________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ભવોપગ્રાહી કર્મની અપેક્ષાએ જ યુક્ત છે, અન્ય રીતે યુક્ત નથી. તેથી એ પ્રાપ્ત થાય છે કે, આયુષ્યકર્મરૂપ ભવોપગ્રાહી કર્મથી આખા ભવમાં તે આયુષ્યને અનુરૂપ સર્વ કર્મો વિપાકમાં આવે છે અને આ રીતે એકભવિકપણાની સંગતિ કરવામાં આવે તો કોઈક જીવને સાત જન્મ સુધી બ્રાહ્મણપણાના જન્મને આપનાર કર્મના વિપાકની સંગતિ કઈ રીતે થઈ શકે ? અર્થાત્ ન થઈ શકે; કેમ કે આયુષ્યકર્મરૂપ ભવોપગ્રાહી કર્મ તો એક ભવના ફળની મર્યાદા નક્કી કરે છે, તેથી સાત ભવના ફળની મર્યાદા તેનાથી સ્વીકારી શકાય નહીં. તેના સમાધાનરૂપે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે
૧૦૨
ભવોપગ્રાહીકર્મનું પણ આયુષ્યરૂપ એકભવિકપણું હોવા છતાં જૈનસિદ્ધાંતાનુસાર સ્વકાયસ્થિતિની અપેક્ષાએ સપ્તજન્મવિપ્રત્વપ્રદકર્મવિપાકની સંગતિ :
જૈનસિદ્ધાંત અનુસાર દેવ, નારકના એક જ ભવનું ગ્રહણ છે, પંચેન્દ્રિયતિર્યંચ અને મનુષ્યના સતત પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યરૂપે સાત કે આઠ ભવોનું ગ્રહણ છે અને પૃથ્વીકાયાદિની અસંખ્ય ભવોરૂપ કાયસ્થિતિ છે અર્થાત્ અસંખ્ય ભવો સુધી પૃથ્વીદાયાદિના ભવોની ફરી ફરી પ્રાપ્તિ થાય છે ઇત્યાદિ સિદ્ધાંતમાં કહેલા કર્મથી વિચારીએ તો સાત ભવમાં બ્રાહ્મણપણાને આપનારા કર્મની સંગતિ અમારા મતમાં=જૈનદર્શનના મતમાં, થઈ શકે છે; કેમ કે તેવા તેવા પ્રકારના ગતિ, જાતિ આદિ નામકર્માદિના સંચયથી યુક્ત તેવા પ્રકારના નવા નવા આયુષ્યની પરંપરાનો અનુબંધ એક જીવ કરી શકે છે, તેથી આયુષ્યરૂપ ભવોપગ્રાહી કર્મથી સાત ભવ સુધી બ્રાહ્મણપણાની પ્રાપ્તિ થતી નથી તોપણ એક જીવ ફરી ફરી બ્રાહ્મણભવને અનુકૂળ કર્મો બાંધીને સાત ભવો સુધી બ્રાહ્મણ થઈ શકે છે.
એક જ જન્મમાં સાત જન્મ સુધી ભોગકર્મની આપત્તિની પ્રાપ્તિ પાતંજલદર્શનકારને આવે છે તેના નિવારણ માટે એક જન્મના તેવા કર્મપ્રચયનો સંચય પ્રાયણસપ્તક દ્વારા વિપાકમાં આવે છે અથવા તો ગીતાની સ્મૃતિના વચન દ્વારા તે કર્મ સાત જન્મ સુધી બ્રાહ્મણપણાનું ઉત્પાદક બને છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે તો તેનું પૂ. ઉપાધ્યાય મ. દ્વારા નિરાકરણ :
પાતંજલદર્શનકાર ભોજમતાનુસાર પૂર્વજન્મના જ ભવના બંધાયેલા કર્મોનો સમૂહ ઉત્તરના ભવના ફળના સમૂહને આપે છે એમ કહીને એક ભવિક કર્માશય સ્વીકારે છે તે સંગત નથી તેમ સ્થાપન કરીને આખા ભવના કર્મની સંગતિ ભવોપગ્રાહી કર્મના સ્વીકારથી પૂજ્ય ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે કરી ત્યાં પાતંજલદર્શનકાર કહે છે કે જૈનસિદ્ધાંત અનુસાર ભવોપગ્રાહી કર્મ એક જ ભવનું નિયંત્રણ કરનાર હોય તો કોઈને સાત જન્મો સુધી બ્રાહ્મણપણાની પ્રાપ્તિ થાય છે તેની સંગતિ થશે નહીં. તેનું સમાધાન પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે કર્યું કે, જૈનસિદ્ધાંત અનુસાર કોઈ જીવ બ્રાહ્મણના ભવમાં હોય અને ફરી તત્સદશ તેવું બ્રાહ્મણભવનું આયુષ્ય બાંધે તો તત્સદશ આયુષ્યની પરંપરા દ્વારા સાત ભવ સુધી બ્રાહ્મણપણાની સંગતિ થઈ શકે છે.