ પર્યામિ નામકર્મનો ઉપયોગ ક્યાં થાય ?
ઉત્તર- પર્યાપ્તિ કરણ શક્તિ છે. શ્વાસોશ્વાસ પર્યામિ પૂર્ણ થયે છતે ઉચ્છવાસ નામ કર્મના ઉદયવાળાને જ તે શક્તિ સહકારી કારણ બને છે. જેમ કે બાણ ફેંકવાની શક્તિવાળા મનુષ્યને ધનુષ્યગ્રહણની શક્તિ સહકારી કારણ બને છે.
આ પ્રમાણે અન્ય સ્થળે પણ એક કર્મથી બીજા કર્મની ભિન્ન વિષયતા સૂક્ષ્મબુદ્ધિથી વિચારવી. (૨૧)