________________
૨૨૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૦ ઉપકરણોને ધારણ કરે છે અને ધર્મના પ્રયોજનથી તેનો ઉપયોગ કરે છે તે સર્વથા પરિગ્રહ વગરના છે અને તેમના દ્વારા થતો ભોગસાધનોનો અસ્વીકાર તે અપરિગ્રહ નામનો પાંચમો યમ છે. વિશેષાર્થ : જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર અહિંસાદિ ચમોનું સ્વરૂપ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર વ્યવહારનયથી પોતાનાથી ભિન્ન એવા જીવોને પીડા ન થાય, પ્રાણનાશ ન થાય તે પ્રકારની સૂક્ષ્મ યતનાપૂર્વક અન્યના પ્રાણનું રક્ષણ અહિંસા છે; કેમ કે અન્ય જીવોના પ્રાણનો નાશ ન થાય તેને અહિંસા સ્વીકારીએ તો સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો કોઈના પ્રાણનો નાશ કરતા નથી તેથી તેમને અહિંસક સ્વીકારવા પડે. જયારે સાધુમહાત્મા તો છકાયના પાલન વખતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવી જીવોની રક્ષાને અનુકૂળ એવો યત્ન કરે છે અને તે યત્નથી જે જીવોની રક્ષા થાય છે તે અહિંસા મહાવ્રત છે.
વળી, નિશ્ચિયનયથી પર્યાયના પાલનમાં યતનાપરાયણ એવા સાધુ મહાત્મા અંતરંગ રીતે ક્ષમાદિભાવોને અનુકૂળ યત્નવાળા હોય તો અહિંસા મહાવ્રતની પ્રાપ્તિ થાય; કેમ કે પોતાના ભાવ પ્રાણોનું રક્ષણ ક્ષમાદિભાવોની વૃદ્ધિને અનુકૂળ વ્યાપાર દ્વારા અને અઢાર પાપસ્થાનકોના પરિવાર દ્વારા થાય છે, તેથી જે સાધુ અંતરંગ રીતે ક્ષમાદિ દશ પ્રકારના યતિધર્મમાં ઉદ્યમ કરે છે અને સંયમની ક્રિયાઓ પ્રતિદિન પકાયના પાલનને અનુરૂપ ઉચિત વ્યવહારરૂપે કરે છે તેમાં અહિંસા મહાવ્રત છે, આ અહિંસા મહાવ્રત પ્રકર્ષને પામીને વીતરાગતાનું કારણ બને છે, તેથી અહિંસારૂપ યમમાં જ પૂર્ણ યોગમાર્ગનો પ્રવેશ થાય છે, આથી જ સૂક્ષ્મ નયની દૃષ્ટિથી પૂર્ણ અહિંસા યોગનિરોધકાળમાં સ્વીકારી છે.
વળી, પહેલા મહાવ્રતના રક્ષણના અંગરૂપ જ સત્યાદિ ચાર યમો છે; કેમ કે અસત્ય બોલવાથી સાધુનો ઉપયોગ સ્વભાવપ્રાણના રક્ષણને અનુકૂળ વ્યાપારવાળો બનતો નથી, પરંતુ સાવઘપ્રવૃત્તિવાળો બને છે, તેથી સંયમની વૃદ્ધિનું પ્રયોજન ન હોય તો સાધુ બોલતા જ નથી અને સંયમની વૃદ્ધિનું પ્રયોજન હોય કે યોગ્ય જીવોના ઉપકારનું પ્રયોજન હોય તો હિતકારી પરિમિત એવા સત્ય વચનો કહે છે.
વળી, અસ્તેયવ્રતમાં પણ સૂક્ષ્મ યતના જૈનશાસનમાં બતાવેલી છે તે પ્રમાણે જે સાધુભગવંતો અપ્રમાદભાવથી સદા પોતાના ભાવપ્રાણોના રક્ષણ માટે ઉદ્યમ કરે છે તેઓ જ અદત્તાદાનરૂપ અસ્તેયવ્રતનું પાલન કરી શકે છે, કેમ કે ચાર પ્રકારના અદત્તાદાન જૈનશાસનમાં કહેલ છે. જેમાં તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત, જીવ અદત્ત અને સ્વામી અદત્ત એમ ચાર ભેદો બતાવાયા છે, તેથી જે સાધુ નિર્દોષ ભિક્ષાચર્યા કરીને આજીવિકા કરતાં હોય આમ છતાં અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમ ન કરતા હોય તો તેઓને નિર્દોષ પણ આહારગ્રહણની ભગવાને અનુજ્ઞા આપી નથી, તેથી તેઓ નિર્દોષ આહારગ્રહણ કરે કે, નિર્દોષ વસ્તી ગ્રહણ કરે તોપણ તીર્થકર અદત્તની તેમને પ્રાપ્તિ છે.