________________
૧૫૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી છે તેથી જન્મની બીજી, ત્રીજી આદિ ક્ષણોને પણ તે પ્રકારે સ્વીકારવાની આપત્તિ છે અર્થાત્ જન્મની પ્રથમ ક્ષણ આયુષ્યની પ્રાપ્તિ દ્વારા પૂર્વકનો વિપાક છે તેમ નવા જન્મની બીજી, ત્રીજી આદિ જેટલી ક્ષણો છે તે સર્વ પણ ક્ષણો આયુષ્યની પ્રાપ્તિ દ્વારા પૂર્વકનો વિપાક છે, તેથી આયુષ્યથી જ જન્મનો ઉપસંગ્રહ થાય છે માટે આયુષ્યથી અતિરિક્ત જન્મરૂપ જાતિને સ્વીકારવી ઉચિત નથી માટે પાતંજલદર્શનકારે જેને જાતિ કહેલ છે અર્થાત્ જન્મ અર્થમાં જે જાતિ કહેલ છે તે જૈનદર્શનકારને અભિમત ગતિ, જાતિ આદિ નામકર્મકૃત જીવના પર્યાયનું ઉપલક્ષણ છે સંસારી જીવોને ગતિ, જાતિ આદિ નામકર્મકૃત જે જીવપર્યાયની પ્રાપ્તિ છે, તેને જણાવનાર જન્મપદ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જન્મપદથી ગતિ, જાતિ આદિ નામકર્મના પર્યાયનું ગ્રહણ છે અને આયુષ્યકર્મના બળથી જીવને નવા જન્મની પ્રાપ્તિ થાય છે, તેથી જે આયુષ્યકર્મ જીવે બાંધ્યું હોય તે પ્રમાણે તેને તે જન્મની પ્રાપ્તિ થાય છે માટે આયુષ્યથી અતિરિક્ત જન્મનું કારણ કોઈ કર્મ નથી, તેથી પાતંજલદર્શનકારે જાતિ પદથી ગતિ, જાતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનું ગ્રહણ કરવું
જોઈએ.
ગતિ-જાતિ આદિ ભોગરૂપ કાર્ય પ્રત્યે નામકર્મની પ્રકૃતિઓનું પૃથક પૃથક કારણપણું ન સ્વીકારીએ અને એકકારણરૂપે સ્વીકારી તો પાતંજલદર્શનકારને સંકરદોષની પ્રાપ્તિ :
અહીં પ્રશ્ન થાય છે કે જન્મશબ્દથી ગતિ, જાતિ આદિ નામકર્મકૃત જીવના પર્યાયને ગ્રહણ કરીએ તોપણ તે ગતિ, જાતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનું પૃથક પૃથક્ કારણપણું ન સ્વીકારીએ પરંતુ ગતિ, જાતિ આદિના ભોગરૂપ કાર્ય પ્રત્યે તે સર્વને એકકારણરૂપે સ્વીકારીએ તો અનેક પ્રકૃતિ માનવાનો પ્રસંગ આવે નહિ તેથી કહે છે –
ગતિ-જાતિ આદિ ભોગવરૂપ કાર્ય પ્રત્યે ગતિ-જાતિ આદિ નામકર્મની પ્રકૃતિઓનું પૃથક પૃથક કારણપણું અવશ્ય સ્વીકારવું જોઈએ અને તેવું ન સ્વીકારીએ તો સંકર દોષની આપત્તિ આવે અર્થાત્ એક કર્મથી પરસ્પર સંકીર્ણ અનેક કાર્યો થાય છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે.
વસ્તુતઃ જીવમાં જેટલા કાર્યો થાય છે તે સર્વ કાર્યો પ્રત્યે તે તે કાર્યને અનુકૂળ પૃથક પૃથક કર્મ સ્વીકારવું ઉચિત જણાય છે, તેથી ગતિના ભોગરૂપ કાર્ય પ્રત્યે ગતિનામકર્મ કારણ છે, જાતિના ભોગરૂપ કાર્ય પ્રત્યે જાતિનામકર્મ કારણ છે, શરીરના ભોગરૂપ પ્રત્યે શરીરનામકર્મ કારણ છે, તેમ સ્વીકારવું ઉચિત છે. ચાર પ્રકારના જીવનપર્યાયનું કારણ આયુષ્યકર્મ પણ ચાર પ્રકારે પાતંજલદર્શનકારને સ્વીકારવું ઉચિત :
વળી આયુષ્ય પણ મનુષ્યાદિના ભેદથી મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકના ભેદથી, જીવનપર્યાયરૂપ ચાર પ્રકારે અનુભવાય છે, તેથી તે ચાર પ્રકારના જીવનપર્યાયનું જનક કારણ, આયુષ્યકર્મ પણ ચાર પ્રકારનું અવશ્ય સ્વીકારવું જોઈએ.