________________
૨૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી સંયોગને કારણે ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ થાય તોપણ તે મહાત્મામાં તે પ્રાપ્તિ પ્રયુક્ત રાગ-દ્વેષરૂપ ફળનું અનુપધાન છે=રાગ-દ્વેષરૂપ ફળ તેમનામાં પ્રગટ થતું નથી.
વળી આ રાગ-દ્વેષરૂપ ફળ તે મહાત્મા વ્યુત્થાનદશામાં હોય ત્યારે પણ થતું નથી અને ધ્યાનદશામાં હોય ત્યારે પણ થતું નથી, તેથી જ્યારે તે મહાત્મા વ્યુત્થાનદશામાં હોય ત્યારે ઇન્દ્રિયો સાથે વિષયોનો સંપર્ક થાય તોપણ ઇન્દ્રિયોનો વિષયમાં સંશ્લેષ થતો નથી અને ધ્યાનદશામાં હોય ત્યારે ઇન્દ્રિયોની સન્મુખ વિષયો આવે તોપણ તે વિષયોને ઇન્દ્રિયો ગ્રહણ કરતી નથી; કેમ કે તે મહાત્માનું ચિત્ત શુદ્ધ આત્માના સ્વરૂપના આવિર્ભાવના વ્યાપારવાળું છે, તેથી ઇન્દ્રિયોથી દેખાતા પદાર્થમાં બોધના વ્યાપારવાળું નથી.
જે યોગીઓને વસ્તુ સ્વભાવની ભાવના આ પ્રકારે સ્થિર થયેલી છે, તેથી વ્યુત્થાનદશામાં હોય કે ધ્યાનદશામાં હોય તોપણ ઇન્દ્રિયોના વિષયમાં રાગ-દ્વેષનો પરિણામ તેમને સ્પર્શતો નથી, પરંતુ ઇન્દ્રિયોના વિષયના સંપર્કકાળમાં કે અસંપર્કકાળમાં તે મહાત્મા પોતાના અસંગપરિણામને ધારણ કરે છે તે પ્રકારનો ઇન્દ્રિયોનો પ૨મજય જૈનદર્શનકાર સ્વીકારે છે.
અહીં પાતંજલદર્શનકાર કહે છે કે, ઇન્દ્રિયો વિષય તરફ લઈ જવામાં આવે તોપણ વિષયમાં જતી નથી તે ઇન્દ્રિયજય છે તે કથન સર્વથા સંગત નથી, ફક્ત ઇન્દ્રિયજયવાળા યોગીના ચિત્તમાં તે પ્રકારની ઉત્સુકતા નહિ હોવાથી તેઓ પોતાની ઇન્દ્રિયોને વિષય ગ્રહણ કરવામાં પ્રવર્તાવતા નથી આમ છતાં ઇન્દ્રિયોના વિષયો વ્યુત્થાનદશામાં સહસા પ્રાપ્ત થાય તોપણ તે મહાત્માનું ચિત્ત વિષયોમાં સંશ્લેષ પામતું નથી તે ઇન્દ્રિયજય છે. આ પ્રકારનો ઇન્દ્રિયજયનો અર્થ કરવા માટે આચારાંગસૂત્રમાં શીતોષ્ણીય અધ્યયન છે=આત્માને ઉપશમભાવની શીતળતા અને કષાયભાવની ઉષ્ણતાને બતાવનારું જે શીતોષ્ણીય અધ્યયન છે, તેની પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાક્ષી આપે છે -
-
શીતોષ્ણીય અધ્યયનમાં કહ્યું છે કે, જે યોગીને શબ્દ, રૂપ આદિ ઇન્દ્રિયોના વિષયો અભિસમન્વાગત છે તે આત્મવાન આદિ છે. આનાથી એ ફલિત થાય છે કે, જે યોગીઓને ઇન્દ્રિયોના વિષયોને ગ્રહણ કરવાનો અભિમુખભાવ નથી અને વિષયો ઇન્દ્રિયોને સન્મુખ આવીને પ્રાપ્ત થાય ત્યારે લેશ પણ સંશ્લેષ થતો નથી તેઓ આત્મવાન વગેરે છે.
જેમ – સંયમમાં સ્થિત પરિણામવાળા મુનિઓ આહાર વાપરે છે ત્યારે રસનેન્દ્રિય સાથે આહારના પુદ્ગલનો સંસર્ગ થાય છે તોપણ તે મહાત્માને ઇન્દ્રિયો અભિસમન્વાગત હોવાથી આહારના ઇષ્ટ પદાર્થોમાં રાગ કે અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ થતો નથી પરંતુ આહારસંજ્ઞાના સ્પર્શ વગર સંયમના પરિણામની વૃદ્ધિ થાય તે પ્રકારે સંયમના અંગભૂત આહારક્રિયા કરે છે, આથી જ આહાર વાપરતા વાપરતા પણ કેટલાય મહાત્માઓ કેવલજ્ઞાનને પામ્યા છે તેથી ઇન્દ્રિયોના વિષયો પ્રત્યેનો સંશ્લેષનો અભાવ તે ઇન્દ્રિયજય છે અને જે મહાત્માઓને ઇન્દ્રિયો અભિસમન્વાગત પ્રાપ્ત થઈ હોય તે મહાત્માને વિષયોમાં સંશ્લેષ થતો નથી.