________________
૩પ૬
મોક્ષ મળે કેવી રીતે?
અન્નમય, પ્રાણમય, મનોમય અને વિજ્ઞાનમયકોશના વિવેચન . બાદ આત્મતત્ત્વનો પરિચય આપવામાં આવ્યો અને નિત્યમુક્ત હોવા છતાં કેવી રીતે બંધનમાં પડવું પડે છે અગર તે નિરાકાર હોવા છતાં કેવી રીતે સાકાર થાય છે, નિર્વિકારી હોવા છતાં શા માટે વિકારી બને છે તથા અનાદિ અને અનંત હોવા છતાં પોતે પોતાને કેવી રીતે આદિ અને અંતવાળો ગણે છે, એવી સમજણ આપવામાં આવી. આ બધું જ શિષ્ય, પ્રતિક્રિયારહિત થઈને શ્રવણ કરી રહ્યો હતો. પરંતુ અંતે તેના મનમાં શંકા જાગી અને પોતાની શંકાને તેણે બે શ્લોકમાં અભિવ્યક્ત કરી છે.
હે ગુરુદેવ ! આપનો ઉપદેશ મેં શ્રદ્ધાથી સાંભળ્યો. પરંતુ મને સમજાતું નથી કે જે આત્મા અનાદિ અને અનંત છે સર્વવ્યાપ્ત અને સર્વાધાર છે, અવિકારી અને અપરિવર્તનશીલ છે, નિર્લેપ અને નિરુપાધિક છે, તેવા પરમ આત્માને મનોભ્રાંતિ, અવિદ્યા કે અજ્ઞાનને લીધે અગર કોઈ અન્ય ભ્રમને કારણે જીવ બનવું પડ્યું હોય, તો ભલે તેમ થયું, એ વાત તો સ્વીકારવી જ પડે છે. પરંતુ નિરુપાધિક આત્માને ઉપાધિવાળા કે સોપાધિક બનવું પડે અને એવી ઉપાધિ જો અનાદિ હોય, તો તો જીવભાવ પણ અનાદિ થયો તેમ કહેવાય. આપે પણ જીવભાવને અનાદિ તરીકે સમજાવ્યો છે. આવી વાતથી મને શંકા થાય છે કે જો ઉપાધિ કે જીવભાવ અનાદિ હોય અર્થાત્ તેનો આરંભ, પ્રારંભ, જન્મ કે શરૂઆત જ ન હોય તો સ્પષ્ટ છે કે જીવભાવનો અંત પણ ન થાય. તેવું જો સત્ય માનીએ, તો જીવનો સંસાર સદા ચાલતો રહે અને સંસારનો પણ નાશ કે અંત થાય નહીં. તેમજ હોય તો જન્મમરણરૂપી ચક્ર પણ કોઈને માટે અટકે નહીં. આમ થવાથી તો ભારે અનર્થ થાય. એટલું જ નહીં, પરંતુ અનાદિ જીવભાવથી તો કોઈને પણ ક્યારેય મોક્ષ મળી શકે નહીં, તથા પ્રત્યેકને જીવરૂપે જ રહેવું પડે. માટે હે ગુરુદેવ ! “મારી શંકાનું સમાધાન કરી મને સમજાવો કે જીવભાવનો અંત થાય કેવી રીતે? મોક્ષ મળે કેવી રીતે? અને ઉપાધિ નિવૃત્ત કેવી રીતે થઈ શકે?”