________________
૧૧૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૧ | સમાધિપાદ | સૂત્ર-૪૫ ભાવાર્થ : સવિચાર અને નિર્વિચારસમાપત્તિનો સૂક્ષ્મવિષય અલિંગ પર્યત :
પાતંજલયોગસૂત્ર ૧-૧૭માં ચાર પ્રકારની સંપ્રજ્ઞાતસમાધિ છે તેમ બતાવેલ તેમાંથી સવિતર્કસમાપત્તિ અને નિર્વિર્તકસમાપત્તિનું સ્વરૂપ સૂત્ર ૧-૪૨૪૩માં બતાવ્યું, અને સવિચારસમાપત્તિ અને નિર્વિચારસમાપત્તિનું સ્વરૂપ સૂત્ર ૧-૪૪માં બતાવ્યું અને તે સવિચારસમાપત્તિ અને નિર્વિચારસમાપત્તિ સૂક્ષ્મવિષયવાળી છે તેમ કહ્યું, તેથી હવે સૂક્ષ્મ વિષય પૂર્વે પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરમાં છે તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં કહ્યું કે અલિંગપર્યત સૂક્ષ્મવિષયતા છે.
પાતંજલમતાનુસાર અલિંગ પ્રધાન છે અર્થાત્ પ્રકૃતિ છે. પ્રકૃતિને અલિંગ કેમ કહ્યું? તેથી અલિંગ શબ્દની વ્યુત્પત્તિ બતાવે છે –
પ્રકૃતિ કોઈનામાં લીન થતી નથી માટે અલિંગ છે અર્થાત્ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા બુદ્ધિ આદિ તત્ત્વો યોગી જયારે સાધના કરે છે અને તેમનામાં વિવેકખ્યાતિ પ્રગટે છે ત્યારે પ્રકૃતિમાં લીન થાય છે, પરંતુ પ્રકૃતિ કોઈનામાં લીન થતી નથી, કેમ કે પાતંજલમતાનુસાર પ્રકૃતિ અને પુરુષ બે સ્વતંત્ર પદાર્થ છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો પેદા થાય છે અને તેનાથી ભવનો પ્રપંચ ઉત્પન્ન થાય છે.
યોગી જ્યારે સાધના કરે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ઉત્તર-ઉત્તરના તત્ત્વો પૂર્વ-પૂર્વમાં લીન થાય છે, પરંતુ પ્રકૃતિ કોઈથી ઉત્પન્ન થયેલી નથી, તેથી તે ક્યાંય કોઈનામાં લીન પામતી નથી માટે પ્રકૃતિને અલિંગ કહેલ છે.
અથવા અલિંગની બીજી વ્યુત્પત્તિ બતાવે છે – કોઈને જણાવે નહીં તે અલિંગ કહેવાય છે. જેમ-વતિમાંથી ધૂમ ઉત્પન્ન થાય છે, તેથી ધૂમ-ધૂમાડો વહ્નિનો બોધ કરાવે છે, તેમ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી બુદ્ધિ પ્રકૃતિનો બોધ કરાવે છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, તેથી અહંકાર બુદ્ધિનો બોધ કરાવે છે. તે રીતે ઉત્તર ઉત્તરના કાર્યો પૂર્વ-પૂર્વના કારણોનો અનુમાન દ્વારા બોધ કરાવે છે, પરંતુ પ્રકૃતિ કોઈનામાંથી ઉત્પન્ન થઈ નથી, તેથી પ્રકૃતિ કોઈને જણાવતી નથી માટે પ્રકૃતિને પાતંજલદર્શનકાર અલિંગ કહે છે.
વળી અલિંગ સુધી સૂક્ષ્મ વિષય છે એમ કહેવાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે – યોગી સાધના દ્વારા ગુણોનો પરિણામ પ્રાપ્ત કરે છે તે પરિણામમાં ચાર પર્વો છે ચાર સંધિસ્થાનો છે તે આ પ્રમાણે – (૧) પાંચ ભૂતરૂપ વિશિષ્ટલિંગ, (૨) તન્માત્રા અને ઇન્દ્રિયરૂપ અવિશિષ્ટ લિંગ, (૩) બુદ્ધિરૂપ લિંગમાત્ર અને (૪) પ્રધાનરૂપ પ્રકૃતિરૂપ અલિંગ.