________________
૨૧૧
આવી અવિદ્યા કે આત્મસ્વરૂપનું અજ્ઞાન જ વાસ્તવમાં બંધનનું કારણ છે. તત્ત્વાર્થે તો પ્રત્યેક વ્યક્તિ નિરાકાર, અજન્મા, અશરીરી આત્મા છે, એટલું જ નહીં પરંતુ તે શરીરથી અસંગ અને ન્યારો છે. શરીરમાં હોવા છતાં તેને શરીરનો સ્પર્શ નથી. છતાં શરીર સાથેના ખોટા તાદાત્મથી તે માની બેસે છે કે શરીર મારું છે અને હું જ શરીર છું. આવો અહંભાવ કે મમભાવ જ, બંધન કહેવાય છે. આવું બંધન અનાદિ અવિદ્યા દ્વારા જ ઉત્પન્ન થયું છે તેવો સંકેત આપી અત્રે સમજાવ્યું છે કે તેવા બંધનથી છૂટવાનું કાર્ય ક્ષણે ક્ષણે પ્રત્યેક મુમુક્ષુ દ્વારા થવું જોઈએ. જેને મનુષ્યદેહ મળ્યો છે તેણે જો કંઈ કરવા જેવું ઉત્કૃષ્ટ કર્મ હોય તો તે કાર્ય માત્ર બંધનથી મુક્તિનું જ કાર્ય છે. તેવા શ્રેયયુક્ત કર્તવ્યનો ત્યાગ કરીને જે પુરુષ માત્ર પોતાના દેહના પોષણમાં જ તત્પર અને આસક્ત રહે છે, શરીરની સુખાકારી અને ઇન્દ્રિયભોગો માટે જ સમય વ્યતીત કરે છે, તે પોતાના આવા દુષ્કૃત્યો વડે પોતાનું હનન કરે છે. એટલું જ નહીં, તેવા કૃત્યોથી તે પોતાના દુઃખમાં નિત્ય નિરંતર વૃદ્ધિ જ કર્યા કરે છે. તે સમજે છે કે દેહ, ઉત્થાન માટે નથી, મુક્તિ માટે તો જરા પણ નહિ, બલકે રંગ રાગ અને ભોગ માટે જ છે. તેની આવી ભ્રાંતિ જ તેના જીવનની શાંતિને હણી લે છે અને પોતે પોતાના આત્મસામ્રાજયનો માલિક હોવા છતાં અવિદ્યાએ કરીને પાયમાલીના રસ્તે દેહના પોષણમાં જાતે જ ખુવાર થઈ ખતમ થઈ જાય છે.
જેમ કોઈ ટાઈફૉઈડના રોગીને ખોરાક લેવાની મના કરવામાં આવી હોય અને મધુપ્રમેહના દર્દીને સાકર કે ગળ્યા પદાર્થોની મના ફરમાવવામાં આવી હોય, છતાં તેવા દર્દીઓ તબીબી સૂચનાની પરવા કર્યા વિના શર્કરાયુક્ત ગળ્યા પદાર્થો વારંવાર આરોગે, તો અંતે તેઓ રોગના ભયંકર આક્રમણથી ઘેરાઈ મૃત્યુને શરણ થાય છે. તેવી જ રીતે વિષયભોગની ઇચ્છાથી પીડાતો કે વાસનારૂપી રોગનો શિકાર બનેલો રોગી મનુષ્ય, જો વાસનાનો ત્યાગ કરવાને બદલે નિત્ય નવી નવી વાસનાઓનો વંટોળ ઊભો કર્યા કરે અને તે વાસનાને સંતૃપ્ત કરવા ભોગ ભોગવ્યા જ કરે, વિષયોનો સાથ કે સંગાથ છોડે જ નહીં તો ઉપર જણાવેલા દર્દીની જેમ તે પણ વાસનારૂપી રોગના