________________
૧૬૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
જેમણે ભગવાનના પ્રવચનના રહસ્યને જાણ્યું છે તેમને તે તે કાર્ય પ્રત્યે તે તે કર્મને કારણ સ્વીકારવામાં બાધ દેખાતો નથી અને ફળપ્રચય પ્રત્યે કર્મપ્રચય કારણ છે તેમ સ્વીકારવામાં અનન્યગતિપણું દેખાતું નથી. કઈ રીતે ભગવાનના વચનાનુસાર બોધવાળાને કર્મપ્રચય અને ફળપ્રચય પ્રત્યે કાર્ય-કારણભાવ માનવામાં અનન્યગતિપણું દેખાતું નથી તે તથાદિથી સ્પષ્ટ કરે છે. પૂર્વજન્મમાં બંધાયેલા એક જ આયુષ્યકર્મ દ્વારા પ્રાયણથી લબ્ધવિપાકવાળા જન્મની નિષ્પત્તિ :
પૂર્વના ભવમાં બંધાયેલું એક જ આયુષ્યકર્મ પ્રાયણથી લબ્ધવિપાકવાળા જન્મને નિષ્પન્ન કરે છે.
આશય એ છે કે, ભગવાનના વચનાનુસાર જીવો આયુષ્યકર્મ, જીવનમાં એક જ વખત બાંધે છે અને તે આયુષ્યકર્મ પૂર્વજન્મમાં જીવે બાંધેલું છે અને પૂર્વભવમાં બંધાયેલું આયુષ્ય કર્મ આ ભવના પ્રાયણથી લબ્ધ એવા=વર્તમાનભવના દેહના ત્યાગથી પ્રાપ્ત થયેલા એવા, વિપાકવાળા જન્મને નિષ્પન્ન કરે છે.
આનાથી એ ફલિત થાય છે કે, પૂર્વભવમાં જે જીવે જે પ્રકારનું આયુષ્યકર્મ બાંધ્યું તે પ્રકારના આયુષ્યકર્મને કારણે મૃત્યુ પછી તે પ્રકારનો જન્મ તેમને પ્રાપ્ત થાય છે અને તે જન્મ જ તે ભવની મર્યાદામાં ફળ આપે તેવા સર્વકનો નિયતા છે, આથી જ ભગવાનના પ્રવચનમાં કહેલ છે કે, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયીને કર્મના ક્ષય, ક્ષયોપશમ, ઉદય આદિ થાય છે, તેથી જે જીવોએ જે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે ભવનું આયુષ્ય તેમને પ્રાપ્ત થાય છે, અને તે આયુષ્ય અનુસાર અન્ય કર્મો વિપાકમાં આવે છે, તેથી મનુષ્યજન્મમાં કોઈને દેવભવ જેવું દીર્ઘ આયુષ્ય કે દેવભવ જેવા ભોગો પ્રાપ્ત થતાં નથી તેનું નિયંત્રણ મનુષ્ય આયુષ્ય કરે છે, છતાં મનુષ્યભવમાં જે જે પ્રકારના કાર્યો થાય છે તે સર્વ કાર્યોમાંથી તે તે કાર્ય પ્રત્યે તે તે પ્રકારનું કર્મ કારણ છે, પરંતુ પૂર્વભવમાં બંધાયેલું કર્મપ્રચય ઉત્તરના ફળપ્રચય પ્રત્યે કારણ છે, તેમ સ્વીકારવાની આવશ્યક્તા નથી. આયુષ્ય સિવાયના કેટલાક તે જન્મમાં નિયતવિપાકવાળા, કેટલાક જુદા જુદા જન્મમાં નિયત વિપાકવાળા તો કેટલાક અનિયતવિપાકવાળા અન્ય કર્મોનું સ્વરૂપ : (૧) તે જન્મમાં નિયતવિપાકવાળા અન્ય કર્મોનું સ્વરૂપ :
ઉપરમાં જણાવ્યું એ રીતે પૂર્વભવમાં બંધાયેલું આયુષ્યકર્મ વિપાકમાં આવે છે ત્યારે અન્ય કર્મોમાંથી કેટલાક કર્મો તે જન્મમાં નિયતવિપાકવાળા હોય છે તેથી જે આયુષ્કયકર્મ બંધાયું હોય તે આયુષ્યકર્મને અનુરૂપ નિયતવિપાકવાળા હોય છે, તેથી કોઈએ મનુષ્ય આયુષ્ય બાંધેલું હોય તો તે જીવને મનુષ્યભવમાં સંભવી શકે તેવો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, પરંતુ દેવભવમાં સંભવી શકે તેવો જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ થતો નથી. વળી મનુષ્યભવમાં સંભવી શકે તેવો લાભાંતરાય આદિ કર્મનો ક્ષયોપશમ હોય છે, તેથી મનુષ્યભવની મર્યાદા પ્રમાણે ભોગાદિની પ્રાપ્તિ થાય છે, પરંતુ દેવભવ જેવી ભોગાદિની સામગ્રી પ્રાપ્ત થતી નથી.