________________
७८८
હે શિષ્ય! સદા યાદ રાખ, કે વિદ્વાન, વિચારશીલ મુનિએ હંમેશા ચાલતાં, બેસતાં, ઊઠતાં, સૂતાં, જાગતાં અથવા અન્ય કોઈ પણ અવસ્થામાં પોતાની ઇચ્છા પ્રમાણે આત્મામાં જ રમણ કરતાં રહેવું જોઈએ. કારણ કે જેની ચિત્તવૃત્તિ નિરંતર આત્મસ્વરૂપમાં લીન થયેલી હોય તથા જેને આત્મતત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત હોય, એવા મહાત્માને દેશ, કાળ, આસન, દિશા, યમ આદિ અગર કોઈ વિશિષ્ટ લક્ષ્ય વગેરેની અપેક્ષા હોતી નથી. તો પછી આત્મજ્ઞાન બાદ કોઈ નિયમ વગેરેની અપેક્ષા શા માટે હોય?
વાસ્તવમાં તો, ‘આ ઘડો છે’, એવું જાણવા માટે તેમાં પદાર્થબુદ્ધિ અથવા ઘટાકાર બુદ્ધિવૃત્તિ થતાં જ્ઞાન થાય છે કે ‘આ ઘડો છે.’ આમ, પદાર્થબુદ્ધિરૂપી શ્રેષ્ઠ પ્રકારના પ્રમાણ સિવાય ઘડાના જ્ઞાન માટે શું કોઈ અન્ય નિયમની જરૂર પડે ખરી? તે જ પ્રમાણે જેને, ‘હું બ્રહ્મ કે આત્મતત્ત્વ છું', એવા જ્ઞાનની સિદ્ધિ થઈ ચૂકી હોય તો હવે પોતાને જાણવા શું કોઈ અન્ય નિયમની આવશ્યકતા હોઈ શકે ખરી?
જેને આત્મતત્ત્વનું અપરોક્ષજ્ઞાન થયું હોય અને તેવા જ્ઞાન દ્વારા તે આત્મસાક્ષાત્કા૨રૂપી પરમસિદ્ધિને પ્રાપ્ત કરી જીવન્મુક્ત થયો હોય તેવા મહાત્માપુરુષને શેષ જીવન વીતાવવા કોઈ પવિત્ર સ્થળ કે દેશ જેવા કે નદીનો કિનારો, પર્વતની ગુફાઓ કે નિર્જન પ્રદેશમાં રહેવું જોઈએ તેવો નિયમ લાગુ પડતો નથી. તેણે બ્રહ્મમુહુર્તમાં ઊઠવું, અગર સંધિકાળે પૂજા–વંદના કે સંધ્યા ક૨વી, તેવા કાળના નિયમો પણ તેને બાંધતા નથી. બેસવા માટે અમુક પ્રકારના સિદ્ધાસન, પદ્માસન વગેરેમાં જ બેસવું એવા શાસ્ત્રના નિયમોથી બંધાયેલો, જીવન્મુક્ત હોઈ શકે નહીં. જો તેવા નિયમો જીવન્મુક્તને બંધનમાં રાખે, તો તો તેના જીવનની પવિત્રતા કે સ્વતંત્રતા તો નષ્ટ થશે જ, ઉપરાંત તેનું જીવન તળાવના બંધિયાર પાણી જેવું થઈ જશે અને લીલ અને કચરાથી ગંધાવા લાગશે. તેથી જીવન્મુક્તને ન હોઈ શકે અહિંસા, સત્ય, અસ્તેય આદિ યમોની લક્ષ્મણરેખા અગર ન હોઈ શકે ધારણા, ધ્યાન અને સમાધિ જેવા કોઈ લક્ષ્ય, કે જે લક્ષ્યની પ્રાપ્તિ માટે અમુક નિયમોની અપેક્ષા હોય. જેમ