________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ / સમાધિપાદ | સૂત્ર-૧૦
તે પણ=તત્ત્વ પણ, જડ અને ચેતનના ભેદથી બે પ્રકારના છે.
33
જડતત્ત્વો ચોવીશ છે, અજડ-ચેતન પુરુષ છે. ત્યાં=ભાવ્યના વિષયમાં, જ્યારે સ્થૂલ એવા મહાભૂત અને ઇન્દ્રિયો વિષયપણાથી ગ્રહણ કરીને પૂર્વ-અપર અનુસંધાનથી શબ્દાર્થના ઉલ્લેખના સંભેદથી ભાવના કરાય છે ત્યારે સવિતર્ક સમાધિ પ્રાપ્ત થાય છે.
આ જ આલંબનમાં=સવિતર્કસમાધિના વિષયભૂત સ્થૂલ એવા મહાભૂત અને ઇન્દ્રિયોરૂપ આલંબનમાં, પૂર્વ-અપર અનુસંધાન અને શબ્દોલ્લેખ શૂન્યપણાથી જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે નિવિતર્કસમાધિ છે.
પાંચ તન્માત્રા અને અંત:કરણરૂપ સૂક્ષ્મવિષને આલંબન કરીને તેના–તન્માત્રાદિરૂપ સૂક્ષ્મ વિષયના, દેશ, કાળ અને ધર્મના અવચ્છેદથી જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે સવિચારસમાધિ છે.
તે જ આલંબનમાં=સવિચાર સમાધિના વિષયભૂત એવા પાંચ તન્માત્રા અને અંત:કરણરૂપ આલંબનમાં, દેશ, કાળ અને ધર્મના અવચ્છેદ વગર ધર્મીમાત્રના અવભાસપણાથી કરાતી એવી ભાવના નિવિચારસમાધિ એ પ્રમાણે હેવાય છે.
અહીં સુધીની સમાધિ=ઉપરોક્ત સવિતર્કાદિ ચાર સમાધિ બતાવી તે ચાર સમાધિ, ગ્રાહાસમાપતિ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે.
ભાવાર્થ :
સંપ્રજ્ઞાતસમાધિનું સ્વરૂપ :
સંપ્રજ્ઞાતસમાધિનો અર્થ કરતાં કહે છે ‘સંપ્રજ્ઞાત’ શબ્દમાં ‘સમ્ય' શબ્દ છે તે સંશય અને વિપર્યયથી રહિત એવા બોધને બતાવનાર છે. ‘પ્ર’ શબ્દનો અર્થ પ્રકર્ષને બતાવનાર છે અને ‘જ્ઞાત’ શબ્દ છે તે ભાવ્યનું સ્વરૂપ જેનાથી જ્ઞાત થાય છે તે ઉપયોગને બતાવનાર છે. તેથી એ પ્રાપ્ત થાય કે, સંશય અને વિપર્યયથી રહિત પ્રકર્ષથી ભાવ્યનું સ્વરૂપ જે ઉપયોગથી જ્ઞાત થાય છે તે સંપ્રજ્ઞાતસમાધિ છે અને તે સંપ્રજ્ઞાતસમાધિ ભાવ્યના સ્વરૂપના ભાવનને અનુકૂળ એવી ભાવનાવિશેષરૂપ છે અને તે સંપ્રજ્ઞાતસમાધિ પાતંજલમતાનુસાર ચાર પ્રકારની છે.
-
પાતંજલમતાનુસાર સંપ્રજ્ઞાતસમાધિના ચાર ભેદોનું સ્વરૂપ :
(૧) સવિતર્કસમાધિ, (૨) સવિચારસમાધિ, (૩) સાનંદસમાધિ અને (૪) સાસ્મિતસમાધિ. આ ચાર સમાધિમાં જે ભાવનાવિશેષ કરાય છે તે ભાવના શું છે તે સ્પષ્ટ કરતાં કહે છે - ભાવનાનું સ્વરૂપ :
ભાવ્યપદાર્થોનું વિષયાંતરના પરિહારપૂર્વક ફરી ફરી ચિત્તમાં સ્થાપન થવું તે ભાવના છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, ભાવ્યના સ્વરૂપમાં અત્યંત ઉપયુક્ત થઈને પ્રવર્તતું ચિત્ત તે ભાવના છે અને તે ભાવના સમાધિરૂપ છે અને તેના ઉપરમાં બતાવ્યા તે સવિતર્કાદિ ચાર ભેદો છે. ભાવનાના વિષયભૂત એવા ભાવ્યનું સ્વરૂપ બતાવે છે –