________________
૫૫૬
સર્વમાં આત્મદર્શન જ સંસારબંધનથી મુક્તિનું કારણ છે. આવા સર્વાત્મદર્શનથી પર કે શ્રેષ્ઠ મુક્તિનો અન્ય કોઈ ઉપાય નથી માટે જ સદાસર્વદા આત્મનિષ્ઠાથી સર્વમાં આત્મદર્શન કરવું અને દૃશ્ય જગતનું મિથ્યાત્વ જાણી, તેનું અગ્રહણ કે ત્યાગ કરવો. જે કોઈ આત્મનિષ્ઠાથી દશ્યજગતનું અગ્રહણ કરી શકે છે તેવા પુરુષમાં સર્વાત્મભાવ સહજ પ્રગટે છે. આવો સહજ ઉદિત થયેલો સર્વાત્મભાવ જ જીવન્મુક્તનું આગવું વિલક્ષણ લક્ષણ છે.
જીવન્મુક્તનું આવું લક્ષણ સૂચવે છે કે તેને સર્વમાં આત્મદર્શન થાય છે. એટલું જ નહીં, પરંતુ દરેકમાં તે પોતાનું જ દર્શન કરે છે. માટે અન્યની સિદ્ધિને જીવન્મુક્ત પોતાની માની હર્ષોન્માદમાં નગ્ન થઈ નાચે છે. કોઈની પણ ખ્યાતિ, પ્રતિષ્ઠા કે પ્રશંસામાં પોતાની જ સ્તુતિ જાણે છે. કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈનો પણ વિજય થયો હોય તો પણ પોતાના હૃદયના આંગણે જીવન્મુક્ત વિજયપતાકા ફરકાવે છે. બ્રહ્માંડમાં ક્યાંય પણ ઉત્સવ થતો હોય તો પોતાના હ્દય-દ્વારે જ જીવન્મુક્ત તોરણો બાંધે છે. તે જ પ્રમાણે અન્યના દુઃખને, દર્દને, હતાશા, નિરાશા કે નિષ્ફળતાને પોતાની ગણી, જેમ પોતાને દુઃખ કે દર્દ ત્યાજય લાગે, તેમ અન્યને પણ ત્યાજય હોઈ, અન્યને પોતાની જેમ જ દુઃખથી મુક્ત કરવા તે તત્પર હોય છે. સૃષ્ટિમાત્રનું કોઈ પણ પ્રાણી, બંધનગ્રસ્ત હોય તો તેવા અજાણ્યા પ્રાણી કે જીવના બંધનને તોડવા જાતે જ પ્રયત્ન કરતો હોય તેમ, અન્યની બંધનશૃંખલાને તોડવા જીવન્મુક્ત પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. ક્યાંય કોઈ પણ દુ:ખી જણાય તો પોતે સુખને સ્પર્શ કરતો નથી કારણ કે તે સર્વમાં પોતાના આત્માને જ નિહાળે છે. તેથી તેનો જીવનશિલાલેખ છે કે “ન હું મને ત્યાગી શકું, નિંદી શકું, તિરસ્કા૨ી શકું. અન્ય શરીરોમાં આત્મભાવે જો હું જ રહેલો છું તો હું મને અન્યાય, તિરસ્કાર કે સજા કેવી રીતે કરી શકું? અરે! ન હું મારી નિંદા કરી શકું કે ન મને અંધારામાં કે અજ્ઞાનમાં પતન પામેલો જોઈ હું નિષ્ક્રિય રહી શકું.” આમ, જે સર્વાત્મદર્શી છે તે સૃષ્ટિ ઉપરનો, દેહપાત પૂર્વેનો, જીવતો જાગતો નિત્ય મુક્તિને વરેલો જીવન્મુક્ત હોવાથી સર્વશ્રેષ્ઠ જ્ઞાનયોગી છે. માટે જ તેવા યોગીની સ્તુતિ કે પ્રશંસામાં કોઈ ઊણપ ન રાખતાં