________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૨
જૈન રામાયણ રાજેશ્વર, જેવી રીતે દુર્જન પોતાની દુર્જનતા ત્યજતો નથી, તેવી રીતે સજજને પોતાની સજ્જનતા ન છોડવી જોઈએ. આપણે નીતિ શા માટે છોડી દેવી? જો એને સમાચાર મળશે, કદાચ એને સદ્બુદ્ધિ પ્રાપ્ત થાય તો યુદ્ધનો દાવાનળ અટકી જાય. ઘોર હિંસા થતી અટકી જાય.'
ભામંડલને વૃદ્ધ કૂટનીતિજ્ઞની વાત કંઈક ગમી. પરંતુ હવે જ્યારે સીતાની ભાળ મળી છે ત્યારે આવા શિષ્ટાચારોમાં સમય વ્યતીત કરવો, તે એને સીતાના હિતની વિરુદ્ધ કાર્ય લાગ્યું. ભામંડલ સમજતો હતો કે લંકામાં સીતાની શું સ્થિતિ સર્જાઈ હશે? હવે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના સતા-મુક્તિ માટે જ સીધો પ્રયત્ન કરવા, તેણે શ્રી રામને નિવેદન કર્યું. - “હે પરાક્રમી, દૂત મોકલવાનો શિષ્ટાચાર પાળવો હોય તો ભલે પાળો, પરંતુ આવી બધી વિધિઓ આ પ્રસંગે મને મૈથિલીના હિતમાં લાગતી નથી. હવે એકએક ક્ષણનો વિલંબ મને અનુચિત લાગે છે.” ભામંડલે શ્રીરામને સ્પષ્ટ ભાષામાં પોતાનું મંતવ્ય કહી દીધું. સુગ્રીવે ભામંડલના ખભે હાથ દઈ કહ્યું.
રાજન, તમારી વાત યથાર્થ છે. હું પણ સીતામુક્તિમાં જરાય વિલંબ ઇચ્છતો નથી. એટલે સર્વ પ્રથમ આપણે એવા જ વીર પુરુષને મોકલીએ કે જે લંકાના ધર્માત્મા બિભીષણને મળે. રાક્ષસકુળમાં એ જ એક નીતિમાન પુરુષ છે. એ સીતા મુક્તિ માટે રાવણને સમજાવશે અને જો રાવણ વાત નહીં માને તો એ અવશ્ય શ્રીરામનાં ચરણોમાં આવી જશે. એટલું જ નહીં, આપણે એવા વીર પુરુષને લંકામાં મોકલીએ જે રાવણને ચમત્કાર પણ બતાવી દે અને સીતાજીને પણ લઈ આવે! હા, સીતાજી માની જાય તો.” ભામંડલે સુગ્રીવની વાત સ્વીકારી.
તો હું જ લંકામાં જાઉં.” ભામંડલે પ્રસ્તાવ મૂક્યો.
લંકામાં આપનું કામ નહીં. લંકામાં પ્રવેશ કરવો એ પણ એક મોટું સાહસ છે. એ કાર્ય અનુભવીનું છે. આ કાર્ય માટે મારી દૃષ્ટિ વીર હનુમાન પર ઠરે છે. હનુમાનજીને રાવણનો પરિચય છે. લંકાની પ્રવેશ-રીત પણ તે જાણે છે.”
સુગ્રીવે “શ્રીભૂતિ' ને બોલાવી, હનુપુર જવા આજ્ઞા કરી. શ્રીભૂતિ આકાશયાનમાં બેસી હનુપુર તરફ ઊપડી ગયા.
શ્રીભૂતિએ હનુપુર પહોંચી, હનુમાનજીને સુગ્રીવનો સંદેશ આપ્યો અને મૌખિક સમાચાર પણ આપ્યા. તરત જ હનુમાનજી તૈયાર થઈ ગયા. શ્રીભૂતિની સાથે આકાશયાનમાં બેસી, કિષ્કિન્વિના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. હનુમાનજીએ
For Private And Personal Use Only