________________
૫૦૬
દેહ આરોગ્યદાયક થઈ શકે નહીં. એવી રીતે થોડો પણ સૂક્ષ્મ અહંકાર બચી ગયો હોય અને જો તેની આત્યંતિક નિવૃત્તિ ન થઈ હોય તો યોગીની મુક્તિ કેવી રીતે સંભવે ?
પૂર્વેના શ્લોકમાં અહંકારને રાહુની ઉપમા આપવામાં આવી. ત્યારબાદ સર્પની ઉપમા આપવામાં આવી અને અત્રે અહંકારને ઝેરની ઉપમા આપી જણાવ્યું કે ઝેર ખાનાર નીરોગી થઈ શકે નહીં. તેમ અહંકારરૂપી ઝેરથી જેનું સુખદાયક સ્વરૂપ દુષિત થયેલું હોય છે, તે મનુષ્યને ધીરે ધીરે અહંકારનું ઝેર વિનાશક પરિસ્થિતિ તરફ લઈ જાય છે અને તેનો વિનાશ કરે છે. અહંકારરૂપી ઝેર જ જીવાત્માને કર્તા-ભોક્તાભાવમાંથી કે મમત્વમાંથી છોડાવવાને બદલે કર્મના નશા તરફ, ભોગના વિષયરૂપી ઝેર તરફ લઈ જાય છે. અંતે મનુષ્યજન્મને નિષ્ફળ બનાવી તેનો ઉદ્ધાર કરવાને બદલે અધમ યોનિ તરફ ધકેલે છે. માટે જ મુમુક્ષુઓ સાવધાન રહી સૂક્ષ્મ અહંકારને પારખી સાત્ત્વિક કર્મો જેવી અહંકારની વાસનાનો નાશ કરવો જોઈએ. સકામ કર્મ તો અહંકાર છોડાવી શકે, પણ ત્યારબાદ સૂક્ષ્મ અહંકાર મુમુક્ષુને નિષ્કામ કર્મમાં બાંધે છે. જ્યારે મુમુક્ષુ એમ માને છે કે, “હું નિષ્કામ કર્મી છું, તો સમજવું કે તે તેનો સૂક્ષ્મ અહંકાર છે. તે જ પ્રમાણે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ પામેલો જો એમ માને કે, “ગૃહસ્થાશ્રમીથી ઉત્કૃષ્ટ છું, “મહાન છું, પૂજનીય છું, વરણીય છું, તો પોતાને માટે પૂજ્યભાવની અભિવ્યક્તિમાં અજાણતાં તે પોતાના સૂક્ષ્મ અહંકારનું જ પ્રદર્શન કરે છે. તે જ પ્રમાણે તેવા સંતો કે જ્ઞાનીઓ જો પોતાને ત્યાગમૂર્તિ તરીકે, સંસારના ત્યાગી તરીકે ઓળખાવે તો સમજવું કે તેમનો અહંકાર ખ્યાતિ કે પ્રતિષ્ઠાભૂખ્યો છે અને પ્રશંસા માટે વલખાં મારતો, સ્તુતિ માટે તરફડતો તે સૂક્ષ્મ અહંકાર જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. જ્યાં સુધી, “હું ત્યાગી છું', એવા વિચારનો ત્યાગ ન થાય ત્યાં સુધી નથી કોઈ ત્યાગી, નથી કોઈ વિદ્વાન. તે જ ન્યાયે સંન્યાસીને ‘હું સંન્યાસી છું', તેવું નિરંતર યાદ રહેલું હોય તો સમજવું કે તે ઘરબાર સંપત્તિ કે હોદ્દો છોડી ચૂક્યો છે પણ આશ્રમ, મઠ કે સંન્યાસની ઉપાધિમાં