________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૦-૩૧
૨૨૧
માટે અદત્તાદાનનો પરિહાર પણ અહિંસા મહાવ્રતના અંગભૂત છે, છતાં સાધુને તે મહાવ્રતનો બોધ કરાવવાપૂર્વક અહિંસા મહાવ્રતને અતિશય કરવા અર્થે અદત્તાદાનને અહિંસાથી પૃથક્ ગ્રહણ કરેલ છે.
વળી, બ્રહ્મચર્ય પણ પાંચેય ઇન્દ્રિયના સંયમરૂપ હોવાથી જે સાધુ અપ્રમાદભાવથી ક્ષમાદિની વૃદ્ધિના ઉદ્યમવાળા છે, તેઓ જ પાંચેય ઇન્દ્રિયોના સંવરવાળા છે, માટે બ્રહ્મચર્યનું પાલન કરે છે અને પાંચેય ઇન્દ્રિયોના સંવરમાં પણ વિજાતીય એવા સ્ત્રી આદિ પ્રત્યે રાગ થવાની અત્યંત સંભાવના છે, તેથી વ્યવહારનયથી બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરીને કામવિકારો ન થાય તે પ્રકારે સાધુ યત્ન કરે છે, તે યત્ન પણ પોતાના ભાવપ્રાણના રક્ષણના અંગભૂત છે; કેમ કે એ પ્રકારનો યત્ન સાધુ ન કરે તો કામવિકાર ઉત્થિત થવાને કારણે સાધુ ક્ષમાદિ ભાવોમાં ઉદ્યમવંત રહી શકે નહીં.
વળી, સાધુ સંયમના ઉપકરણ સિવાય કોઈ વસ્તુ રાખતા નથી, કોઈ વસ્તુનો પરિભોગ કરતા નથી, તેથી અપરિગ્રહવ્રતવાળા છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, ભાવપ્રાણના રક્ષણ માટે ઉપકારક હોય તેવા દેહનું પાલન કરે કે વસ્ત્ર-પાત્ર આદિને સાધુ ગ્રહણ કરે તો તે પરિગ્રહ નથી. તે સિવાય દેહનું ધારણ, દેહનું પાલન કે વસ્ત્રપાત્રાદિનું ગ્રહણ કરે તો તે પણ પરિગ્રહરૂપ છે. આ રીતે અપરિગ્રહ મહાવ્રત પણ ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસામાં ઉપખંભક હોવાથી પ્રથમ મહાવ્રતનું અંગ છે.
ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસા પૂર્ણપણે મુનિભાવમાં થાય છે અને તેની નિષ્ઠા યથાખ્યાત ચારિત્રમાં થાય છે અને ભાવપ્રાણનું રક્ષણ સ્થિરપરિણામરૂપે ક્ષાયિક ચારિત્રમાં આવે છે અર્થાત્ બારમાં ગુણસ્થાનકે વીતરાગને પ્રાપ્ત થાય છે અને અંતે જ્યારે કેવલી યોગનિરોધ કરે છે ત્યારે આત્માનો વ્યાપાર આત્મભાવમાં વિશ્રાંત હોવાથી પૂર્ણ અહિંસાનું પાલન થાય છે. II૨-૩૦ll
અવતરણિકા :
एषां विशेषमाह
અવતરણિકાર્ય :
-
પાતંજલયોગસૂત્ર ૨-૩૧માં પાંચ પ્રકારના યમોનું સ્વરૂપ બતાવ્યું, એના વિશેષને કહે છે-પાંચ પ્રકારના યમોના સર્વ અને દેશરૂપ વિશેષને કહે છે
સૂત્ર :
एते जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ॥२-३१॥
સૂત્રાર્થ :
આ=પાંચ પ્રકારના યમો, જાતિ, દેશ, કાળ અને સમયથી અનવચ્છિન્ન સાર્વભૌમ= સર્વક્ષિપ્તાદિ ચિત્ત ભૂમિમાં થનારા, મહાવ્રત છે. I૨-૩૧॥