________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૮૫
અને શબ્દાદિ વિષયોનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો ભોગ છે. બુદ્ધિમાં ચૈતન્ય અને શબ્દાદિ વિષય એ બંનેનું એક સાથે પ્રતિબિંબ પડવાથી પુરુષ પોતાને હું શબ્દાદિનો ભોક્તા છું એમ માને છે. (૭) તે જ રીતે પૂર્વે કહ્યું તેમ પુરુષનો જાણવાનો સ્વભાવ નથી, પણ બુદ્ધિમાં એક તરફ જ્ઞેય વિષયોનું પ્રતિબિંબ પડે છે, તો બીજી તરફ પુરુષનું પ્રતિબિંબ પડે છે. આથી પુરુષ પોતાને હું જ્ઞાતા છું એમ માને છે. આ વિષયને સ્વચ્છ પાણીના દૃષ્ટાંતથી સમજીએ. જેવી રીતે પાણી સ્વચ્છ છે તેવી રીતે બુદ્ધિ સ્વભાવથી નિર્મલ છે. જેવી રીતે ચંદ્ર સ્વભાવથી સ્વચ્છ પાણીમાં પોતાના પ્રતિબિંબને પાડવા સમર્થ છે, તેવી રીતે આત્મા પણ બુદ્ધિમાં પોતાનું પ્રતિબિંબ પાડવા સમર્થ છે. તે બુદ્ધિમાં આત્માનું અને શબ્દાદિ વિષયોનું પ્રતિબિંબ પડવું એ જ પુરુષનો ભોગ છે, પણ સાક્ષાત્ ભોગ નથી.
હવે આપણે ટીકાના અર્થને સમજીએ. અહીં ત્રણ મુદ્દા કહ્યાં છે. તેમાં પહેલો મુદ્દો એ કહ્યો છે કે પ્રકૃતિએ કરેલા કર્મને પુરુષ ભોગવે એમ માનવામાં અતિપ્રસંગ આવે. અતિપ્રસંગ કેમ આવે એમાં ટીકામાં મેવાવિશેષે એ હેતુ આપ્યો છે. મેવિશેષે એટલે ભિન્નતામાં કોઇ ભેદ નથી. જેમ પુરુષ અને પ્રકૃતિ એ બંને ભિન્ન છે તેમ ૨મેશ અને મહેશ એ બંને ભિન્ન છે. એથી આ બેમાં ભિન્નતાના ભેદમાં કોઇ તફાવત નથી. એથી જ જો પ્રકૃતિએ કરેલા કર્મને પુરુષ ભોગવે, તો રમેશે કરેલા કર્મને મહેશ ભોગવે એમ અતિપ્રસંગ આવે. પણ તેમ બનતું નથી.
હવે અહીં સાંખ્યો દલીલ કરે કે પુરુષને અને પ્રકૃતિને સંબંધ છે અને રમેશ-મહેશને કોઇ સંબંધ નથી. તેથી પ્રકૃતિએ કરેલા કર્મને પુરુષ ભોગવે. પણ રમેશે કરેલા કર્મને મહેશ ન ભોગવે.
આના જવાબમાં ટીકાકાર કહે છે કે— પ્રકૃતિ અને પુરુષને વાસ્તવિક કોઇ સંબંધ નથી. કારણ કે બંને એકાંતે તદ્દન અલગ છે.
અહીં બીજો મુદ્દો એ કહ્યો છે કે— અચેતન (=જડ) પ્રકૃતિ કર્મ કેવી રીતે કરી શકે ? કારણ કે પ્રકૃતિ અધ્યવસાયથી રહિત છે. જેમ કે ઘટ. ઘટ અધ્યવસાયથી (=લાગણીથી) રહિત હોવાથી બીજાની પ્રેરણા વિના કંઇ પણ કરતું જોવામાં આવ્યું નથી. પૂર્વપક્ષ– પુરુષ પ્રેરક છે.