________________
પ૭૧
માટે સ્પષ્ટ છે કે આત્મારૂપી પદાર્થ કે વસ્તુના જ્ઞાનમાં અવિદ્યા કે અજ્ઞાન ટકી શકે નહીં. કારણ કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેથી તેની હયાતીમાં અવિધા ટકી શકે નહીં, અર્થાત્ તેનો બાધ થાય. કારણ અવિદ્યા અનાદિ છે છતાં સાન્ત' અર્થાત્ અન્ત પામવાના સ્વભાવવાળી છે અને તેનો અંત જ્ઞાનમાં જ શક્ય છે. અવિદ્યા જ આત્મવસ્તુને જણાવા દેતી નથી, તેથી તેને આવરણ કહેવાય છે. જેમ અંધારું, અજવાળામાં ન ટકે કારણ કે બન્ને પૂર્ણ વિરોધી છે. ઘણી વસ્તુ, પદાર્થો રહેલા હોય છતાં અંધારાના લીધે જણાય નહીં, તો સમજવું કે અંધારું પદાર્થોને ઢાંકે છે, માટે તે આવરણ છે. તે જ પ્રમાણે આત્માના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન થવામાં અજ્ઞાન કે અવિદ્યા જ કારણ છે, માટે તેને આવરણ કહ્યું છે. આવા આવરણનો બાધ કે નિવૃત્તિ માત્ર આત્મપદાર્થોના યથાર્થ કે સમ્યકજ્ઞાન દ્વારા જ થઈ શકે કારણ કે બન્ને અન્યોન્યના પૂર્ણ વિરોધી છે, માટે એક સાથે એક સમયે સંભવી શકે નહીં.
જે ક્ષણે સમજાય કે હું સત ચિત આનંદસ્વરૂપ, અજર, અમર, આત્મા છું, તે જ ક્ષણે અવિદ્યાનું આવરણ નષ્ટ થાય છે અને તેના લીધે જે મિથ્યાજ્ઞાન જન્મેલું કે “હું શરીર છું', તે મિથ્યા જ્ઞાનનો પણ આત્યંતિક અંત જણાય છે. તદુપરાંત, મિથ્યાજ્ઞાનથી “શરીર હું છું', તેવું સઘન તાદાભ્ય થયેલું, અને માટે જ શરીર “હું', તો તેની આધિ, વ્યાધિ પણ મારી અને શરીરનું મૃત્યુ પણ મારું જ કહેવાય. આવા મિથ્યાજ્ઞાનના બળે જ શરીરના રોગની ચિંતા, મૃત્યુનો ભય અને તેના લીધે ઉત્પન્ન થનારા વિક્ષેપ પણ મારા જ, તથા વિક્ષેપથી થતું દુઃખ પણ મારું જ કહેવાય. આમ, રજસ ગુણની વિક્ષેપ શક્તિથી મિથ્યાજ્ઞાનવાળા પુરુષને જે દુઃખો ઉત્પન્ન થાય છે, તેવા તમામ દુઃખ અને વિક્ષેપોની નિવૃત્તિ પણ માત્ર આત્મારૂપી પદાર્થના યથાર્થ જ્ઞાનથી થાય છે.
નિષ્કર્ષમાં આત્માના સમ્યકજ્ઞાનથી (૧) અવિદ્યારૂપી આવરણ (૨) મિથ્યાજ્ઞાન તથા (૩) વિક્ષેપશક્તિજન્ય દુઃખનો સદંતર નાશ થાય છે.