________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૯૯ એક જ દોષ હતો કે સાધુઓ પણ સદા પરલોકની ચિંતામાં તત્પર દેખાતા હતા. શત્રુસેનાના ક્ષય માટે કાળ સમાન, ઉત્તમ પુરુષોરૂપી વૃક્ષો માટે
ક્યારા સમાન અને સકલ ગુણસમૂહને પ્રાપ્ત કરનાર જિતશત્રુ નામનો રાજા તે નગરીનું પાલન કરતો હતો. તે નગરમાં ઉત્તમવેષને પહેરનાર, કળાઓમાં પ્રવીણ, ઋદ્ધિ-ગુણ-ગોત્રથી મહાન અને દીન આદિ જનોનો ઉદ્ધાર કરવામાં સુપ્રસિદ્ધ એવો એક શેઠ હતો. ભવિતવ્યતા વશ એકવાર તેના ઘરમાં તેવો મારી રોગ ઉત્પન્ન થયો, જેથી ઘરના બધા માણસો મરવા લાગ્યા. ઘરના બધા માણસો મરી જતાં ઘરનો માલિક, પુત્ર વગેરે મરી ગયા. આમ થતાં મડદાંઓને બહાર નાખવા પણ કોઇ માણસ તૈયાર ન હતો. તેના ઘરમાં મારીનો ઉપદ્રવ જોઇને લોકોએ ચેપના ભયથી બારણું કાંટાઓથી ભરી દીધું. તેમાં ઇંદ્રનાગ નામનો એક બાળક બચી ગયો. કારણ કે તેનું આયુષ્ય ઉપક્રમથી ન ઘટે તેવું હોવાથી બલવાન હતું. તૃષા-સુધાથી પીડિત તે પાણી માગવા લાગ્યો. બધા મરી ગયા છે એમ જોઇને ભય પામેલા તેણે બારણા તરફ નજર કરી. તેટલામાં માંસના લોભથી આવેલા કૂતરાને તેણે જોયો. તેને જોઇને ધ્રુજતો તે ઊંચા સ્વરે રડવા લાગ્યો. તેના રુદનના શબ્દો સાંભળીને ભય પામેલો કૂતરો વળીને નીકળી ગયો. બાળક પણ તે જ છીંડીથી ઘરમાંથી નીકળ્યો. કહ્યું છે કે- “જેની આશા ભાંગી ગઈ છે, જે કરંડિયામાં પૂરાયો છે, ભૂખથી જેની ઇંદ્રિયો ક્ષીણ થઈ ગઈ છે, એવા સર્પના મુખમાં રાતે કાણું પાડીને ઉંદર જાતે પડ્યો. તેના માંસથી તૃપ્ત થયેલ સર્પ તે જ માર્ગથી જલદી જતો રહ્યો. તમે સ્વસ્થ ( નિશ્ચિત) રહો. કારણ કે માણસોની વૃદ્ધિ અને ક્ષય કરવામાં ભાગ્યે જ તત્પર છે.” (અર્થાતુ ભાગ્ય કરે તેમ થાય, માટે ચિંતા કરવી નકામી છે.) તે ઠીબ ( ભાંગેલા ઘડાનો થોડો ભાગ) લઈને ઘરે ઘરે ભિક્ષા માગતો ફરે છે. લોકો પણ દયાથી તેને આહાર વગેરે આપે છે. વળી– તેને આવી અવસ્થાવાળો જોઇને, અને તેના ઘરની સંપત્તિને યાદ કરીને પોતાના ચિત્તમાં દુઃખ અનુભવતા લોકો સુપ્રસિદ્ધ આ (નીચેની) ગાથાને યાદ કરતા હતા. “સંસારમાં અનાદિકાળથી વિવિધ કર્મોને વશ બનેલા જીવોનો એવો કોઈ બનાવ નથી કે જે ન બને.” આ પ્રમાણે વધતા તેના કેટલાંક વર્ષો પસાર થયા.
એકવાર રાજગૃહ તરફ જવાની ઈચ્છાવાળા સિદ્ધાર્થ નામના સાર્થવાહ નગરમાં આ પ્રમાણે ( નીચે પ્રમાણે) ઘોષણા કરાવી. હમણાં જે કોઈ