________________
૯૫
આપણા વૈદિક વારસાથી વંચિત રહેલા છે. હકીકતમાં માનવજીવનના કેટલાય મૂળભૂત પ્રશ્નો એવા છે કે જેની સામે વિજ્ઞાન નિરુત્તર છે. આપણી આસપાસ જો નજર કરવામાં આવે તો કેટલાંક લોકો પાસે, રહેવાને માટે મોટા મોટા મહેલો છે. ચાર વ્યક્તિના કુટુંબ માટે દસ રૂમોનાં પાંચ મકાનો હોય છે. વાપરવા માટે દસ-દસ ગાડીઓ હોય છે. જ્યારે કેટલાક લોકોને રાતવાસો કરવા માટે કોઈક ઘરનો ઓટલો પણ મળી શકે તેમ નથી. તેટલું જ નહીં, દસ માણસોનું કુટુંબ એક નાનકડાં ઝૂંપડામાં સમાવાનો પ્રયત્ન કરે છે. કેટલાંક લોકો પાસે અનાજના ભંડાર છે. વધેલું અન કોને આપવું તે પ્રશ્ન છે
જ્યારે કેટલાંય ગરીબોને પેટનો ખાડો પૂરવા જેટલું અન્ન પણ હોતું નથી.જગતમાં જોવા મળતી આવી અસમાનતાનું કારણ વિજ્ઞાન આપી શકે તેમ નથી. ઘણીવાર એક જ વાહનમાં મુસાફરી કરનાર મુસાફરોને અકસ્માત નડતાં કોઈ એક વ્યક્તિનો પ્રાણ ચાલ્યો જાય છે, તો વળી કોઈકનો માત્ર પગ કપાય છે, જ્યારે કેટલાંકને સહેજ પણ ઈજા થતી નથી. આવું થવાનું કારણ પૂછતાં કોઈ કહેશે કે, જેણે ખૂબ પાપ કર્યા હતા તેણે આ દુનિયામાંથી વિદાય લીધી. જેણે થોડાં પાપ કર્યા હતા તેનો પગ ભાંગ્યો અને નીતિથી જીવનારે સદાચારી વ્યક્તિ બચી ગઈ. પરંતુ આવા પ્રત્યુત્તર સામે એક બીજો પ્રશ્ન જાગે છે કે જે બાળકો જન્મથી જ આંધળા, બહેરાં કે અપંગ જન્મે છે, તેમને ક્યાં કર્મોની સજા થતી હોય છે? આવા અનેક પ્રશ્નો પ્રત્યે વિજ્ઞાન નિરુત્તર છે. હજુ જો પ્રશ્ન કરીએ તો એમ પણ પૂછી શકાય કે આપણો જન્મ શા માટે અમુક ચોક્કસ મા-બાપને ત્યાં ચોક્કસ સમયે અને કોઈ નિશ્ચિત સ્થળે જ થતો હોય છે? આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે? જે નિયમિત ચાલતા કુદરતી પરિબળો છે તેનું સંચાલન કોણ, કેવી રીતે કરતું હશે? મૃત્યુ પછી મનુષ્યની ગતિ શું હશે? આવા તમામ વિજ્ઞાન દ્વારા વણઉકલ્યા પ્રશ્નોનાં સમાધાન માટે આપણે શાસ્ત્રોના શરણમાં ગયા વગર છૂટકો નથી. શાસ્ત્રમાં જો શ્રદ્ધા નહિ હોય તો જીવનના આવા મહત્ત્વના પ્રશ્નો આપણને મૂંઝવણમાં મૂકી દેશે. દશ્ય, જડ અને ભૌતિક જગતને સમજવા મથી રહેલું વિજ્ઞાન જ્યાં મૌન થઈ જાય છે ત્યાં જ અધ્યાત્મશાસ્ત્રનો ઉદય થાય છે.