________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૨૫ ભાવાર્થ : ઈશ્વરની સિદ્ધિમાં નિરતિશય સર્વજ્ઞપણાનું બીજ પ્રમાણ :
પાતંજલમતાનુસાર સંસારી જીવોને અતીત, અનાગત અને વર્તમાન પદાર્થોનો જે થોડો કે ઘણો બોધ થાય છે, તે બોધ ચિત્તનો સાત્ત્વિક પરિણામ છે અને તે સાત્ત્વિક પરિણામ સર્વજ્ઞપણાનું બીજ છે અને આવું બીજ પરાકાષ્ઠાને પ્રાપ્ત ઈશ્વરમાં છે તેથી ઈશ્વરની સિદ્ધિ થાય છે. જ્ઞાનાદિચિત્તના ધર્મો પરાકાષ્ઠાને પામેલા જે પુરુષમાં છે તે પુરુષની ઈશ્વર તરીકે સિદ્ધિ : કઈ રીતે સર્વજ્ઞપણાના બીજના બળથી ઈશ્વરની સિદ્ધિ થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
જે અલ્પત્વ, મહત્ત્વાદિરૂપ સાતિશય ધર્મો હોય તેઓની પરાકાષ્ઠાની પ્રાપ્તિ થાય છે. જેમપરમાણુમાં અલ્પત્વની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે અને આકાશમાં પરમમહત્ત્વરૂપ પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. એ રીતે ચિત્તના જ્ઞાન, વૈરાગ્ય આદિ ધર્મો તરતમતાથી પ્રાપ્ત થાય છે માટે કોઈક ઠેકાણે તે ધર્મો નિરતિશયતાને પ્રાપ્ત કરે છે અને જે પુરુષમાં જ્ઞાનાદિ ચિત્તના ધર્મો પરાકાષ્ઠાને પામે છે. તે પુરુષ ઈશ્વર છે.
આનાથી એ ફલિત થયું કે, સંપૂર્ણ જ્ઞાનના બીજભૂત એવું જ્ઞાન સંસારી જીવોનાં ચિત્તમાં વિદ્યમાન છે અને તેનું જ્ઞાન કોઈક ઠેકાણે પરાકાષ્ઠાને પામેલું છે અને જે પુરુષમાં પરાકાષ્ઠાને પામેલું જ્ઞાન સ્વીકારવામાં આવે તે પુરુષ ઈશ્વરરૂપે અભિમત છે માટે ઈશ્વરની સિદ્ધિ છે.
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે અનુમાન દ્વારા જ્ઞાનાદિ ધર્મોનો ઉત્કર્ષ કોઈક પુરુષમાં છે તેમ સ્થાપન કર્યું, પરંતુ અનુમાનથી હંમેશા સામાન્ય બોધ થાય છે. જેમ ધૂમને જોઈને અગ્નિનું અનુમાન થાય છે ત્યાં ધૂમના બળથી પર્વતમાં અગ્નિ છે એમ સામાન્ય બોધ થાય છે, પરંતુ તે પર્વતમાં રહેલો અગ્નિ કેવા વર્ણવાળો છે ઇત્યાદિ વિશેષતાઓનો બોધ અનુમાનથી થતો નથી, પરંતુ પ્રત્યક્ષ જોવાથી જ થાય છે તેમ જગતમાં તરતમતાવાળા ધર્મો દેખાય છે તેના બળથી પરાકાષ્ઠાની કલ્પના કરવામાં આવે તો તે પરાકાષ્ઠવાળા જ્ઞાનાદિ ધર્મોનો સામાન્યથી બોધ થાય છે, પરંતુ તે પરાકાષ્ઠાવાળું જ્ઞાન કે પરાકાષ્ઠાવાળો વૈરાગ્ય કેવા સ્વરૂપવાળો છે તેનો વિશેષ બોધ અનુમાનથી થઈ શકતો નથી, તેથી કહે છે – ઈશ્વરના ચિત્તના જ્ઞાનાદિ ધર્મોની વિશેષતાનું શાસ્ત્રથી જ્ઞાન :
ઈશ્વરના સર્વજ્ઞત્વાદિ ચિત્તના ધર્મો કેવા પ્રકારના વિશેષતાવાળો છે તેનો બોધ શાસ્ત્રથી થાય છે. જેમ ઈશ્વરનું ઈશ્વરપણું આખા જગતનો ઉદ્ધાર કરવા સમર્થ છે તેવા પ્રકારનો વિશેષ બોધ શાસ્ત્રથી થાય છે, પરંતુ અનુમાન પ્રમાણથી થઈ શકતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, ઈશ્વરમાં પરાકાષ્ઠાને પામેલા જ્ઞાનાદિ ચિત્તધર્મો છે તેમ સ્વીકારીને ઈશ્વરને પોતાની ઐશ્વર્યશક્તિને કારણે પ્રકૃતિ અને પુરુષનો સંયોગ અને વિયોગ આપાદન કરે છે અર્થાત્