________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૧૩ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વસ્તુતઃ ઘટ પ્રત્યે દંડ કારણ છે અને પટ પ્રત્યે વેમા કારણ છે, તેથી તે તે કાર્ય પ્રત્યે તે તે વસ્તુ કારણ છે તેમ સ્વીકારવું જોઈએ. તે રીતે ઉત્તરભવમાં જે જે પ્રકારના કાર્યો થાય છે, તે તે કાર્યો પ્રત્યે તે તે કર્મો કારણ છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ વ્યાસઋષિ કહે છે તેમ પૂર્વભવમાં સંચિત કરાયેલો કર્મપ્રચય સામાન્યથી ઉત્તરભવના ફળ પ્રત્યય પ્રત્યે કારણ છે તે પ્રકારે સામાન્ય કાર્યકારણભાવ માનવો ઉચિત નથી.
૧૬૪
ઉપરોક્ત કથનમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું કે, પૂર્વભવમાં બંધાયેલું કર્મપ્રચય ઉત્તરભવના ફળ પ્રત્યે કારણ છે, તેવો કાર્ય-કારણભાવ સ્વીકારવામાં આવે તો ઘટ-પટાદિ કાર્યના સમૂહ પ્રત્યે દંડ-વેમાદિ કારણોનો સમૂહ કારણ છે તેમ સ્વીકારવાની આપત્તિ આવે ત્યાં પૂર્વપક્ષી એવા વ્યાસઋષિ કહે છે –
અનન્યગતિપણું હોવાથી કર્મફળના ભોગસ્થળમાં કર્મપ્રચય અને ફળપ્રચય પ્રત્યે કાર્યકારણભાવનો સ્વીકાર થાય છે પરંતુ ઘટ-પટાદિ કાર્યસ્થળમાં ઘટ-પટાદિ કાર્યપ્રચય પ્રત્યે દંડ-વેમાદિ કારણપ્રચયને હેતુરૂપે સ્વીકારતો નથી એ પ્રમાણે વ્યાસમુનિ કહે છે :
કર્મના ભોગસ્થળમાં બીજી કોઈ ગતિ નથી, માટે તે સ્થળમાં જ આ રીતે કલ્પના કરાય છે, પરંતુ અન્યત્ર ઘટ-પટાદિ કાર્ય પ્રચય સ્થળમાં સર્વકાર્યના કારણપ્રચયને હેતુ તરીકે સ્વીકારતો નથી.
વ્યાસઋષિનો આશય એ છે કે, મનુષ્યભવમાં દરેક જીવોને દેવભવ જેવા કે નરકભવ જેવા કર્મો વિપાકમાં આવતા નથી, પરંતુ મનુષ્યભવને અનુરૂપ સંભવિત સારા કે ખરાબ ફળો પ્રાપ્ત થાય છે, તેથી નક્કી થાય છે કે, મનુષ્યભવને પામનારા જીવે પૂર્વભવમાં તે પ્રકારનો જ કર્મપ્રચય બાંધેલ, જેથી ઉત્તરના ભવમાં તે પ્રકારનો ફળપ્રચય પ્રાપ્ત થાય છે અને જો તેમ સ્વીકારવામાં આવે કે, તે કાર્ય પ્રત્યે તે કર્મ કારણ છે અને તે રીતે ભવ દરમ્યાન પ્રાપ્ત થતા તે તે ફળો પ્રત્યે તે તે કર્મો કારણ છે તે પ્રકારનો દરેક ફળ અને દરેક કર્મ વચ્ચે જુદો જુદો કાર્યકારણભાવ સ્વીકારવામા આવે તો કોઈક જીવને મનુષ્યભવમાં પણ દેવભવ જેવા ભોગો અને દેવભવ જેવું દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થવું જોઈએ; કેમ કે બધા જીવો તે પ્રકારના પુણ્યને ન બાંધી શકે તોપણ કોઈક જીવ મનુષ્યજન્મનું કર્મ બાંધે ત્યારે પણ દેવભવ જેવું દીર્ઘ આયુષ્ય કે દેવભવ જેવા દીર્ઘ ભોગો મળે તેવા પ્રકારના કર્મને બાંધી શકે, પરંતુ તેવું જગતમાં દેખાતું નથી તેથી નક્કી થાય છે કે, પૂર્વભવમાં જન્મથી માંડીને મૃત્યુ દરમ્યાન જે કર્મપ્રચય જીવ બાંધે છે તે કર્મપ્રચયને અનુરૂપ ઉત્તરમાં ફળપ્રચય પ્રાપ્ત થાય છે અને તેમ સ્વીકારવાથી કોઈને દેવભવ જેવું ફળ મનુષ્યભવમાં પ્રાપ્ત થતું નથી તે સંગત થાય છે, માટે અન્ય કોઈ ગતિ નહીં હોવાથી કર્મ અને કર્મના ફળના સ્થળમાં આ પ્રકારે કર્મપ્રચય અને ફળપ્રચય પ્રત્યે સામાન્યથી કાર્યકારણભાવની કલ્પના કરાય છે અને અન્યત્ર એવા ઘટ-પટાદિ કાર્ય સ્થળમાં કાર્યપ્રચય પ્રત્યે કારણપ્રચયને કારણરૂપ સ્વીકારાતું નથી પરંતુ ઘટ કાર્ય પ્રત્યે દંડ કારણ છે, પટ કાર્ય પ્રત્યે વેમા કારણ છે તેમ વિશેષથી કાર્ય-કારણભાવ સ્વીકારાય છે.
ઉપરોક્ત વ્યાસઋષિના કથનનો ઉત્તર આપતાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે