________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૫૪
એક અર્થ— જેનો ઉદય અટકી ગયો છે તે ઉપશાંત. બીજો અર્થ— જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તે ઉપશાંત. જેનો ઉદય અટકી ગયો છે તેવું ઉપશાંત એટલે બાકી રહેલું (=સત્તામાં પડેલું) મિથ્યાત્વ. જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તેવું ઉપશાંત એટલે મદન-કોદ્રવના દૃષ્ટાંતથી ત્રણ પુંજના ન્યાયથી શુદ્ધ કરેલું (સમ્યક્ત્વ મોહનીયરૂપ) સમ્યક્ત્વ જ જાણવું. (અહીં મિથ્યાત્વના રસનો ઉપશમ છે.)
પ્રશ્ન અહીં જેનો ઉદય અટકી ગયો છે તે મિથ્યાત્વના ઉદયનો અભાવ યુક્ત છે, પણ સમ્યક્ત્વના ઉદયનો અભાવ યુક્ત નથી. કારણ કે તે વેદાઇ રહ્યું છે.
ઉત્તર– તમે કહ્યું તે સાચું છે. પણ સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો હોવાના કારણે સ્વરૂપથી ઉદયનો અભાવ હોવાથી ઉપચારથી સમ્યક્ત્વના પણ ઉદયનો અભાવ ગણાય. અથવા મિથ્યાત્વના જ ઉદયનો અભાવ ઘટે છે. સમ્યક્ત્વના ઉદયનો અભાવ નહિ.
પ્રશ્ન– મિથ્યાત્વના ઉદયનો અભાવ કેવી રીતે ઘટે છે ?
ઉત્તર– મૂળ ગાથામાં રહેલા અનુવીન્દ્ર પદથી મિથ્યાત્વ ગ્રહણ કરવું, ઉપશાન્ત પદથી સમ્યક્ત્વનું ગ્રહણ કરવું. ભાવાર્થ પૂર્વની જેમ જ છે.
(પ્રથમ અર્થમાં જે અનુરીત્ત્ત છે તે ઉપશાન્ત છે એવો અર્થ કર્યો હતો. બીજા અર્થમાં અનુવીન્ અને પશાન્ત એવો અર્થ છે. ભાવાર્થ તો બંનેમાં સમાન છે. પ્રથમ યોજનામાં જે મિથ્યાત્વ અનુદીર્ણ છે તે ઉપશાંત (=તેનો ઉદય અટકાવેલો) છે. બીજી યોજનામાં અનુદીર્ણ (=ઉદયમાં નહિ આવેલ) અને ઉપશાંત (=જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે અને સમ્યક્ત્વ મોહનીયરૂપે વેદાઇ રહેલ) છે. બંને યોજનામાં મિથ્યાત્વ પ્રદેશોદયથી ભોગવાઇ રહેલ છે. ભોગવાઇને ક્ષય પામે છે.)
મિશ્રભાવરૂપે પરિણમેલું એટલે ક્ષય અને ઉપશમ ભાવને પામેલું. વેદાઇ રહ્યું છે એટલે અનુભવમાં આવી રહ્યું છે. વર્તમાનમાં જે વેદાઇ રહ્યું છે તે પ્રદેશાનુભવથી મિથ્યાત્વ છે અને વિપાકથી સમ્યક્ત્વ છે. આ પ્રમાણે આ સમ્યક્ત્વ ક્ષય અને ઉપશમથી થયેલું હોવાથી ક્ષાયોપમિક છે.
(અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– જીવ ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પામે છે ત્યારે પહેલાં દર્શન મોહનીયના કર્માણુઓમાંથી કેટલાક કર્માણુઓને શુદ્ધ (=રસ રહિત) કરે છે, કેટલાક કર્માણુઓને અર્ધ શુદ્ધ કરે છે અને કેટલાક કર્માણુઓ અશુદ્ધ જ રહે છે, એટલે કે પૂર્વે જેવા હતા તેવા જ રહે છે.