________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૧૪ જંગલમાં મૂકી દીધી. તે દુર્ગધથી જંગલને વાસિત કરવા લાગી. શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા માટે શ્રેણિક રાજા તે સ્થાનથી પસાર થયો. તેની દુર્ગધને સહન નહિ કરતો રાજાનો સૈન્ય પરિવાર વિમુખ થઈને ભાગ્યો. રાજાએ પૂછ્યું: આ શું છે? સૈન્ય પરિવારે કહ્યું: બાલિકાની દુર્ગધ છે. ત્યાં જઈને બાલિકાને જોઈને રાજા બોલ્યોઃ ભગવાનને સૌથી પહેલાં આ બાલિકા વિષે પૂછીશ. ભગવાન પાસે જઈને વંદન કરીને બાલિકા વિષે પૂછ્યું. આથી ભગવાને તેની ઉત્પત્તિની વિગત કહી. રાજાએ પૂછ્યું: આ બાલિકા સુખ કે દુઃખ ક્યાં અનુભવશે ? ભગવાને કહ્યું: આટલા કાળ સુધીમાં તેણે તે કર્મ ભોગવી લીધું છે. તે તારી જ પત્ની થશે. આઠ વર્ષ સુધી તારી પટ્ટરાણી તરીકે રહેશે. તેની સાથે રમતા એવા તારી પીઠ ઉપર ગર્વભરી ચેષ્ટા કરશે, ત્યારે તું તે આ છે એમ જાણજે. શ્રેણિક રાજા વંદન કરીને ગયા. ગંધરહિત બનેલી એવી તેને ભરવાડે લીધી. તેને મોટી કરી. હવે તે યૌવનને પામી. કૌમુદી પર્વના દિવસે માતાની સાથે ઉદ્યાનમાં આવી. રાજા અને અભયકુમાર ગુપ્તવેશમાં કૌમુદીના નાટક વગેરે ઉત્સવને જોતા હતા. તે યુવતિના અંગસ્પર્શથી રાજા તેના ઉપર અત્યંત આસક્ત થયો. પોતાના નામવાળી વીંટી ગુપ્ત રીતે તેની સાડીના છેડામાં બાંધી દીધી. પછી રાજાએ અભયકુમારને કહ્યું: મારી વીંટી કોઈએ ચોરી છે, તેની શોધ કર. અભયકુમારે બહાર નીકળવાના દરવાજા બંધ કરીને બધા માણસોને રોક્યા. એક એક માણસને તપાસીને નિર્ણય કરવા લાગ્યો. તે યુવતિને તપાસી. ચોર છે એમ માનીને તેને પકડી. પછી રાજા તેને પરણ્યો. એકવાર રાજા અને રાણીઓ પાસાની રમત રમતા હતા. તેમાં એવી શરત હતી કે જે જીતે તેને પીઠ ઉપર બેસાડવો. બીજી રાણીઓ રાજાને જીતતી હતી ત્યારે રાજાની પીઠ ઉપર વસ્ત્ર મૂકીને તે વસ્ત્ર ઉપર હાથ મૂકતી હતી. પણ દુર્ગધા રાણી રાજાને જીતી ત્યારે રાજાની પીઠ ઉપર વસ્ત્ર મૂકીને પોતે તેના ઉપર બેસી ગઈ. રાજા ભગવાનનું વચન યાદ કરીને હસ્યો. વિલખી બનીને તેણે પૂછ્યું: તમે કેમ હસ્યા ? રાજાએ ભગવાને કહેલી તેની પૂર્વભવની અને આ ભવની બધી વિગત કહી. તેથી સંવેગ પામેલી તે રાણીએ રાજાની પાસે દીક્ષાની રજા માગી. રાજાએ તેને દીક્ષાની રજા આપી. પછી તેણે દીક્ષા લીધી.