________________
૮૩૪
જોયું કે પારમાર્થિક સત્યનું અંતિમ શિખર માત્ર દર્શાવ્યું નથી પરંતુ શિષ્યને સમર્થ બનાવી જ્ઞાનના ઉત્કૃષ્ટ શિખર ઉપર ઊભો પણ કરી દે છે. ત્યારબાદ અંતે ગુરુ-શિષ્યનું વ્યાવહારિક નાટક ઉપાધિભેદે પૂર્ણ થયું છે તેમ સમજી, બન્ને અન્યોન્યથી વિદાય લે તે પૂર્વે એક નિખાલસ રજુઆત ગુરુદેવના અંતઃકરણથી પ્રગટ થાય છે કે “હે વત્સ! ભલે આપણી વચ્ચે લોહીનો સંબંધ નથી, છતાં મેં તને પુત્ર સમાન માન્યો છે અને તેથી જ મારો આધ્યાત્મિક વારસો અને બ્રહ્મવિદ્યાનો ખજાનો તને વારસદાર સમજીને તારી સમક્ષ કંઈ પણ છુપાવ્યા વિના મેં ખુલ્લો મૂક્યો છે. ઉપનિષદોના સિદ્ધાંતોનો ગુહ્યમાં ગુહ્ય સાર પણ તને અત્યાર સુધી અનેકવાર બતાવ્યો છે. આ બ્રહ્મવિદ્યાનું પવિત્ર જ્ઞાન નિમિત્તભાવે મેં તને આપ્યું છે. તું કળીયુગના દોષોથી મુક્ત છે એટલું જ નહીં પરંતુ તારામાં કામનાવાળી બુદ્ધિનો લેશમાત્ર સ્પર્શ નથી. તેથી આ ઉપનિષદોના સારરૂપી આ સર્વશ્રેષ્ઠ અને અતિગુહ્ય જ્ઞાન તને આપ્યું છે. સદા યાદ રાખજે, તું સાચો મુમુક્ષુ છે, પુત્ર સમાન છે, શિષ્યત્વને સંપન્ન થયો છે, શરણાગતિવાળો છે અને અહંકારને જીવનમાંથી દેશવટો દઈ નમ્રતાપૂર્વક તે મને પ્રશ્ન કરેલો કે, "को नाम बन्धः कथमेष आगतः कथं प्रतिष्ठास्य कथं विमोक्षः ।"
(વિ.ચૂ૫૧) માટે જે તેવા સમ્પ્રશ્નના ઉત્તરરૂપે કે શંકાના સમાધાનસ્વરૂપે મેં તને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી, મારી સમકક્ષ જીવન્મુક્ત બનાવ્યો છે. હવે આજથી નથી હું તારો ગુરુ કે તું મારો શિષ્ય. હવે તો અવિદ્યાનો અંતિમ પડદો સરી જતાં “હું, તું અને પ્રત્યેક ભૂતમાત્ર તથા દેશ્ય-અદેશ્ય, વ્યક્ત અને અવ્યક્ત, જડ અને ચેતન જેવું જે કંઈ જોય છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અનુભવગમ્ય છે, તે સર્વ કાંઈ બ્રહ્મરૂપ જ છે. માટે જ્ઞાનમય સર્વાત્મદષ્ટિ રાખી ખુશીથી ઇચ્છે ત્યાં તું જઈ શકે છે અને ફાવે તેમ વર્તી શકે છે.તારી બ્રહ્મદષ્ટિ દ્વારા હવે તું જીવન્મુક્ત છે.આવું મનોમન ગુરુદેવ બોલતા હોય તેવું, તેમની આંખોમાંથી વહેતી અમીદષ્ટિ જાણે શિષ્ય ઉપર આશીર્વાદનો અભિષેક કરતી હોય તેવું, જણાય છે.