________________
૨૦૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૨૦-૨૧ ધર્મ છે તેમ માનવું પડે. વસ્તુતઃ ચેતનારૂપ જ આત્મા છે તેમ પાતંજલદર્શનકાર કહે છે અને તે આત્મા શુદ્ધ છે અર્થાત્ પરિણામિત્વાદિ ભાવરૂપે પરિણમન પામતો નથી પરંતુ પોતાનામાં પ્રતિષ્ઠ છે અને આત્મા પોતાનામાં સ્વપ્રતિષ્ઠ છે છતાં પણ પ્રત્યયને જોનારો છે.
પ્રત્યય શું છે તે રાજમાર્તંડકાર ટીકામાં સ્પષ્ટ કરે છે
વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનો પ્રત્યયો છે અને તે જ્ઞાનોનો અનુપશ્ય આત્મા છે=અવ્યવધાનથી જોનારો, આત્મા છે.
વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનોને કઈ રીતે અવ્યવધાનથી આત્મા જુએ છે તે સ્પષ્ટ કરે છે – પ્રતિસંક્રમાદિ અભાવથી જોનારો છે.
―
આનાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરે છે
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ જ્યારે બાહ્ય પદાર્થોરૂપ વિષયોને ગ્રહણ કરે છે ત્યારે તે બુદ્ધિ વિષયોના ઉપરાગવાળી બને છે અને તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી બુદ્ધિમાં પોતાનું પ્રતિબિંબ પડે છે તે પ્રકારનું પુરુષને સંનિધાન માત્ર છે તે અપેક્ષાએ પુરુષ વિષયોથી ઉપરક્ત જ્ઞાનોને જુએ છે તેમ કહ્યું છે, પરંતુ જે રીતે બુદ્ધિ વિષયોને ગ્રહણ કરે છે તેમ પુરુષ તે વિષયોથી ઉપરક્ત જ્ઞાનોને પોતાનામાં પ્રતિસંક્રાન્ત કરતો નથી.
આશય એ છે કે, સ્ફટિકની સામે પદ્મરાગાદિ ઉપાધિ મૂકવામાં આવે ત્યારે તે પદ્મરાગાદિ ઉપાધિથી સ્ફટિક વિક્રિયાને પામે છે, અર્થાત્ રક્તાદિ ભાવવાળું થાય છે. પરંતુ પદ્મરાગાદિ ઉપાધિ વિક્રિયાને પામતી નથી અર્થાત્ પદ્મરાગાદિ પોતાના રક્તાદિ ભાવોને છોડીને અન્યભાવને પામતાં નથી. તેમ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષ સંક્રમ પામે છે ત્યારે બુદ્ધિ વિક્રિયાને પામે છે તેથી બુદ્ધિને થાય છે કે ‘હું ચેતન છું’ પરંતુ જેમ પદ્મરાગાદિ ઉપાધિ વિક્રિયાને પામતી નથી તેમ પુરુષ પણ વિક્રિયાને પામતો નથી, આમ છતાં બુદ્ધિ વિષયોનું જ્ઞાન કરે છે તે સ્થાનમાં બુદ્ધિથી થતા વિષયોના જ્ઞાનમાં બુદ્ધિની સાથે સંનિધાનવાળો પુરુષ તે જ્ઞાનો કરે છે તેમ ઉપચારથી કહેવાય છે.
વસ્તુતઃ પુરુષ તે તે જ્ઞાનોને કરે તો તે તે જ્ઞાનોરૂપ ભાવો પુરુષમાં પ્રતિસંક્રમ પામે અને તેમ સ્વીકારીએ તો પુરુષ પોતે કૂટસ્થ નિત્ય રહે નહીં અને પાતંજલમત પ્રમાણે પુરુષ કૂટસ્થ નિત્ય છે, તેથી વિષયોથી ઉપરક્ત એવા જ્ઞાનો પુરુષમાં પ્રતિસંક્રમાદિ થતા નથી માત્ર બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે તે પ્રકારે પુરુષનું સંનિધાન છે અર્થાત્ જેમ તળાવમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તે પ્રકારે ચંદ્રનું આકાશના સંનિધાન છે. તેમ પુરુષનું સંનિધાન છે એટલા માત્રથી પુરુષને દ્રષ્ટા કહેવાય છે. ||૨-૨૦ અવતરણિકા :
स एव भोक्तेत्याह
અવતરણિકાર્ય :
પાતંજલયોગસૂત્ર ૨-૨૦માં ઉપાદેય એવા પુરુષને દ્રષ્ટા કહ્યો, તે —ઉપાદેય એવો પુરુષ જ, ભોક્તા છે તે બતાવવા અર્થે ક્યે છે –