________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૮૭ સોપક્રમદ્વાર કહ્યું. સોપક્રમારના કથનથી સંસારી જીવો કહ્યા. હવે મુક્ત જીવોને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ– સિદ્ધો અનેક ભેદવાળા છે. તે આ પ્રમાણે– તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, સ્વયંબુદ્ધ સિદ્ધ, પ્રત્યેક સિદ્ધ, બુદ્ધબોધિત, સ્વલિંગ સિદ્ધ, અન્યલિંગ સિદ્ધ, ગૃહિલિંગ સિદ્ધ.
ટીકાર્થ– તીર્થસિદ્ધ– તીર્થમાં સિદ્ધ તે તીર્થસિદ્ધ. શ્રમણની પ્રધાનતાવાળો ચાર પ્રકારનો સંઘ અથવા પ્રથમ ગણધર તીર્થ છે. કહ્યું છે કે- “હે ભગવંત ! તીર્થ તીર્થ છે કે તીર્થંકર તીર્થ છે ? હે ગૌતમ ! અરિહંત નિયમા તીર્થકર છે. શ્રમણની પ્રધાનતાવાળો ચાર પ્રકારનો સંઘ કે પ્રથમ ગણધર તીર્થ છે.” તીર્થ ઉત્પન્ન થયે છતે તીર્થની વિદ્યમાનતામાં જે સિદ્ધ થાય તે તીર્થ સિદ્ધ.
અતીર્થસિદ્ધ– અતીર્થમાં સિદ્ધ તે અતીર્થસિદ્ધ, અર્થાત્ તીર્થના આંતરામાં સિદ્ધ થયેલા. સંભળાય છે કે સુવિધિનાથ ભગવાનથી આરંભી શાંતિનાથ ભગવાન સુધી વચ્ચે તીર્થનો વિચ્છેદ થયો. સામાન્યથી એક તીર્થંકરનું તીર્થ ચાલતું હોય અને બીજા તીર્થંકરના તીર્થની સ્થાપના થઈ જાય. આમ વચ્ચે તીર્થનો ( ચાર પ્રકારના સંઘનો) વિચ્છેદ ન થાય. પણ આ અવસર્પિણીમાં સુવિધિનાથના તીર્થનો વિચ્છેદ થયા પછી શીતલનાથ ભગવાને તીર્થ સ્થાપના કરી. આમ આઠ તીર્થકરોના સાત આંતરામાં તીર્થનો વિચ્છેદ થયો. તીર્થવિચ્છેદમાં પણ જાતિસ્મરણ આદિથી મોક્ષમાર્ગની આરાધના કરીને સિદ્ધ થાય.
અથવા મરુદેવી વગેરે અતીર્થ છે. કેમ કે તે વખતે તીર્થ ઉત્પન્ન થયું ન હતું. તીર્થકર સિદ્ધ– તીર્થકરો જ તીર્થકર સિદ્ધ છે. અતીર્થકર સિદ્ધ-તીર્થકર સિવાયના સામાન્ય કેવળીઓ અતીર્થકર સિદ્ધ છે. સ્વયંબુદ્ધ સિદ્ધ– સ્વયંબુદ્ધ થયા છતાં જે સિદ્ધ થાય તે સ્વયંબુદ્ધ સિદ્ધ. પ્રત્યેકબુદ્ધસિદ્ધ-પ્રત્યેકબુદ્ધ થયા છતાં જે સિદ્ધ થાય તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ. પ્રશ્ન– સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શો ભેદ છે ?
ઉત્તર- બોધિ, ઉપધિ, શ્રત અને લિંગથી કરાયેલ ભેદ છે. તે આ પ્રમાણે– સ્વયંબુદ્ધો બાહ્ય નિમિત્ત વિના જ બોધ પામે છે. પ્રત્યેક બુદ્ધો બાહ્ય નિમિત્ત વિના બોધ પામતા નથી. કરકંડૂ આદિ પ્રત્યેક બુદ્ધોની બોધિ વૃષભ વગેરે બાહ્ય નિમિત્તની અપેક્ષાવાળી સંભળાય છે.