________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૯૭
ટીકાર્થ– ન્યાયથી મેળવેલા– બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-શૂદ્રોનો પોતપોતાની જાતિને ઉચિત વ્યવસાય ( ધંધો) ન્યાય છે. પોતપોતાની જાતિને ઉચિત વ્યવસાય કયો છે તે લોકાચરણથી પ્રાયઃ પ્રસિદ્ધ છે. આનાથી અન્યાયથી મેળવેલા અન્નાદિના દાનનો નિષેધ કર્યો છે.
કલ્પનીય=ઉદ્ગમ આદિ દોષોથી રહિત. આનાથી (કારણ વિના) અકલ્પનીય દાનનો નિષેધ કર્યો છે.
અન્નાદિનું– અન્ન-પાન-વસ્ત્ર-પાત્ર-ઔષધ-ભેષજ વગેરે (સંયમમાં સહાયક બને તેવાં) દ્રવ્યોનું દાન કરવું. આનાથી સુવર્ણ વગેરેના દાનનો નિષેધ કર્યો છે.
પરમ ભક્તિથી–ઉત્તમ ભક્તિથી. આનાથી ફળપ્રાપ્તિમાં ભક્તિથી કરાયેલી વિશેષતા કહી છે, અર્થાત્ જેમ જેમ ભક્તિ વધારે તેમ તેમ ફળ વધારે મળે.
આત્માનુગ્રહબુદ્ધિથી- સાધુને આપવાથી મારા ઉપર (કર્મ નિર્જરાદિરૂપ) અનુગ્રહ થાય એવી બુદ્ધિથી આપવું જોઈએ. પણ સાધુ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ન આપવું જોઈએ. કારણ કે સાધુઓ સ્વ-પરના અનુગ્રહમાં તત્પર હોય છે.
દેશ– વિવિધ ચોખા, કોદરા, કાંગ, ઘઉં, વગેરેની ઉત્પત્તિવાળો દેશ. (આ દેશમાં અમુક વસ્તુ સુલભ છે કે દુર્લભ ઈત્યાદિ વિચાર કરીને દુર્લભ વસ્તુ અધિક પ્રમાણમાં આપવી વગેરે.)
કાળ– સુકાળ-દુકાળ વગેરે કાળ. (દુષ્કાળ હોય અને પોતાને સુલભ હોય તો સાધુઓને અધિક પ્રમાણમાં વહોરાવવું. કયા કાળે કેવી વસ્તુની અધિક જરૂર પડે, વર્તમાનમાં કઈ વસ્તુ સુલભ છે કે દુર્લભ છે, ઈત્યાદિ વિચાર કરીને તે પ્રમાણે દાન કરવું જોઈએ.)
શ્રદ્ધા વિશુદ્ધ ચિત્તપરિણામથી આપવું. ૧. તત્ત્વાર્થાધિગમ (અ-૭ સૂ.૩૩)ના ભાષ્યમાં સ્વ-પરના અનુગ્રહ માટે પોતાની વસ્તુને બીજાને (સાધુઓને) આપવી તે દાન એમ કહ્યું છે. આથી અહીં સાધુ ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી ન આપવું જોઈએ એનો અર્થ એ થાય કે સાધુ ઉપર હું ઉપકાર કરું છું એવી બુદ્ધિથી ન આપવું જોઈએ. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં પરના અનુગ્રહ માટે એટલે પરને સહાય-મદદ થાય એ માટે એવો અર્થ કરવો જોઇએ.